Abtak Media Google News

છેલ્લા ઘણા સમયથી ટ્રેન અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે. જેને પગલે રેલવે પ્રધાન સુરેશ પ્રભુના રાજીનામાની માગણી વિપક્ષ કરી રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે હાલ સુરેશ પ્રભુએ રાજીનામાનો પ્રસ્તાવ મોદી સરકારને આપ્યો છે.

જોકે મોદીએ હાલ થોડો સમય રાહ જોવા પ્રભુને કહ્યું છે. બીજી તરફ મોદી સરકારના મંત્રીમંડળમાં મોટા પાયે ફેરફારની તૈયારીઓ ચાલી રહી છે. આગામી બીજી સપ્ટેમ્બર પહેલા મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવી શકે છે. આ દરમિયાન જ પ્રભુને રેલવે પ્રધાન પદેથી હટાવવામાં આવી શકે છે. દરમિયાન ગડકરીને આ પદ અપાય તેવી શક્યતા છે. ૧૮મી ઓગસ્ટ પહેલા જ મંત્રીમંડળમાં ફેરબદલની શક્યતાઓ હતી.

જોકે બિહારમાં જદ(યુ) સાથે ગઠબંધનને લઇને થોડુ મોડુ થઇ ગયું છે. સુત્રોએ જણાવ્યું હતું કે મંત્રીમંડળમાં લગભગ એક ડઝન જેટલા મંત્રીઓની ફેર બદલી કરવામાં આવી શકે છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ પણ હાલમાં રાજ્યસભાના સાંસદ પદે ચૂંટાયા હોવાથી તેઓને મંત્રી પદ મળી શકે છે. તેઓને ગૃહ કે સંરક્ષણ મંત્રાલયની જવાબદારી સોપાય તેવી શક્યતાઓ છે.

હાલ સંરક્ષણ મંત્રાલયની જવાબદારી નાણા પ્રધાન અરુણ જેટલી પાસે છે. તેથી આ પદે પણ કોઇની નિમણુંક કરવામાં આવી શકે છે. બીજી તરફ એવા અહેવાલો છે કે સુરેશ પ્રભુને હટાવી રેલવે મંત્રાલય નીતીન ગડકરીને સોપવામાં આવી શકે છે. ગડકરી હાલ પરિવહન મંત્રી છે. જોકે તેમને રેલવે મંત્રાલય સોપે તેવી શક્યતાઓ છે.

આ ઉપરાંત જદ(યુ)એ ગઠબંધન કર્યું હોવાથી તેના કોઇ નેતાને પણ મોદી કેબિનેટમાં સ્થાન મળી શકે છે. એક અહેવાલ એવો પણ છે કે કેટલાક મંત્રાલયને ભેળવવામાં આવી શકે છે. જેમ કે શિપિંગ, હાઇવે અને રેલવેને એક કરી દેવામાં આવી શકે છે. તેવી જ રીતે રેલવે અને ઉડ્ડયન મંત્રાલયને એક કરવામાં આવે તેવી પણ શક્યતાઓ ચાલી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.