Abtak Media Google News

સુપ્રીમે સરકારને સવાલ કર્યો’તો: એટ્રોસિટીના કાયદાનો ‘ગેરલાભ’ લઈ ખોટી ફરિયાદ કરનાર ફરિયાદીને સજા કેમ ન કરી શકાય ?

લ્યો કરો વાત… એટ્રોસીટીના ખોટા કેસ દાખલ કરનાર ફરિયાદીને ય હવે બક્ષી દેવાશે. મતલબ કે વર્તમાન એટ્રોસીટી કાયદામાં કોઈ જ સુધારો નહીં થાય. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન કેન્દ્રને કહ્યું હતું કે, એટ્રોસીટી (એસસી/એસટી એકટ) કાયદા હેઠળ ખોટી ફરિયાદો કરનાર ફરિયાદીઓને દંડ અને સજા થવી જોઈએ.

તેના પ્રત્યુતરમાં કેન્દ્રવતી એડિ.સોલીસીટર જનરલ મનીંદર સિંઘે સુપ્રીમ કોર્ટના જજો આદર્શ ગોયેલ અને યુયુ લલિતની સંયુકત ખંડપીઠ સમક્ષ જણાવ્યું હતું કે, ૧૯૮૯થી ચાલ્યા આવતા એટ્રોસીટીના કાયદાની કલમોમાં હાલ તુરંત અમે કોઈ જ સુધારો કરવા માગતા નથી. ઉલ્લેખનીય છે કે, એટ્રોસીટી કેસના આરોપીને ‘નો બેઈલ’ (બિન જામીનપાત્ર)ની જોગવાઈ છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પેશ કરેલી દલીલ પરથી એવું ફલિત થાય છે કે, એટ્રોસીટીના ખોટા કેસમાં પણ ફરિયાદીને બક્ષી દેવાશે !!! જોકે આ કેસમાં સુપ્રીમ કોર્ટના બે જજોની બેન્ચે હજુ સુધી ચુકાદો અનામત રાખ્યો છે.

ઉલ્લેખનીય છે કે, શેડયુલ્ડ કાસ્ટ એન્ડ શેડયુલ્ડ ટ્રાઈબ (પ્રિવેન્શન ઓફ એટ્રોસીટી) એકટનો ‘ગેરલાભ’ લઈને કેટલાક લોકો પોલીસમાં ખોટી ફરિયાદ કરતા હોય છે. જેમાં નિર્દોષ માનવી ફસાઈ જાય છે.

સુપ્રીમ કોર્ટ સરકારને સવાલ કર્યો છે કે તેમણે આની સામે શું પગલા લીધા ? અથવા એટ્રોસીટી એકટનો ‘ગેર લાભ’ લેનારા લોકોને શા માટે સજા ન થવી જોઈએ ? કાયદાનો ગેરઉપયોગ ને ભારતીય બંધારણનું સરેઆમ ઉલ્લંઘન છે. સરકારે સુપ્રીમમાં પોતાનો પક્ષ રાખતા જણાવ્યું હતું કે, એટ્રોસીટીના કાયદામાં ૨૦૧૫માં સુધારા થયા છે અને સમયાંતરે જરૂરી પગલા લેવાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.