કામ છુટે કે ના છૂટે પરંતુ રામ છૂટવા ન જોઈએ, ‘રામનામ’ જ કામને છોડાવી દેશે: પૂ. મોરારીબાપુ

આકાશ અને અવકાશ વચ્ચે ભેદ છે, જે નરી આંખે દેખાય છે તે આકાશ છે અવકાશ જોઈ શકાતું નથી, ‘જે શૂન્ય છે તે અવકાશ છે’ આકાશને રહેવા માટે અવકાશ જોઈએ…

કથાના પ્રારંભમાં બાપુએ સાબરમતીના સંત મહાત્મા ગાંધીજી તેમ જ કદમાં વામન છતાં વિરાટ વ્યક્તિત્વ ધરાવતા ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રીજીની જન્મતિથિ નિમિત્તે એ બંને ચેતનાઓનું પૂણ્ય સ્મરણ કર્યું. રામકથા, રામનામ અને વિનય-પત્રિકાનાં કેટલાંક પદ  જેમની જીવનયાત્રામાં સંબલ રહ્યા છે, એવા ગાંધીબાપુને મોરારીબાપુએ વ્યાસપીઠના વિશ્વભરના શ્રોતાઓ વતી પ્રણામ કર્યા.

કથાના ચિંતનમાં પ્રવેશતા પૂજ્ય બાપુએ કહ્યું કે – “જેનાથી કોઈને પણ ઉદ્વેગ ન થાય અને જેને કોઈનાથી ઉદ્વેગ ન થાય,એવા સાધકને પછી પોતાના જીવનમાં બીજું કશું કરવું પડતું નથી. મુક્ત પુરુષ કદી, કશા ય કારણે ઉદ્વિગ્ન થતા નથી.

જ્યારે કોઈ આપણાથી આગળ નીકળી જાય, ત્યારે પ્રગટ રૂપે તે હર્ષિત જણાઇએ પણ ભીતરથી  ઉદ્વેગ જન્મે એ “અમર્ષ્ય” છે. ધર્મક્ષેત્ર અને અધ્યાત્મ ક્ષેત્ર પણ આવા અમર્ષ્યથી મુક્ત નથી! આપણામાં અમર્ષ્ય એટલે જન્મે છે કે બીજો કોઈ આપણાથી આગળ નીકળી જશે, એ વાતનો આપણને ભય લાગે છે. *અન્યનો ઉત્કર્ષ સહન ન થાય, ત્યારે અમર્ષ્ય પ્રગટે.* શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણે જે વ્યાખ્યા આપી છે તે જ્ઞાની ભક્તની વ્યાખ્યા છે.

ભક્ત તો પૂર્ણાશ્રિત છે. બધું જ હરિ પર છોડી દે છે. પણ જ્ઞાની ભક્ત મુક્તિ ઈચ્છે છે. ભક્તિ જોડે છે, જ્ઞાન મુકત કરે છે. ’મુક્તિ’ એ જ્ઞાની ભક્તનું લક્ષણ છે. જ્ઞાની ભક્ત સહુમાં ઈશ્વરનાં દર્શન કરે છે.

માનસમાં અઢાર પ્રકારની ભક્તિ છે જે પરમ તૃપ્તિ પરમ સાધવી હોય છે એનામાં આ અઢારે પ્રકારની ભક્તિ સંદર્ભ દેશકાળ પ્રસંગ અને પાત્ર અનુસાર દેખાય છે.

ભક્તિના અઢારે પ્રકાર પાછળ માનસની ચોપાઈઓનો આધાર છે. પૂજ્ય બાપુએ કહ્યું કે માનસનો આધાર તો છે જ, પણ સાધુની આત્મ પ્રતિતિ પણ આધાર બની શકે! *સાધુનો અનુભવ સહુનું અવલંબન બની જાય છે.*

કાગભુષંડી રામાયણમાં સમસ્ત રામકથા કહીને પછી તેઓ ગરુડજીને કહે છે કે – નીજ અનુભવ અબ કહહૂં ખગેસામ બીનું હરિ ભજન ન જાહિ કલેસામમ

જ્યારે સાધક ગુરુના અનુભવનો અધિકારી બની જાય, ત્યારે સાધકના જીવનમાં દિપાવલી પ્રગટે છે!  ગુરુ પોતાની નિજતા આશ્રિતમાં આરોપે છે. લોકો કહે છે કે આશ્રિત બુદ્ધ પુરુષને સમર્પિત થાય છે. પણ કોઈ વાર લાયક આશ્રિત મળી જાય, ત્યારે બુદ્ધ પુરુષ તેને પૂરેપૂરા સમર્પિત થઈ જાય છે!!

