શહેર-જિલ્લા પ્રમુખપદનું વાતાવરણ કોણ ડહોળી રહ્યું છે?

રાજકીય હીસાબ સરભર કરવા ‘કમળ’ને ગંદા કરનારાઓને હાઇકમાન્ડ ભરી પીશે?

શહેર અને જિલ્લા ભાજપમાં જુથવાદના બિહામણા ફૂંફાડા: અગાઉ હાઈ કમાન્ડના ચરણે પડી વિધાનસભાની ટિકિટ લઈ આવનારાઓને હવે સંગઠનના સુપ્રીમો બનવાના ખ્વાબ: આંતરિક લડાઇના કારણે નવા હોદ્દેદારોની નિમણૂકમાં ગૂંચ

ઓપરેશન ‘ડી.કે.’ માટે જિલ્લામાં, મિરાણીના ઘડા લાડવા માટે શહેરમાં જુથ સક્રિય

સામાન્ય રીતે કમળને ખુબજ પવિત્ર માનવામાં આવે છે. પરંતુ રાજકીય ઈચ્છા શક્તિ અને મહત્વકાંક્ષાઓને સંતોષવા માટે ભાજપના કેટલાક નેતાઓ કમળને ગંદુ કરી રહ્યાં છે. રાજકોટ શહેર અને જિલ્લા પ્રમુખ પદ માટે નામો ફાઈનલ હોવા છતાં કેટલાક તકવાદી નેતાઓ વાતાવરણ ડહોળી રહ્યાં છે. જે નામો ચાલી રહ્યાં છે તેઓનું ઓપરેશન કરી નાખવા જુથ સક્રિય થયા છે. આવામાં એ પણ સવાલ ઉઠી રહ્યાં છે કે, શું કમળને ગંદા કરનારાઓ સામે હાઈકમાન્ડ કોઈ આકરા પગલા લેશે તે તો સમય જ બતાવશે. પરંતુ હાલ પવિત્ર મનાતા કમળના પ્રતિકવાળી પાર્ટી ભાજપની આબરુંનું ધોવાણ થઈ રહ્યું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની બિનહરીફ વરણી થઈ ચૂકી છે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહના હોમ સ્ટેટ એવા ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ, મહાનગરો અને જિલ્લા પ્રમુખોની વરણી જૂથવાદના બિહામણા ફૂંફાડાના કારણે સતત પાછી ઠેલાઈ રહી છે. હવે એવી વાતો સંભળાય રહી છે કે, દિલ્હી વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયાની સાથે જ પ્રદેશ પ્રમુખ અને જિલ્લા મહાનગરોના હોદ્દેદારોની વરણી કરી દેવામાં આવશે. રાજકોટ જિલ્લા અને શહેરની વાત કરવામાં આવે તો વર્તમાન જિલ્લા પ્રમુખ ડી.કે.સખીયા અને શહેર પ્રમુખ કમલેશ મિરાણીને મોટાભાગે રીપીટ કરાય તેવી ચર્ચાઓ છેલ્લા ઘણા દિવસથી ચાલી રહી છે. પરંતુ ૭૨ કલાકથી ચિત્ર બદલાયું છે. ડી.કે.નું ઓપરેશન કરી નાખવા એક જુથ સક્રિય બન્યું છે તો મિરાણીના ઘડા લાડવા માટે શહેર ભાજપના એક સીનીયર નેતાએ પોતાના પિતાએ પક્ષ માટે કરેલી કાળી મજૂરીની દુહાઈ આપી રહ્યાં છે અને તેઓને સંગઠનના સર્વેસર્વા બનાવવામાં આવે તેવી આજીજી કરી રહ્યાં છે. સંગઠનના હોદ્દેદારોની સતત પાછી ઠેલાતી વરણીથી કાર્યકરોના ઉત્સાહ પણ તૂટી રહ્યાં છે. તો જૂથવાદની આગમાં અસંતુષ્ટો તાપણા કરવાનો આનંદ પણ ઉઠાવી રહ્યાં છે.

