Abtak Media Google News

જયારે હિંદુ ધર્મમાં સૂર્યગ્રહણ અને ચંદ્ર ગ્રહણનો મૂળ મહિમા ગવાયેલો છે. હિંદુ ધર્મની માન્યતા પ્રમાણે ગ્રહણ સમયે જે અદ્દભૂત વાતાવરણ સર્જાય છે. તે આધ્યાત્મિક અને ર્ધાિમક સિધ્ધિઓ મેળવવા માટેની અલભ્ય ક્ષણો છે. હિંદુ શાસ્ત્રો ગાઈ વગાડીને કહે છે કે ગ્રહણોની અસરો લાંબા સમય સુધી વાતાવરણમાં રહે છે. અને પૃથ્વી પર અનેક પ્રકારના શુભ-અશુભ કુદરતી આવેગો-પેદા કરે છે. જેને પરિણામે પૃથ્વી પર મોટી-મોટી સારી અને આઘાતજનક ઘટનાઓ પણ બનતી હોય છે. ટૂંકમાં હિંદુ ધર્મ કહે છ ગ્રહણની અસર બહુઆયામી છે અને વૈજ્ઞાનિકો સમજે છે, તેમ માત્ર ભૌગોલિક અને ભૌતિક ઘટના નથી પણ તેની અસર આધિભૌતિક અધિદૈવિક અને આધ્યાત્મ જગત પર પણ પડે છે.

આવો સૌ પહેલા જે વૈજ્ઞાનિક અભિગમનાં નામે હિંદુ ધર્મ પર પ્રહારો કરાય છે તે પશ્ચિમના વિજ્ઞાનના અને હિંદુ ઋષિમુનીઓના જ્ઞાનની વાત કરીએ.

સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણની એડવાન્સ ગણત્રી કરવી હોય, એનો સ્પષ્ટ સમય કાઢવો હોય અને તે પૃથ્વીના કયા ભાગમાં દેખાશે તેની ગણત્રી કરવી હોય તો તે વૈજ્ઞાનિક કે જયોતિષશાસ્ત્રી પાસે નીચે જણાવેલ સચોટ માહિતી હોવી જોઈએ. (૧) પૃથ્વી- ચંદ્ર સૂર્યની આસપાસ ફરે છે. તેવું જ્ઞાન હોવું. (૨) પૃથ્વી- સૂર્ય અને ચંદ્રની દર સેકન્ડે ઝડપ, તેમની ભ્રમણકક્ષા, તેમના ક્ષેત્રફળ,તેમના કદ (૩) પૃથ્વીથી સૂર્ય અને ચંદ્રનું અંતર (૪) સૂર્ય- ચંદ્ર અને પૃથ્વીની ભ્રમણની દિશા (૫) પ્રકાશની ગતિ અને પ્રકાશની ગતિના નિયમોનું જ્ઞાન (૬) પૃથ્વી સપાટ નહીં ગોળ છે તેવું સ્પષ્ટ જ્ઞાન અને પૃથ્વી પર દરેક દેશનું સ્થાન એટલે કે અંક્ષાશ અને રેખાંશનું પણ પૂર્ણ જ્ઞાન હોવું જરૃરી છે. (૭) આ ગણત્રી માટે સમય માપવા માટે પ્રમાણભૂત ઘડિયાળ અને લંબાઈ માપવા માટેનું આધારભૂત સાધન હોવું જરૃરી છે. (૮) સૂર્યની આસપાસ ફરતી પૃથ્વીની લંબગોળ ભ્રમણકક્ષાને ચંદ્રની ભ્રમણકક્ષા જે બે બિંદુઓને છેદે છે તે કલ્પીત છેદન બિંદુઓ એટલે કે રાહુ અને કેતુના સ્થાનની ગણત્રી મુકવાનું જ્ઞાન.

ટૂંકમાં કહીએ તો સૂર્ય અને ચંદ્ર ગ્રહણની ગણત્રી માટે પદાર્થ વિજ્ઞાનનાં તમામ મોટા નિયમોનું જ્ઞાન હોવું જરૃરી છે.

