લોઠડા જમીન કૌભાંડમાં હાઇવે ટચની જ જમીનની શા માટે લ્હાણી ?

362

રાજકીય આગેવાનો અને સરકારની પોલ ખુલ્લી પડતા રાજવી પરીવાર બચાવની ભૂમિકામાં: ૧૯૫૪ થી ચાલતા વિવાદમાં એક જ મહીનામાં જમીન ફાળવણીનો ‘પ્રેમ’અબજોની લાલસામાં !!!

રાજકોટની ભાગોળે લોઠડામાં સોનાની લગડી જેવી કિંમતી જમીન રાજવી પરિવારને રાતો-રાત ખૈરાત કરવા પ્રકરણમાં સરકારની ‘અસીમ કૃપા’ના ભોપાળા છતાં થતાં અખબારોના માઘ્યમથી ‘અબજા’નો લાભ મેળવનારા રાજવી પરિવારને પોતાનો બચાવ કરવા ખુલાસા રજુ કરવા પડયા છે અને ૧૯૫૪થી સરકાર સામે લડત કરતા રાજવી પરિવારે પ૧ એકર જમીન પોતાના ખાતામાં આવી જતાં જ અધિકારીઓ અને રાજકારણીઓને ‘કલીન ચીટ’આપી આ કૌભાંડમાં કઇ ખોટું થયું ન હોવાનો લુલો બચાવ રજુ કર્યો છે ત્યારે સો મણનો એક જ સવાલ છે કે શું ? સરકારે હાઇવે ટચની જમીન જ ફાળવવા હુકમ કર્યો હતો ? લોઠડામા તો સેંકડો એકટ જમીન અંદર ગાળે ખેતી લાયક પડી છે તો હાઇવેના મોકાનો ‘ટેકરા’ લેવા પાછળનું કારણ શું ?

રાજયનાં મહેસુલ વિભાગ અને રાજકારણીઓની મિલિભગતથી રાજકોટના સ્થાનીક કલેકટર તંત્રને બાનમાં લઇ રાત-દિવસ ઓફીસમાં જ હાજર રહેતા એક ‘વચેટીયા’ની મદદથી રચાયેલી ‘બોઠડા કાંડ’ માં રોજેરોજ નીત નવા ફણગા ફૂટી રહ્યા છે અને જાગૃત નાગરીકો દ્વારા માહીતી અધિકારના કાયદા હેઠળ અરજીઓ કરી રાતો-રાત રાજવી પરિવાર પર મહેરબાન થનારા મહેસુલ વિભાગની પોલી ખોલવા ઝુંબેશ શરુ થઇ છે. ત્યારે લોઠડામાં પ૧ એકર જમીનની લોટરી મેળવનાર રાજવી પરિવારે ખુલાસો જાહેર કરી પોતાનો બચાવ કર્યો છે. આ અગાઉ બબ્બે વખત  પસંદગીની જગ્યા મેળવનાર રાજવી પરીવારે પોતાના વતન ખીજડીયા ગામની જમીન પસંદ ન કરી દહેગામ નજીક ૩૬ એકર જમીન મેળવી હતી. અને એ જમીન રદ કરી રાજકોટના મોટામવામાં સોનાની લગડી જેવી પ૧ એકર જમીનના જુદા જુદા ટુકડા મેળવ્યા હતા પરંતુ મોટામવામાં સ્થાનીક કક્ષાએ વિરોધ થતા કિંમતી જમીન હાંસલ કરવાનાં મનસૂબા પર ઠંડુ પાણી ફરી વળ્યું હતું.

બાદમાં વર્ષા જુના આ પ્રકરણમાં વગદાર રાજકીય લોબીની એન્ટ્રી થતાં જ મહેસુલ વિભાગ રાજવી પરિવાર ઉપર ઓળધોળ બન્યું અને વચેટીયાની સતત હાજરી વચ્ચે રાજકોટ કલેકટર તંત્રએ એક જ માસમાં સમગ્ર પ્રક્રિયા આટોપી લઇ વચેટીયાએ જયાં જવા આંગણી મૂકી તેવી પોટેન્શીયલ વાળી જમીન ડીઆઇએલઆરે માપણી કરી દીધી અને ફટાફટ ૭/૧૨ ના ઉતારા પણ નીકળી ગયા હતા.

ઉલ્લેખનીય છે કે વર્તમાન સમયમાં સાથણી શરત ભંગનો કિસ્સામાં આત્મવિલોપન કરવા છતાં સરકાર તસુ ભાર જીમન કોઇને ફાળવતી નથી ત્યારે લોઠડામા તો એક સાથે પ૧ એકર જમીન કે જેની કિંમત અબજો ‚પિયામાં અંકાય છે. તે કેમ મંજુર થઇ ગઇ તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે.

પ્રવર્તમા સમયમાં લોઠડામા ઔદ્યોગિક વિકાસ જોરશોરથી થઇ રહ્યો છે અને એક ચોરસવાર જગ્યા ૭૦૦૦ થી ૮૦૦૦ વારના ભાવે વેચાણ થઇ રહી છે. ત્યારે ભવિષ્યમાં અમરેલી- રાજકોટ હાઇવે ટચની આ જમીનની કિંમત કેટલી થાય ? એ નાનુ બાળક પણ સારી પેઠી જાણે છે.

આ સંજોગોમાં રાતો-રાત રાજકારણીઓ અને રાજવી પરિવારને ફાળવાયેલી લોઠડાની જમીનમાં આવનાર દિવસોમાં કેવા કેવા ખેલ થાય છે તે જોવું રહ્યું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

Loading...