Abtak Media Google News

સરકાર સોનાને શેર, મ્યુચ્યુઅલ ફંડ અને સ્થાવર સંપતિ સમકક્ષ ગણવા ઈચ્છે છે: સોનાના વેપારને મની લોન્ડ્રીંગ કાયદા હેઠળ આવરી લીધો છે

દેશમાં વર્ષે ૮૦૦ થી ૮૫૦ ટન સોનાની માંગ છે અને કરોડોની લે-વેચ થાય છે ત્યારે સરકારે હવે સોના પર પણ નજર સ્થિર કરી છે. સોના ચાંદીના અને હિરાના દાગીનાને પીએમએલઓમાં સમાવ્યા બાદ હવે ઘરેણાના વેપારીઓ બે લાખથી નીચેની કિંમતના સોના ચાંદીના અને હીરાના દાગીનાની ખરીદી કરતા ગ્રાહકો પાસેથી કેવાયસી તથા પાન કાર્ડની વિગતો માંગી રહ્યાં છે.

સોનાની લે-વેચને કાળા નાણા નાબૂદી કાયદા હેઠળ ૨૮ ડિસેમ્બરથી આવરી લેવામાં આવેલ છે. અત્યાર સુધી બે લાખની કિંમત સુધીના સોના-ચાંદી અને હીરાના દાગીના ખરીદનાર પાસેથી કેવાયસી તથા પાન કાર્ડ માગવામાં આવ્યા હતા પણ

સરકારે હવે સોનાને પણ આ કાયદામાં આવરી લેતા આગામી બજેટમાં સોનાના દાગીનાની લેવેચની આ મર્યાદા પણ  ઘટાડવામાં આવે તેવી દહેશત વ્યકત થઈ રહી છે. આથી સોનીઓ પણ હવે બે લાખથી ઓછા સોનાના દાગીના ખરીદનારા પાસેથી પણ કેવાયસી અને પાનની વિગતો માગી રહ્યાં છે.

સરકાર સોનાને શેર, મ્યુ. ફંડ અને રીયલ એસ્ટેટથી જેમ એક રોકાણ તરીકે ગણવા ઈચ્છે છે. એટલે આગામી સમયમાં અજાણ્યો ખજાનો નહીં રહે પણ એક સારૂ રોકાણ અને લકઝરી બનશે.

ભારતમાં દર વર્ષે ૮૦૦ થી ૮૫૦ ટન સોનાની માંગ રહે છે. ભારતીય જવેલરી એસોસિએશનના રાષ્ટ્રીય મંત્રી સુરેન્દ્ર મહેતા જણાવે છે કે, સોના, ચાંદી, પ્લેટીનમ, હીરા અને કિંમતી પથ્થરનો વેપાર કરતા વેપારીઓને પીએમએલઓ હેઠળ આવરી લીધા હોવાથી આવા વેપારીઓએ ફાઈનાન્સીયલ ઈન્ટેલીજન્સ યુનિટને સમયાંતરે પોતાના વેપાર ધંધાની વિગતો જાહેર કરવી પડે છે.

તેઓ વધુમાં જણાવે છે કે, કોઈપણ વેપારીને ત્યાં એક જ માસમાં એક વ્યક્તિ કે વધુ વ્યક્તિ દ્વારા રૂ.૧૦ લાખથી વધુની કિંમતની સોના, ચાંદી કે ઝવેરાતની ખરીદી કરવામાં આવે તો કે કોઈ શંકાસ્પદ ખરીદી વેચાણ થાય તો તેની વિગતો પણ સત્તાવાળાઓને આપવી પડે છે.

સોની બજારના વર્તુળો જણાવે છે અત્યાર સુધી જોવા મળ્યું હતું કે, સરકાર કે તંત્રની નજરમાં ન આવી જવાય એ માટે કોઈ વ્યક્તિ કે પરિવારના નામે ખરીદતા હોય છે પણ જવેલરી ઉદ્યોગ માને છે કે સરકાર આ બાબતે પણ કડક વલણ અપનાવે તેવી શકયતા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.