આવો હવે જોઈએ કે સૂર્ય ગ્રહણ- ચંદ્ર ગ્રહણ ગણવા માટેના ઉપર જણાવેલ નિયમોનું ભારતને કયારે જ્ઞાન હતું. આજથી  હજારો વર્ષ પહેલા રચાયેલા નારદ પુરાણમાં સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ કેવી રીતે થાય છે અને તેની કેવી રીતે ગણત્રી કરવી તેની સંપૂર્ણ ફોર્મ્યુલા ઉપલબ્ધ છે અને તે પણ માત્ર ૧૨ શ્લોકોમાં એટલે કે ૨૪ પંકિતઓમાં (નારદપુરાણ- પૂર્વ ભાગ, દ્વિતીય પાદ, અધ્યાય ૫૪મો શ્લોક નં. ૫૧ થી ૬૨) નારદ પુરાણના આ ૫૪માં અધ્યાયમાં નવે ગ્રહોની ગતિ અને ભ્રમણકક્ષા અંગે પૂર્ણ જ્ઞાન આપવામાં આવ્યું છે.ળ

હજારો વર્ષ પૂર્વે મહાભારતમાં જયારે અર્જુનના હાથે જયદ્રથનો વધ થયો તે પ્રસંગમાં પણ સૂર્યગ્રહણની કૃષ્ણ ભગવાનને એડવાન્સમાં માહિતી હતી તેવું સ્પષ્ટ થાય છે.વિશ્વમાં જયોતિષ અને ખગોળનું જ્ઞાન સૌ પ્રથમ ભારતમાં પ્રગટ થયું અને ભારતમાંથી ઈજીપ્તમાં થઈ રોમ મારફતે પશ્ચિમમાં ગયું એવંુ તો આખી દુનિયા સ્વીકારે છે. આ પશ્ચિમનાં વૈજ્ઞાનિકો તો ૫૦૦ વર્ષ પહેલાં છાતી ઠોકીને કહેતાં હતાં કે પૃથ્વી સપાટ છે. ગેલિલિયોએ જયારે કહ્યું કે પૃથ્વી ગોળ છે અને સૂર્યની આસપાસ ફરે છે ત્યારે તેને જેલમાં નાંખવામાં આવ્યો હતો.

પશ્ચિમને પ૦૦ વર્ષ પહેલાં સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ ગણતાં પણ આવડતંુ ન હતું. કારણ કે તેમની પાસે ગ્રહણ ગણવાં માટે જોઈતું બેઝીક જ્ઞાન જ ન હતું. જે સમાજ એમ માનતો હોય કે સૂર્ય પૃથ્વીની આસપાસ ફરે છે. તે સૂર્ય કે ચંદ્રગ્રહણ કેવી રીતે ગણી શકે? પશ્ચિમને ગ્રહણ ગણવા માટે જે બેઝીક જ્ઞાનની જરૃર છે તેમાંનું એક પણ જ્ઞાન હતું નહીં.

એટલે ગ્રહણ અંગે પશ્ચિમનું જ્ઞાન માંડ ૫૦૦ વર્ષનંુ છે. જયારે ભારતમાં આદિકાળથી આ જ્ઞાન ચાલતું આવ્યુ છે.એટલું જ નહી ધૂમકેતુ અને નજરે નહિ પડતા ગ્રહોનું અસ્તિત્વ પણ તેમણે શોધી કાઢયું હતું. બીજી અગત્યની વાત એ છે કે ભારતે આદિકાળથી મનોવિજ્ઞાન, પરાવિજ્ઞાન, આધ્યાત્મ જગતનું ઊંડાણથી ખેડાણ કર્યુ હતું. ભારતમાં યોગ- ધ્યાનની પ્રક્રિયાથી મનની બુધ્ધિની પેલે પારના જગતમાં જવાની પ્રક્રિયા પણ શોધી કઢાઇ હતી.પશ્ચિમ આજે પણ એ વાતો પૂરેપૂરી સમજી શકયું નથી. એટલે ગ્રહણ અંગે હિંદુ ધર્મ દ્વારા જે વાતો કહેવાય છે તે વધુ ઓથેન્ટીક છે નહીં કે પશ્ચિમના વૈજ્ઞાનિકોની.

આજે વૈજ્ઞાનિકો કહી રહ્યા છે કે ચાર- પાંચ મિનિટ ચાલતા ગ્રહણની બીજી કોઈ અસર હોતી જ નથી. એ માત્ર ખગોળીય ઘટના છે.તે વાત ખોટી છે.આવો આ વાત આપણે બીજી રીતે સમજીએ. સ્ત્રી- પુરૃષ વચ્ચે જયારે શારીરિક સંબંધ બંધાય છે ત્યારે એ પણ ચાર- પાંચ મિનિટની સામાન્ય ઘટના હોય છે. પરંતુ તે ક્ષર્ણાધમાં બનેલી ઘટનાનું પરિણામ નવ મહિના પછી સંતાનરૃપે આવતંુ હોય છે અને યાદ રહે સંતાનના જન્મ સાથે એ ઘટનાના પરિણામનો અંત આવતો નથી, પણ એ મિલનની ઘટનાનું પરિણામ તો એ સંતાનના સંતાનો અને એના હજારો સંતાનો સુધી લંબાતું જાય છે. તેમ સૂર્યગ્રહણની અસર પણ અનેક સ્તરો પર આગળને આગળ વધતી જાય છે. એક સ્ત્રી- પુરૃષના મિલનની ઘટના હજારો વર્ષ સુધી દૂરગામી અસરો પેદા કરે છે તો સૂર્ય- ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું આવંુ અસાધારણ અદ્ભૂત મિલન કોઈપણ પરિણામ વગરનું કેવી રીતે હોઈ શકે?

