Abtak Media Google News

Table of Contents

પ્રજાતો ઘણે ભાગે નિરૂત્સાહ: આપણા દેશનો સર્વોચ્ચ નેતા આપણા દેશનો રાષ્ટ્રધ્વજ છે. એની જ હકૂમત ચોમેર હોવી જોઈએ કમનશીબે તે નથી તે ‘સેલ’માં વેચાય છે રાજકર્તાઓ જ તેમની વાહવાહ કરાવે છે, ગરીબોની ડેલીઓ તો હોંશ અને રાષ્ટ્રીય પતાકાઓ વગરની ભૂખી તરસી ઉભીને હતાશ દ્રષ્ટિએ નિહાળ્યા કરે છે રંગ, રૂપ, રોશની અને જાહોજલાલીના તથા જાજરમાન પરેડના અને નેતાઓ-રાજકર્તાઓના ખૂની ભપકા!

આપણો દેશ જે સમયે ‘પ્રજાસત્તાક’ બન્યો અને ‘મેરા ભારત મહાન’ની કસુંબલ ઘોષણાઓ થઈ વખતની હોંશ તથા ઉત્સાહ ઉમંગને શ્રીમંતાઈ નિષ્ઠુરતા પૂર્વક લૂંટી ગઈ છે. એ વખતના દેશભકત રાજનેતાઓએ પ્રસ્થાપિત કરેલી પ્રણાલિકાને આજના નેતાઓ બદલી નાખવાને વિકાસ કહે છે આગામી પ્રજાસત્તાક-દિને હાલની દાયકાઓ જૂની રાષ્ટ્રીય પ્રણાલિકાઓને ખતમ કરીને સમૂળગી બદલી નાખવામાં આવે તો નવાઈ નહિ, અને તે વિકાસ નહિ, પણ અમંગળ એંધાણ અને અપશુકન લેખાશે ! દેશના પર્વોના ઈતિહાસને આમ બદલી નખાશે ત્યારે એને સંસ્કૃતિ તથા સભ્યતાને દેશવટો આપવાના કાળમૂખા દિવસની ઓળખ અપાશે અને પ્રજાકીય વિપ્લવની દિશા ખૂલ્યા વિના નહિ રહે !

આપણા દેશના ‘પ્રજાસત્તાક-દિન’ના રાષ્ટ્રીય પર્વ આડે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. એની ઉજવણીના આરંભનો ઝળહળાટ અને થનગનાટ દ્રષ્ટિગોચર થયા વિના રહેતો નથી.

આ ઉજવણીને ઉજવવા માટે ‘જોઈતુ’ હૈયાનું હેત અને હોંશ દ્રષ્ટિગોચર થતાં નથી એમ કોણ નહિ કહે ?

આપણા દેશ પ્રજાસત્તાક બન્યા પછીના ૭૨ વર્ષનાં ગાળામાં દુનિયાને આંજી દે એવી કઈ કઈ સિધ્ધિઓ પ્રાપ્ત કરી એના પ્રમાણિક સરવાળા બાદબાકી કરીએ તો નિરાશા અને હતાશા જ સાંપડે અમે કહ્યા વિના છૂટકો નથી.

બંધારણમાં સુધારા કર્યા કરવા પાવરધાઉ આપણા રાજકર્તાઓએ દાખવી છે. એ ખરૂં, પણ આ દેશની ગુલામી વખતે જેટલી કાળઝાળ ગરીબાઈ હતી, બેકારી હતી, મુશીબતો હતી, તેમાં ઘટાડો થવાને બદલે વધારો થતો રહ્યો છે.

આપણો દેશ આઝાદ બન્યા પછી અને પ્રજાસત્તાક બન્યા પછી આ દેશમાં સુખ-સમૃધ્ધિની અને દૂધ-દહીંની નદીઓ વહેશે એવાં વચનો અપાયા હતા. અને ગરીબોની ગરીબાઈ દૂર થશે એવા સ્વપ્ન દેખાડવામાં આવ્યા હતા, પણ એમાંથી કશુંજ જરીકેય, સાંપડયું નથી.

મહાત્મા ગાંધીની ધારણા આઝાદ ભારતમાં ‘રામરાજય’ સ્થાપવાની હતી. તેમણે કહેલું કે, જો મને કોઈ મારી નહિ નાખે તો હું એકસો પચીસ વર્ષ જીવીશ અને રામરાજય સ્થાપવા માટે મથીશ !

કમનશીબે રામરાજયતો નથી આવ્યું, એના બદલે ‘રાવણો’ સમા રાજનેતાઓ અને દેશને લૂંટતા રહેલા હલકટ રાજકારણીઓનું રાજ આવ્યું છે!

પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં પણ દંભ અને પાખંડ છે. એવા સવાલો ઉઠે છે કે, ‘પ્રજાસત્તાક દિન’ની ઉજવણી કરે છે? આ ઉજવણી કોના ખર્ચે થાય છે? કોના લાભ-શુભ માટે થાય છે? કોની વાહવાહ માટે થાય છે? કોના પ્રચાર માટે થાય છે ?…

એક કવિએ તો એવું લખ્યું છે કે,

‘અમે ઝંખી હતી કેવી ગુલાબી ખ્વાબી આઝાદી

અને ડંખી રહી કેવી અમોને આજ બરબાદી?’

‘પ્રજાસત્તાક-દિન’ની ઉજવણી માટેની હોંશ કયાં છે? કઈ હોંશે આ રાષ્ટ્રીય પર્વ ઉજવવું?

‘પ્રજાસત્તાક દિન’ની ઉજવણી પાંચ-દશ રૂપિયાના ઝંડા ફરકાવીને થઈ જાય ? વિકાસના બનાવયી ગાણા ગાઈને થઈ જાય?

આઝાદીના જંગ વખતે અપાયેલા વચનોનું દંભી પુનરાવર્તન કરીને કરી લેવાય?

આપણા દેશની લશ્કરી તાકાતનું અને સાંસ્કૃતિક વિવિધતાઓનું પ્રદર્શન કરીને કરી લેવાય? ગરીબ પ્રજાને આંબા-આંબલી દેખાડીને કરી લઈ શકીએ..?

આ બધુ દેખાડવા માટે આપણા નેતાઓને વિદેશોનાં સત્તાધીશોની અતિથિવિશેષ તરીકે હાજરીની જરૂર પહે ?…

પ્રઅજાસત્તાક દિનની પ્રમાણિક પણે ઉજવણી કરીને દેશના કરોડો ગરીબોને આપણે શું સંદેશો આપશું ?

આ રીતે પ્રજાસત્તાક દિનની જાજરમાન ઉજવણી કરીને આપણા નેતાઓ તેમની વતનપરસ્તીનો તેમજ શાસન-ક્ષમતાનો દેખાવ કરી શકશે ?

હકિકતમાં આદિને આપણા શાસનકર્તાઓ-આગેવાનોએ દેશની બેહાલીનો જાયજો લેવો ઘટે અને સાર્વત્રિક વિકાસને લગતા નવા સંકલ્પો કરવા ઘટે … ‘અબતક’ ગુજરાત અને રાષ્ટ્રના લોકોને આવી ઉજવણીમાં શુભેચ્છા પાઠવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.