Abtak Media Google News

“જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ…” આ સુંદર કાવ્ય સૌ કોઈ એ વાંચ્યું કે સાંભળ્યું હશે આ સુંદર કાવ્યના રચનાકાર હતા દામોદર ખુશાલદાસ બોટાદકર. આજે તેમની પુણ્યતિથિએ તેમના જીવનનો થોડો પરિચય કરાવી એ.

દામોદર ખુશાલદાસ બોટાદકરનો જન્મ નવેમ્બર 27, 1870 ના રોજ બોટાદ (ગુજરાત)માં થયો હતો. તેમણે માત્ર 6 ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો. ત્યારબાદ કુટુંબની આર્થિક મુશ્કેલી દૂર કરવા માત્ર તેર વર્ષની નાની ઉંમરે તે શિક્ષક બન્યા. આર્થિક મુશ્કેલી દૂર કરવા તેમણે જુદા જુદા સમયે જુદા જુદા વ્યવસાયો અજમાવેલાં. તેમને વેપાર અને વૈદુંનું  કર્યાં પણ કરેલું પરંતુ તે આ કાર્યમાં સફળ ન થયા.

૧૮૯૩માં વૈષ્ણવ ગોસ્વામી મહારાજ નૃસિંહલાલજી સાથે તેમના કારભારી તરીકે મુંબઈ ગયા. મુંબઈમાં  તેમણે ‘પુષ્ટિમાર્ગ પ્રકાશ’નું તંત્રીપદ સંભાળ્યું. મુંબઈના નિવાસ દરમિયાન દામોદરજી એ કોઈ શાસ્ત્રી પાસે સંસ્કૃતનો અભ્યાસ કરેલો. 1907માં  નાદુરસ્ત તબિયતને લીધે તેઓ વતન પાછા આવી પુનઃ શિક્ષકનો વ્યવસાય સ્વીકાર્યો.

એમનું પ્રથમ પ્રકાશન ‘શાહ પ્રણીત લાલસિંહ-સાવિત્રી નાટક અથવા સ્વયંવરવિધિથી સુખી દંપતીનું ચરિત્ર’ નામનું નાટક છે. એ જ રીતે ‘ગોકુળગીતા’, ‘રાસવર્ણન’ અને ‘સુબોધ કાવ્યસંગ્રહ’ પણ એમની પ્રારંભિક કૃતિઓ છે. તે પછી કાવ્યોપાસનાના દ્યોતક સંગ્રહો ‘કલ્લોલિની’ , ‘સ્ત્રોતસ્વિની’ , ‘નિર્ઝરિણી’ , ‘રાસતરંગિણી’ છે.

‘રાસતરંગિણી’ ના રાસોએ એમને એક નોંધપાત્ર રાસકવિનાં સ્થાનમાન મેળવી આપ્યાં છે. તે જમાનાની ગુજરાતણોને આ રાસોએ ખૂબ ઘેલું લગાડેલું લોકઢાળોનો તેમાં ખૂબીપૂર્વકનો વિનિયોગ થયો છે.

ગ્રામજીવનના પરિવેશના અને એના તળપદા વિષયોના સુચારુ અને મધુર પ્રાસાદિક નિરૂપણે એમને ‘સૌંદર્યદર્શી કવિ’નું બિરુદ અપાવ્યું છે. ગૃહજીવનની ભાવનાનાં કાવ્યો એમનું મુખ્ય અને મહત્વનું પ્રદાન છે.

ગુજરાતના આ મહાન કવિ 7 સપ્ટેમ્બર 1924ના રોજ દુનિયાને અલવિદા કહી ચાલ્યા ગયા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.