Abtak Media Google News

સત્તાની સાંઠમારી અને પ્રજાકીય પ્રશ્ર્નોનાં અણઉકેલ સામે રોષ

જસદણ નગરપાલિકા આગામી બીજા કારોબારી ચેરમેન કોણ બનશે તે અંગે બંને જુથ દ્વારા અંદરખાને અનેક ચર્ચાઓ ચાલી છે પરંતુ હાલ તો લાઠી એની ભેંસ જેવી ઉકિત અનુસાર કાર્ય થશે એવું ચિત્ર ઉપસી રહ્યું છે ત્યારે છેલ્લી ઘડીએ શું થાય છે તે નવા ચેરમેન નિયુકત થયા પછી જ ખબર પડશે. ગત ચેરમેનને આઠ દિવસ પહેલા એક વર્ષની મુદત પૂર્ણ થઈ હજુ તો નવી નિમણુકને સમય હજુ બાકી છે.

જસદણ નગરપાલિકાની સામાન્ય ચુંટણી સવા વર્ષ પહેલા યોજાઈ હતી. જેમાં શહેરના સાત વોર્ડમાંથી ભાજપના ૨૩ અને કોંગ્રેસનાં ૫ એમ કુલ મળી ૨૮ સભ્યો ચુંટાયા હતા. ભાજપનાં સભ્યોનું સંખ્યાબળ બહુમતી હોવાથી પ્રથમ પ્રમુખથી સભ્યોનાં બે જુથ થઈ જતાં ત્યારથી અત્યાર સુધી મોટાભાગના સભ્યોએ પાલિકા અને છેક ગાંધીનગર સુધી વિવિધ કામો અને કોન્ટ્રાકટરોને બિલ ચુકવણામાં ગેરરીતી ભ્રષ્ટાચાર અને કૌભાંડ અંગે લેખિત-મૌખિક રજુઆત કરી ત્યારથી પાલિકામાં ભાજપના બે જુથ હાલમાં પણ અકબંધ છે.

આ દરમિયાન પ્રજાનાં જાણે નસીબ ફુટેલા હોવાથી એક પણ તપાસ થઈ નથી. સત્ય બાબતો બધી કચરા પેટીમાં ગઈ અને પ્રજાએ જુદા જુદા કરવેરા પેટે ભરેલા લાખો રૂપિયા પાણીમાં ગયા હોય એવો ઘાટ ઘડાયો છે. જો આવી રીતે આગામી સમયમાં ચાલશે તો લોકશાહી ખતરારૂપ બની જશે. અનેક પ્રકારના કાવાદાવા હાલ સભ્યોમાં થઈ રહ્યા છે. સભ્યો કોઈને ખોટું ન લાગે અને આપણું સાજુ થાય એવી નીતી રીતીથી ચાલતા હોવાથી ભુતકાળમાં થયેલા અનેક કામોમાં પાણીની જેમ પૈસા વાપર્યા હોવા છતાં મોટાભાગનાં કામોમાં ભલીવાર થઈ નથી.

રાજકીય પરિસ્થિતિનાં જાણકાર એક સજજને નામ ન આપવાની શરતે જણાવ્યું કે, અધિકારીઓ, પદાધિકારીઓ અને સભ્યોની નિષ્કામ ભાવના ખુટી પડી હોવાથી અને તેની દરેકમાં છેલ્લા ઘણા વર્ષોથી મારે શું ? મારું શું ? ની ભાવના પડી હોવાથી પાલિકામાં આગામી વર્ષોમાં કાંઈ ભલીવાર થવાની નથી.

શહેરમાં ગેરકાયદેસર બાંધકામો રોડ-રસ્તા, દિવાલો, પુલો, નાળા સહિતનાં બાંધકામો નબળા કોઈ શહેર માટે ચોકકસ આયોજન નથી. બંને પક્ષોના સભ્યો પોતાનું સભ્યપદ જળવાઈ રહે અને તેનું કામ થાય એવું ઈચ્છે છે. જસદણને કડક અધિકારી અને હૈયે હિત હોય એવા નેતાઓની જરૂર છે. હાલમાં કારોબારી ચેરમેન કોણ બનશે તે ચર્ચાએ ભારે જોર લગાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.