Abtak Media Google News

ભારતીય બજારનું હકારાત્મક વલણ રોકાણકારોને આકર્ષવા સફળ

વર્ષ ૨૦૨૦માં કોરોના વાયરસના ગ્રહણના કારણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારમાં સાર્વત્રીક મંદી જેવો માહોલ જોવા મળ્યો હતો. જો કે હવે કોરોનાથી કળ વળવા લાગી છે. જો કે, હવે બજારમાં તેજીનો તિખારો પણ જોવા મળી રહ્યો છે. શેરબજાર પણ તમામ સપાટીને વટાવી રહ્યું છે. તેવા સમયમાં બજારમાં નવા આઈપીઓ ફૂલ ગુલાબી બની બજારમાં નવા પ્રાણ ફૂંકી રહ્યાં છે. આગામી વર્ષમાં કુલ ૩૦ આઈપીઓ બજારમાં ઉતરશે.

જેનાથી બજારમાં ૩૦ હજાર કરોડથી વધુની તરલતા આવવાની શકયતા સેવાઈ રહી છે. જ્યારે બજારમાં આ પ્રકારે આઈપીઓ ધુમ મચાવી રહી છે ત્યારે ચોકકસ એક પ્રશ્ર્ન ઉદ્ભવીત થાય છે કે, આઈપીઓ માર્કેટને ખરેખર કોણ દોડાવી રહ્યું છે.

ચાલુ વર્ષના વાત કરવામાં આવે તો બજારમાં રૂા.૨૫૦૦૦ કરોડ ઠલવાયા હતા. મંદીના માહોલ વચ્ચે ૨૫,૦૦૦ કરોડની રકમ નાની ન ગણી શકાય. જેથી જ હવે ભારતીય અર્થતંત્ર ફરી પાટા પર આવી રહ્યું છે. બજારમાં તરલતા પણ ખુબ ઝડપે આવી રહી છે. જેથી ફકત સ્થાનિક રોકાણકારો જ નહીં પણ સમગ્ર વિશ્ર્વના રોકાણકારોને ભારતીય બજારમાં ઉજળી તક જોવા મળી રહી છે.

આઈડીબીઆઈ કેપીટલના ટોચના એક્ઝિક્યુટીવના જણાવ્યા અનુસાર આઈપીઓના આવવાથી બજારમાં તિવ્ર તરલતા આવવાની પ્રબળ શકયતાઓ છે. સારા રોકાણકારો આઈપીઓ આવ્યા બાદ બજારમાં પુરજોશમાં નાણા ઠાલવશે. આઈડીબીઆઈ કેપીટલના હેડ બેન્કિંગ ઈન્વેસ્ટમેન્ટના અધિકારી નલીન કુમારે જણાવ્યું હતું કે, આઈપીઓ માર્કેટમાં હાલ જે તિવ્રતા આવી છે તે તરલતાનો સંકેત આપી રહી છે.

સ્થાનિક રોકાણકારો તેમજ ફ્રન્ટ લાઈનના શેરોના નફામાં તરલતા આવવાની ઉજળી તક પણ દેખાઈ રહી છે. કુમારે વધુમાં જણાવ્યું હતું કે, વિદેશી સંસ્થાકીય રોકાણકારો અને ઈટીએફના નાણા બ્લુ ચીપ શેરોના પગલે ચાલ્યા ગયા છે. જેનાથી સ્થાનિક રોકાણકારો આગામી દિવસો માટે બજારમાં વધુ તરલતા પેદા કરી શકે છે.

કુમારના જણાવ્યાનુસાર કેટલાક વિશીષ્ટ કિસ્સાઓમાં મિડકેપ શેરોમાં તેજી આવી પણ આ તરલતાને આભારી છે. તાજેતરમાં ગ્લેન્ડ ફાર્મા અને બર્ગર કિંગની પ્રારંભીક આઈપીઓ બજારમાં જોવા મળી હતી. ત્યારે પ્રથમ વખત ભારતમાં બન્યું હતું કે, કોઈ ફાર્માસ્યુટીકલ કંપની દ્વારા ૬ હજાર કરોડનું રોકાણ કરવામાં આવ્યું હોય.

યુએસની ચૂંટણી પછી ઉઘડતા બજારોમાં વેપાર જોખમકારક બન્યું છેે ત્યારે ભારત એકમાત્ર ફાયદાકારક બજાર બનીને સામે આવી છે તેવું કુમારે જણાવ્યું હતું. કુમારે કહ્યું હતું કે, મોટાભાગના ઉપાર્જન શેરોમાં પણ રોકાણકારો રોકાણ કરી સારી કમાણી કરી શકાય છે. ફાર્માસ્યુટીકલ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજીના શેરોએ પણ આ વર્ષે સારી ગતિ પકડી હતી.

આ પ્રકારના શેરમાં રોકાણ કરનારા તમામ રોકાણકારો સારૂ આર્થિક ઉપાર્જન મેળવી શકવા સક્ષમ થયા હતા. ઉપરાંત લાંબાગાળાના રોકાણમાં પણ ભારતીય બજાર હકારાત્મક વલણ બતાવી રહ્યું છે. જેના પરિણામે બેન્કિંગ જેવા ક્ષેત્રોમાં પણ તરલતાનું પ્રમાણ વધ્યું છે. હાલના તબક્કે પીએસયુના પણ સસ્તા શેરો રોકાણકારોને ફાયદો પહોંચાડી રહ્યાં છે.

જે રીતે આઈપીઓ બજારમાં આવવાથી બજારનું હકારાત્મક વલણ લોકો જોઈ શકે છે તે બાબત ફકત આઈપીઓના કારણે નથી પરંતુ જે કંપનીઓ આઈપીઓ બજારમાં મુકી રહ્યાં છે તેમના આધારે બજારમાં તરલતા આવી રહી હોય તેવું સ્પષ્ટ હાલના તબક્કે જોઈ શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.