સામાન્ય રીતે સ્થાનિક સ્વરાજયની ચૂંટણી, વિધાનસભાની ચૂંટણી કે લોકસભાની ચૂંટણીમાં ટિકિટની ફાળવણી વખતે સેન્સ લેવામાં આવતી હોય છે ત્યારે જનાદેશ લેવાનો હોય છે પરંતુ ભાજપે એક નવી પ્રણાલી શરૂ કરી હતી જેમાં મહાનગર અને જિલ્લાના પ્રમુખની નિયુક્તિ માટે પણ કાર્યકરોની સેન્સ લેવામાં આવી હતી. આ પ્રક્રિયા જ એવો ખ્યાલ આપી દે છે કે ભાજપમાં જુથવાદ ભયંકર હદે પહોંચી ગયો છે. આડેધડ ભરતી મેળા હવે પક્ષ માટે ઘાતક સાબીત થઈ રહ્યાં છે. અન્ય પક્ષમાંથી કેસરીયો ધારણ કરનારને કલાકોમાં ખુરશી આપી દેવામાં આવે છે. જ્યારે વર્ષોથી બુંગણ પારવા સહિતની કાળી મજૂરી કરનાર કાર્યકરો હજી સીનીયર કાર્યકરની કેટેગરીમાં પણ આવ્યા નથી. પ્રદેશ નિરીક્ષકો દ્વારા જ્યારે સેન્સ લેવામાં આવી ત્યારે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માટે એકમાત્ર કમલેશ મિરાણીના નામની સેન્સ ગઈ હતી. જ્યારે જિલ્લા ભાજપમાં વર્તમાન પ્રમુખ ડી.કે.સખીયા ઉપરાંત અરવિંદ રૈયાણી, વિજય કોરાટ, ડો.ભરત બોઘરા, વિજય સખીયા, જેન્તીભાઈ ઢોલ અને ચેતન રામાણી સહિત કુલ ૮ નામો નિરીક્ષકો સમક્ષ આવ્યા હતા. શહેરમાંથી મિરાણીનું એકમાત્ર નામ જતા પ્રદેશ હાઈકમાન્ડે આઈબીનો પણ સહારો લીધો હતો અને પ્રમુખપદનો તાજ મિરાણી સીવાય અન્ય કોને સોંપી શકાય તેનો ખુબજ આંતરીક સર્વે કરાયો હતો. જેમાં સ્ટેન્ડિંગ કમીટીના પૂર્વ ચેરમેન પુષ્કર પટેલ, શહેર ભાજપ મહામંત્રી દેવાગ માંકડ સહિતના નામો ગયા હતા. છેલ્લા ઘણા દિવસોથી એવી ચર્ચા ચાલી રહી છે કે, શહેર ભાજપ પ્રમુખ પદે કમલેશ મિરાણી અને જિલ્લા ભાજપ પ્રમુખ પદે ડી.કે.સખીયા લગભગ રીપીટ થશે પરંતુ છેલ્લા ૭૨ કલાકથી ચિત્ર બદલયું છે. ઓપરેશન ડી.કે.માટે જિલ્લા ભાજપનું એક નહીં પરંતુ અનેક જુથો સક્રિય થયા છે. હાલ ડી.કે.ને બન્ને હાથમાં લાડવા છે. કારણ કે તે જિલ્લા ભાજપ પ્રમુખ સાથે માર્કેટીંગ યાર્ડના ચેરમેનનું પદ પણ સંભાળી રહ્યાં છે. જો ડી.કે.ને રીપીટ કરવામાં ન આવે તો ડો.ભરત બોઘરાને પ્રમુખનો તાજ પહેરાવવામાં આવે પરંતુ જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં જે રીતે બોઘરાએ કુંવરજીભાઈને હરાવવા માટે રચેલા કાવતરા અને ત્યારબાદ શહેર ભાજપે ઉપાડી લીધેલી જવાબદારીના કારણે જીત મળી હતી. બાવળીયા અને બોઘરા જુથ વચ્ચે ચાલતી લડાઈના પાપે લોકસભાની ચૂંટણીમાં જસદણ વિધાનસભા બેઠક પરથી ભાજપની લીડમાં તોતીંગ ઘટાડો આવ્યો હતો. આવામાં હવે જિલ્લા ભાજપનું પ્રમુખપદ રાજકોટ પૂર્વના ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણીને સોંપવામાં આવે તેવી હિલચાલ પણ ચાલી રહી છે. તેઓએ પક્ષે જે પણ જવાબદારી સોંપી છે તે ખંતથી નિભાવી છે અને દરેકમાં ભાજપને સફળતા અપાવી છે.

જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે હાલ જે નામો ચાલી રહ્યાં છે કે, ફાઈનલ માનવામાં આવે છે તેના પર પ્રદેશ હાઈકમાન્ડ પસંદગીનું કળશ ન ઢોળે તેની શકયતા હાલ નકારી શકાતી નથી. કારણ કે, ૮ નામો નિરીક્ષકો સમક્ષ સેન્સ દરમિયાન આવ્યા છે જે સાબીત કરે છે કે, શહેર કરતા જિલ્લામાં ભયંકર જૂથવાદ ચાલી રહ્યો છે. જિલ્લા પંચાયત કબ્જે કરવામાં પણ જિલ્લા ભાજપને ધોબી પછડાટ મળી છે. આ માટે વર્તમાન હોદ્દેદારોની નિષ્ફળતાને ધ્યાનમાં રાખી તેઓને ફરી ખુરશી ન આપવામાં આવે તેવું મનાય છે.

શહેર ભાજપ પ્રમુખ પદ માટે નિરીક્ષકો સમક્ષ સેન્સ દરમિયાન એક માત્ર કમલેશ મિરાણીનું નામ ગયું હતું. આ ઉપરાંત જ્યારે આઈબી પાસે સર્વે કરાવામાં આવ્યો ત્યારે પણ એક જ નામ જતા મિરાણીની નિયુક્તિ ફાઈનલ હોવાનું મનાય છે પરંતુ છેલ્લા ત્રણ દિવસથી એક સીનીયર નગરસેવક સંગઠનના સર્વેસર્વા બનવા માટે પૂર્ણ રીતે સક્રિય બન્યા છે. માત્ર રાજકોટ જ નહીં પરંતુ ગુજરાતમાં ભાજપને ઉભુ કરવા માટે પોતાના પિતાએ કરેલી કાળી મજૂરીની દૂહાઈ આપી હાઈકમાન્ડ સમક્ષ એવી આજીજી કરી રહ્યાં છે કે, તેઓને સંગઠનની જવાબદારી સોંપવામાં આવે. આ નેતા અગાઉ શહેર ભાજપના હોદ્દેદારોને અંધારામાં રાખી છેક દિલ્હી સુધી છેડા અડાળી છેક વિધાનસભાથીટિકિટ લઈ આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી આ સીનીયર નેતાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે સમાધાનનો સેતુ બાંધી લીધો છે. જેના કારણે તેઓને પણ સંગઠનના સુપ્રિમો બનાવવામાં આવે તો તે વાત નકારી શકાય તેમ નથી. પ્રદેશથી લઈ જિલ્લા અને મહાનગર સુધી જુથવાદના બિહામણા લબકારાના કારણે હોદ્દેદારોની નિયુક્તિ સતત પાછી ઠેલાય રહી છે. પ્રદેશ પ્રમુખ તરીકે છેલ્લા ૧૦ વર્ષથી પાટીદાર સમાજના નેતાને તક આપવામાં આવે છે. આવામાં હવે ઓબીસીને પ્રદેશ પ્રમુખની ખુરશી આપવામાં આવે તેવી વાત પણ વહેતી થઈ ગઈ છે. સામાન્ય રીતે એવું બનતું હોય છે કે, જો ઓબીસી નેતા મુખ્યમંત્રી હોય તો પ્રદેશ પ્રમુખ પટેલ બને છે અને પટેલ મુખ્યમંત્રી હોય તો પ્રદેશ પ્રમુખ ઓબીસી સમાજમાંથી આવતો હોય છે પરંતુ હાલ મુખ્યમંત્રી ઉજળીયાત વર્ગમાંથી આવે છે. આવામાં પ્રદેશ પ્રમુખનું પદ ઓબીસીને આપવામાં આવે તો રાજ્યમાં સૌથી વધુ વસ્તી ધરાવતા પાટીદાર સમાજને અવગણના કરી ગણાય અને તેનું પરિણામ વર્ષના અંતે યોજાનારી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભાજપે સહન કરવું પડે. તમામ શકયતા અને સંભવિત અસરને ધ્યાને રાખીને સંગઠનના હોદ્દેદારોની નિમણૂંક કરવામાં ભાજપ મુંજવણ અનુભવી રહ્યો છે. આટલું જ નહીં હોદ્દેદારોના નામ જાહેર કર્યા બાદ પણ પક્ષમાં ભડકો થવાની સંપૂર્ણ શકયતા વર્તાઈ રહી છે.

Loading...