હવે વાત રહી અંધશ્રધ્ધાને નામે ભારતને બદનામ કરવાની. ભારતના ઋષિમુનીઓ ગ્રહણ જોવાને કારણે અંધત્વ આવે છે. એટલું જ નહીં પ્રકાશ વિહીન રેડીએશન વધુ ખતરનાક હોવાનું જાણતા હતાં. તે સમયે આવા છાપા કે મિડીયા હતાં નહીં. જેથી સૂર્યગ્રહણ વખતે જનતાને તેની ખરાબ અસરોથી વાકેફ કરી શકાય. તેથી ગ્રહણ સમયે ઘરમાંથી બહાર નીકળવાની ના પાડવામાં આવી હતી.

ભારતના ઋષિમુનીઓએ પૃથ્વી અને ચંદ્રની ભ્રમણકક્ષાનાં છેદનબિંદુઓ શોધી કાઢયાં અને આકાશમાં તેમના ચોક્ક્સ સ્થાન નક્કી કર્યા અને તે પછી તેમને રાહુ અને કેતુ એવા નામ આપ્યા અને સૂર્યગ્રહણ અમાસે એટલે કે રાહુપાત બિંદુ પર અને ચંદ્રગ્રહણ પૂનમે એટલે કે કેતુપાતબિંદુ પર જ થાય છે તેવું પણ શોધી કાઢયું હતું.યાદ રહે કે આકાશમાં પૃથ્વી ચંદ્રની ભ્રમણકક્ષા માત્ર કલ્પિત માર્ગ છે અને તેના છેદન બિંદુઓ પણ તે કલ્પિત માર્ગ પરના કલ્પિત બિંદુઓ છે તેનું પણ ભારતિય ઋષિઓને પૂર્ણ જ્ઞાન હતું.તો તે ઋષિમુનીઓ રાહુ- કેતુને રાક્ષસ માનીને તેઓ સૂર્ય- ચંદ્રને ગળી જાય છેે. તેવી બેવકૂફી ભરી વાત કેવી રીતે કરી શકે? તે કેમ સમજી શકતા નથી.

હિંદુ ઋષિઓએ કોઈપણ વેધશાળા, ટેલિસ્કોપ, અવકાશયાનો કે અન્ય કોઈપણ સાધનોની મદદ વગર આ બધુ જ્ઞાન માત્ર ધ્યાન મારફતે પ્રાપ્ત કર્યું હતું.એટલું જ નહિ આજે મોટીમોટી વેધશાળાઓમાં સુપર કોમ્પ્યુટરોની મદદથી ગ્રહણની ગણતરી કરાય છે જ્યારે જૂના જમાનામાં ગામડે ગામડે બ્રાહ્મણો જાતે જ આ બધી જ ગણતરીઓ કરવા સક્ષમ હતાં.ટૂંકમાં સૂર્યગ્રહણના નામે હિંદુ ધર્મને માથે માછલાં ધોવા નિકળેલા બુધ્ધિજીવીઓ સમજી લે કે હિંદુઓનું વિજ્ઞાન અને જ્ઞાન પશ્ચિમના વૈજ્ઞાનિકો કરતાં હજારો વર્ષ આગળનું છે. એટલે જેમને હિંદુ ધર્મની કોઈ વાત સમજાય નહીં તો હિંદુ ધર્મને બદનામ કરવાને બદલે થોડા સો- બો વર્ષ રાહ જોવી જેથી તેમને તે સમજાઈ જશે.હજારો વર્ષ પહેલા રચાયેલા નારદ પૂરાણમાં ગ્રહણનું સંપૂર્ણ જ્ઞાન વડોદરા : આજે સુપર કોમ્પ્યુટર પર સૂર્યગ્રહણથી ગણત્રી કરતાં વૈજ્ઞાનિકોની સામે ભારતીય ઋષિઓનું ગ્રહો અને ગ્રહણોનું જ્ઞાન કેટલું વિશાળ હતું કે એકવાતથી સાબિત થઈ જાય છે.નારદ પૂરાણમાં  માત્ર ૧૨ શ્લોકોમાં સૂર્યગ્રહણ કેવી રીતે થાય છે ત્યાંથી માંડીને તે ક્યારે શરૃ થશે ક્યારે સૂર્ય – ચંદ્રનો મોક્ષ થશે અને પૃથ્વીના કયા ભાગમાં દેખાશે તે તમામ ગણિત આપી દેવાયું છે.આ ૧૨ શ્લોકોમાંના પહેલા ચાર શ્લોકો આ પ્રમાણે છે.

