Abtak Media Google News

બિલ ન મળવાના કિસ્સામાં વીજ ગ્રાહકો ઓનલાઈન અથવા પેટા વિભાગીય કચેરીએ બિલની રકમ જાણી શકશે : તા.૩૦ બાદ બિલ ભરશો તો પેનલ્ટી લાગશે

હવે વિજબીલ મળે કે ન મળે ફરજીયાત પણે બીલની રકમ તા.૩૦ સુધીના ગ્રાહકોએ ભરવી જ પડશે. બિલ ન મળવાના કિસ્સામાં ગ્રાહકોએ ઓનલાઇન અથવા પેટાવિભાગીય કચેરીએથી બીલની રકમ જાણવાની રહેશે તેવી પીજીવીસીએલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

કોવિડ- ૧૯ મહામારીના કારણે સરકારના આદેશ અનુસાર પીજીવીસીએલ દ્વારા તા.૧ માર્ચથી ૩૦ એપ્રિલ સુધીમાં બનેલા બીલના નાણા તા.૩૦ મે સુધીમાં ભરવાની છૂટ આપવામાં આવી છે. આ પ્રકારના બિલ ઉપર કોઈ પણ પ્રકારના વીલંબિત ચાર્જ વસૂલવા કે વીજ પ્રવાહ બંધ કરવાની કાર્યવાહી ન કરવા પીજીવીસીએલે જાહેર કર્યું હતું.  હવે તા. ૩૦ મે સુધીમાં ગ્રાહકોને વીજ બિલ ભરવાનું પીજીવીસીએલે જણાવ્યું છે. જો કે ઘણા ગ્રાહકોને હજુ સુધી બિલ ન મળ્યા હોવાની પણ ફરિયાદો મળી હતી. ત્યારે પીજીવીસીએલે પણ જાહેર કર્યું છે કે બિલ મળે કે ન મળે તા.૩૦ મે સુધીમાં બીલની રકમ ગ્રાહકોએ ભરપાઇ કરવી પડશે. જો ગ્રાહકોને બિલ ન મળ્યું હોય તો તેઓ પેટાવિભાગીય કચેરી અથવા www. pgvcl. com માંથી ઓનલાઇન બીલની રકમ જાણી શકશે અને તેનું ચુકવણું ઓનલાઇન કે પેટા વિભાગીય કચેરીમાં કરી શકશે.  ઉલ્લેખનીય છે કે પીજીવીસીએલ દ્વારા હજુ પણ વધુ મુદત આપવામાં આવે તેવી ગ્રાહકોને આશા હતી. પરંતુ પીજીવીસીએલે તા.૩૦ના રોજ બિલ ભરવાનો છેલ્લો દિવસ નક્કી કરી ત્યારબાદ દંડનીય કાર્યવાહી કરવાની જાહેરાત કરી છે. હવે ગ્રાહકોને બિલ ભરવા માટે માત્ર ત્રણ જ દિવસ મળ્યા હોય મોટાભાગના ગ્રાહકો પેટા વિભાગીય કચેરીમાં જ બિલ ભરવાનું પસંદ કરતા હોય પેટા વિભાગીય કચેરીઓમાં ગ્રાહકોની ભારે ભીડ જામે તેવી સ્થિતિ નિર્માણ પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.