Abtak Media Google News

મોરબી વ્યાયામ શિક્ષક સંઘ અને મોરબી વ્યાયામ હિત રક્ષક સમિતિ અને કલા સંઘ ગુજરાત દ્વારા અપાયું આવેદન

દરવર્ષે ખેલ  મહાકુંભ અને કલા મહાકુંભ પાછળ અબજો રૂપિયાનો ખર્ચ કરતી અને કલા- ખેલમાં સમગ્ર ભારતમાં રોલ મોડેલ ગણાવતી ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૦૪ થી શાળામાં ઉપરોક્ત વિષયોના શિક્ષકોની ભરતી કરતી ન હોવાથી આજે મોરબીમાં વ્યાયામ શિક્ષક સંઘ, શિક્ષક હિત રક્ષક સમિતિ અને ગુજરાત કલા સંઘના નેજ હેઠળ જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

આજરોજ મોરબી જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વ્યાયામ શિક્ષક સંઘ અને મોરબી વ્યાયામ હિત  રક્ષક સમિતિ તેમજ ક્લાસંઘ ગુજરાતના નેજા હેઠળ મોટી સંખ્યામાં યુવાન યુવતીઓ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવી જુદી – જુદી પાંચ માંગણીઓ મૂકી હતી જેમાં એચ ટાટમાં કલા અને વ્યાયામ શિક્ષણના અનુભવને માન્ય ગણવો, કેન્દ્ર સરકારના આદેશ મુજબ અન્ય રાજયોની જેમ ગુજરાતમાં શિક્ષકોની ભરતી કરવી, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કલા અને વ્યાયામ વિષયને ફરજીયાત બનાવવો, ૨૦૦૪ થી કલા વ્યાયામ શિક્ષકોની ભરતી બંધ છે જે તુરત કરવી, પ્રવાસી શિક્ષકોની ભરતી બંધ કરવા માંગ ઉઠાવી હતી.

આવેદનપત્રમાં ચોકવનારી રજુઆત કરી ભાવી કલા અને વ્યાયામ શિક્ષકોએ જણાવ્યું હતું કે આરટીઇ કાયદા મુજબ કેન્દ્ર સરકારે ઉક્ત બંને વિષયના શિક્ષકોની ભરતી કરવા આદેશ કર્યો છે જે અન્વયે ગુજરાતમાં ૧૩ ૭૬૯ શિક્ષકો ભરતી કરવા ફરજીયાત હોવા છતાં આ નિયમનું પાલન થતું નથી.

બીજી તરફ આંધ્રપ્રદેશ, ગોવા, ઉત્તરપ્રદેશ, તેલંગાણા, તામિલનાડુ સહિતના રાજ્યોમાં અંશકાલીન શિક્ષકોની ભરતી થઈ છે અને સમગ્ર દેશમાં ખેલ, કલામાં રોલ મોડલ ગણાવતા ગુજરાત રાજ્યમાં જ શાળાઓમાં કલા અને વ્યાયામના શિક્ષકો નથી.

આ સંજોગોમાં ખેલ અને કલા મહાકુંભ પાછળ વર્ષે અબજો રૂપિયાના ખર્ચ કરતી સરકાર સત્વરે આરટીઇ કાયદા હેઠળ વ્યાયામ અને કલા શિક્ષકોની ભરતી કરે તેવી માંગ બંને સંગઠનો દ્વારા ઉઠાવવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.