Abtak Media Google News

ગુજરાતનાં વિદ્યાર્થીઓ પણ અન્ય રાજયોનાં ટેકનોસેવીઓને ટકકર આપે તે માટે તાકીદે આઈપેડ ફાળવવાની માંગ કરતા પ્રદેશ કોંગ્રેસ અગ્રણી

પ્રદેશ કોંગ્રેસના અગ્રણી અને રાજકોટના યુવા નેતા ડો. દિનેશ ચોવટીયાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને એક પત્ર લખી વિદ્યાર્થીઓને આઈપેડ આપવાની યોજના શા માટે ખોરંભે પાડી દેવામાં આવી છે તેવા સવાલ કર્યો છે.

તેમણે પત્રમા લખ્યું છે કે, રાજય સરકારે ૨૦૧૫-૧૬માં વિદ્યાર્થીઓને આઈપેડ આપવાની જાહેરાત કરી હતી ધો.૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આધુનિક ટેકનોલોજી સાથે કદમ મિલાવી શકે અને ઈન્ટરનેટના માધ્યમથી પોતાના અભ્યાસક્રમ વિશે માહિતી મેળવી શકે તે માટે આઈપેડ એક ઉપયોગી સાધન ગણાય છે. પણ આરંભે સૂરાની જેમ પ્રારંભમાં વિદ્યાર્થીઓને આઈપેડ આપ્યા પછી અચાનક આ સુવિધા બંધ કરી દેવામાં આવી છે.

ડો. ચોવટીયાએ લખ્યું કે, ચૂંટણી સમયે જેમ મતદારોને વચનોની લ્હાણી કરવામાં આવે છે. તેવી રીતે જ વિદ્યાર્થીઓને પણ આઈપેડ આપવાના વચન આપવામા આવ્યા હતા પરંતુ આ વચનો પૂરતા પાળી શકાયા નથી.

સરકારે જો વાસ્તવમાં આજનો ગુજજુ વિદ્યાર્થી અન્ય રાજયોના ટેકનોસેવી વિદ્યાર્થીઓ સાથે ટકકર લ્યે તેવું ઈચ્છતી હોય તો વિદ્યાર્થીઓને આઈપેડ આપવાનો પૂન: પ્રારંભ કરવો જોઈએ.

અનેક વિદ્યાર્થીઓ આ સુવિધા મેળવવા માટે સરકારી કચેરીના ધકકા ખાય છે. પણ કોઈ સંતોષકારક જવાબ મળતો નથી આ બાબતને ધ્યાનમાં રાખીને સરકારે તાકીદે આઈપેડ ફાળવવા જોઈએ તેવી માંગણી પણ આ પત્રના અંતમાં ડો. દિનેશ ચોવટીયાએ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.