Abtak Media Google News

ગુજરાતની ૨૬ બેઠકો માટે ૯ હજારનો સ્ટાફ મતગણતરી હાથ ધરશે: દરેક કેન્દ્ર ઉપર ૩૦ સીએપીએફ અને ૫૦ એસઆરપી જવાનો સાથે સ્થાનિક પોલીસનો કાફલો રહેશે ખડેપગે

આવતીકાલે લોકસભાની ચુંટણીનું પરિણામ જાહેર થનાર છે. છેલ્લા એક મહિનાથી રાજકિય પક્ષો તેમજ જાહેર જનતા પરિણામની રાહ જોઈ રહી હતી ત્યારે આવતીકાલે પરિણામની ઉત્સુકતાનો અંત આવનાર છે. ગુજરાતની ૨૬ બેઠકો માટે ૯ હજારનો સ્ટાફ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવાનો છે. દરેક કેન્દ્ર ઉપર ૩૦ સીએપીએફ અને ૫૦ એસઆરપી જવાનો સાથે સ્થાનિક પોલીસનો કાફલો ખડેપગે રહેવાનો છે.

ગુજરાતની ૨૬ બેઠકો ઉપર ગત તા.૨૩મી એપ્રિલનાં રોજ મતદાન હાથ ધરવામાં આવ્યું હતું. મતદાન પૂર્ણ થયા બાદ જનાદેશ ઈવીએમમાં કેદ થયો હતો. બાદમાં આ ઈવીએમ અને વીવીપેટ મશીનોને સ્ટ્રોંગરૂમમાં સીલ કરી દેવામાં આવ્યા હતા. છેલ્લા એક મહિનાથી આ સ્ટ્રોંગરૂમે ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. ઉપરાંત તમામ રીટર્નીંગ ઓફિસરોને આ સ્ટ્રોંગરૂમની સુરક્ષા વ્યવસ્થા સમયાંતરે ચેક કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો.

છેલ્લા એક મહિનાથી દિલ્હીમાં કોનું રાજ આવશે તે જાણવા સૌ કોઈ ઉત્સુક હતા ત્યારે આવતીકાલે આ ઉત્સુકતાનો અંત આવવાનો છે. આવતીકાલે રાજયની ૨૬ બેડકો માટે ૯ હજારનો સ્ટાફ મતગણતરી હાથ ધરશે. રાજયમાં દરેક મતગણતરી કેન્દ્રમાં હોલમાં મહતમ ૧૪ ટેબલ ઉપરાંત રીટર્નીંગ ઓફિસર તથા આસિસ્ટન્ટ રિટર્નીંગ ઓફિસરનું અલગ ટેબલ હશે. ૨૬ બેઠક માટે મુખ્ય ચુંટણી અધિકારીઓ તથા ૧૮૨ મદદનીશ ચુંટણી અધિકારીઓ ફરજ ઉપર હાજર રહેશે.

દરેક મતગણતરી ટેબલ ઉપર એક કાઉન્ટીંગ સુપરવાઈઝર, એક કાઉન્ટીંગ આસીસ્ટન્ટ અને એક માઈક્રો ઓબ્ઝર્વર મળીને રાજયમાં કુલ ૨૫૪૮ કાઉન્ટીંગ સુપરવાઈઝર, ૨૫૪૮ કાઉન્ટીંગ આસીસ્ટન્ટ અને ૨૯૧૨ માઈક્રો ઓબ્ઝર્વર ફરજ બજાવશે. આ સાથે મદદ માટે રીઝર્વ સ્ટાફ પણ રાખવામાં આવ્યો છે. પોસ્ટલ બેલેટ ગણવા માટે રાજયમાં સુપરવાઈઝર, આસિસ્ટન્ટ, માઈક્રો ઓબ્ઝર્વર મળીને ૩૦૯નો સ્ટાફ રહેશે. જેને ૧૦૩ મદદનીશ ચુંટણી અધિકારીઓ પણ મદદ કરશે. ઉપરાંત ઈટીપીબીની ચકાસણી ગણતરી માટે ૧૫ મદદનીશ અધિકારીઓ રહેશે. રાજયની ૨૬ લોકસભા બેઠક અને ૪ વિધાનસભા બેઠકો માટે કુલ ૪૧ ઓબ્ઝર્વરને ફરજ સોંપવામાં આવી છે.

વધુમાં ૨૬ બેઠકો માટે યોજાનાર મતગણતરીની પ્રક્રિયા વખતે સુરક્ષા ઉપર પણ વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. દરેક મતગણતરી કેન્દ્રોમાં સીએપીએફની એક પ્લાટુન ૨૪ કલાક પહેરો ભરશે જેમાં ૫૦ જવાનો શસ્ત્ર સાથે બંદોબસ્તમાં રહેવાના છે.

આ ઉપરાંત ૫૦ એસઆરપી જવાનો તેમજ સ્થાનિક પોલીસ પણ બંદોબસ્તમાં ગોઠવાઈ જશે. દરેક મતગણતરી હોલમાં વીવીપેટનાં મતો ગણવા માટે અલાયદુ ટેબલ લગાવવામાં આવશે. પ્રત્યેક લોકસભા બેઠકમાં આવતી વિધાનસભા બેઠક દીઠ રેન્ડમ પાંચ બુથનાં વીવીપેટ સિલેકટ કરીને તેના મત ગણાશે. આ નવા નિયમને કારણે ગત લોકસભાની ચુંટણી કરતા આ વખતે પરિણામ મોડુ આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.