૫૦૦૦ વર્ષ પહેલા મહાભારતના સમયે ગ્રહણની સચોટ ગણત્રી હતી

મહાભારતમાં અભિમન્યુ અને તેનું કોઠાયુધ્ધ ખુબ જાણીતંુ છે. મહાભારતનાં યુધ્ધ દરમ્યાન અર્જુનને અચાનક સંશપ્તકો સાથે લડવા જવું પડે છે. અર્જુન યુધ્ધમાં ઉતરવાનો નથી તેવું જાણી કૌરવોના સેનાપતી દ્રૌણ ચક્રવ્યુની રચના કરે છે. પાંડવોમાં અર્જુન સિવાય ચક્રવ્યૂહ અર્થાત કોઠાયુધ્ધ લડતાં કોઈને આવડતું ન હતું. યુધિષ્ઠીર વિચાર કરે છે કે આજે યુધ્ધ કેવી રીતે કરીશુ, ત્યારે અભિમન્યુ કહે છે કે વાંધો નહીં. માના પેટમાં જ મામા કૃષ્ણ પાસે કોઠાયુધ્ધ ભેદતાં હું શીખી ગયો છું પણ પાછા ફરતાં મને આવડતંુ નથી. ભીમે કહ્યું બેટા એકવાર તું કોઠા ભેદી કાઢ પછી હું તને બહાર કાઢીશ. પરંતુ કુંતામાતાની અમર રાખડી બાંધી હોવા છતાં છેલ્લે વીર અભિમન્યુ મોતને વરે છે અને તેના મોત માટે જયદ્રથ જવાબદાર હતો તેવંુ નક્કી થાય છે. યુધ્ધમાંથી પરત ફરેલા અર્જુનને અભિમન્યુના મોતની ખબર પડતાં તે બીજા દિવસનાં સૂર્યાસ્ત પહેલા જયદ્રથને મારવાની અને જો તે જયદ્રથને નહીં મારે તો અગ્નિપ્રવેશ કરશે તેવી પ્રતિજ્ઞા લે છે. બીજે દિવસે કૌરવોની વ્યુહરચનાને કારણે પહોચી શકતો નથી અર્જુન જયદ્રથની નજીક પણ પહોંચી શકતો નથી. એટલામાં અંધારૃ ઉતરવા માંડે છે. કૃષ્ણએ શંખ ફૂંકી યુધ્ધ સમાપ્ત કરી દીધું. પ્રતિજ્ઞા પ્રમાણે અર્જુન ચિતા પર બેઠો ત્યારે કૃષ્ણએ કહ્યું, અર્જુનના ગાંડીવ ધનુષ્ય અને બાણનો ભાથો પણ તેના હાથમાં આપો, અર્જુનના મર્યા પછી બીજુ કોઈ ગાંડીવ ધનુષ્ય વાપરી શકશે નહીં. અર્જુનને બળી મળતો જોવા કૌરવો અને ખુદ જયદ્રથ પણ આવ્યો હતો. અને એકાએક સૂર્ય ફરી ઝળહળવાં માંડયો કારણ કે સૂર્યગ્રહણ પૂરુ થયું હતું. કૃષ્ણએ અર્જુનને કહ્યું હે અર્જુન જો પેલો જયદ્રથ ઉભો તેને માર અને તારી પ્રતિજ્ઞા પૂરી કર. આ પ્રસંગથી સ્પષ્ટ થાય છે કે કૃષ્ણ ભગવાનને થનારા સૂર્યગ્રહણની આગળથી ખબર જ હતી. જે જ્ઞાનનો ઉપયોગ કરી તેમણે તેમનાં પ્રિય મિત્ર અર્જુનની પ્રતિજ્ઞા પૂરી કરાવી તેનો જાન બચાવી લીધો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.