ભૂસુંડી રામાયણમાં “બિનુ” શબ્દનો અનેકવાર પ્રયોગ કર્યો છે. ગાન સાથે એનો મર્મ સમજાવતા પૂજ્ય બાપુએ કહ્યું કે –

“રામની કૃપા વિના રામની પ્રભુતાની પ્રતિતિ થતી નથી.અને પ્રતિતિ વિના ભરોસો પેદા થતો નથી. ભરોસા વિના પ્રીતિ નહીં – ભક્તિ નહીં. એ જ રીતે ગુરુ વિના જ્ઞાન ન હોય  માત્ર માહિતી હોય! વેદ પુરાણ કહે છે કે ભગવાનનાં ભજન વિના સુખ પ્રાપ્ત થતું નથી. સહજ સંતોષ વિના દુનિયામાં કોઈ વિશ્રામ પ્રાપ્ત કરી શકતું નથી – મજબૂરીમાં મળેલો સંતોષ અસહજ છે. સહજ સંતોષ વિના કામના મટતી નથી. અને જ્યાં સુધી કામના રહે છે, ત્યાં સુધી સ્વપ્નમાં પણ સુખ નથી મળતું.  રામ-ભજન વિના  કામના નષ્ટ થતી નથી.

પૂજ્ય બાપુએ કહ્યું કે – *”કામ છૂટે કે ન છૂટે, એની સાધકે ચિંતા કરવી નહીં. પરંતુ રામને કદી છોડવો નહીં. રામનામ જ કામને છોડાવી દેશે.”*

જે સમદર્શી રહે, એ જ્ઞાની છે- પંડિત છે. વિજ્ઞાન સદૈવ સમતા રાખે છે.વિજ્ઞાન સમતા નથી આવતી. વિજ્ઞાન વેરી-મિત્ર, ઊંચ- નીચનો ભેદ નથી કરતું.

આકાશ અને અવકાશ વચ્ચે ભેદ છે. જે નરી આંખે દેખાય છે, તે આકાશ છે. આવકાશ જોઈ શકાતું નથી. જે શૂન્ય છે, તે અવકાશ છે. આકાશને રહેવા માટે અવકાશ જોઈએ.

શ્રદ્ધા વિના ધર્મ નથી, જ્ઞાન નથી, ભજન નથી. ધરતી વિના ગંધ ન હોય. તપસ્યા વિના તેજ ન હોય.

રસની સૃષ્ટિમાં સૌપ્રથમ જળ છે. જળ ન હોય તો રસ ન હોય.સંગીત પણ  જો તરંગાયિત રહે તો જ રસ પ્રકટે. જળની તરસ કરતાં ય હરિનામની તરસ વધુ હોવી જોઈએ. *હરિ-નામની તરસ મટી જાય, એનાથી વધુ દુર્ગતિ બીજી કઇ હોઇ શકે?* રામકથાની તરસ તો જેટલી ગાઈએ જેટલી વધે છે. સંગીતકાર પોતાનું વાદ્ય જેટલું વગાડે એટલી સંગીતની તરસ વધે છે. તાલનો, સુરનો, સ્વરનો એક રસ હોય છે. એ રસ જળ વિના પ્રગટ થતો નથી.

સમજદારની સેવા કર્યા વિના શીલ મળતું નથી. શીલ વિનાની વિદ્યા અહંકાર પેદા કરી શકે. શીલ સૌથી વધુ મહત્વનું છે. ક્યારેક *સત્યે પણ શીલ સામે મૌન થઈ જવું પડે છે.* ચિત્રકૂટમાં રામ-ભરત મિલાપ પ્રસંગે  ભરતજીનાં શીલની સામે રામનું સત્ય ચૂપ થઈ જાય છે.

તેજ વિના રૂપ ન હોય. અત્યંત સ્વરૂપવાન વ્યક્તિ અંધારામાં બેસી જાય, તો એનું રૂપ જોઇ શકાતું નથી. રૂપ સ્વતંત્ર નથી, તેજાધિન છે.

જ્યાં સુધી આપણને સ્વાન્ત: સુખ મળતું નથી- આત્માનુભૂતિ શરૂ થતી નથી – ત્યાં સુધી મન સ્થિર- શાંત થતું નથી. રામચરિતમાનસના સાત કાંડ પાર કરીને જ્યારે તુલસીદાસજી કિનારા પર આવે છે, ત્યારે સ્વાંત: સુખની પ્રાપ્તિ કરીને મન શાંત થયાનું જણાવે છે.

વાયુ વિના સ્પર્શ અનુભવી ન શકાય.

અવકાશમાં ગુરુત્વાકર્ષણનું બળ નથી, તેથી ત્યાંથી કોઈ ચીજ ધરતી પર પાછી આવી શકતી નથી. પરંતુ આધ્યાત્મિક જગતમાં કેટલાક અપવાદ હોય છે. ધરતી પરનાં કેટલાંક કેન્દ્રો પરમાત્માને ખેંચે છે.એટલે જ અયોધ્યામાં રામ, મથુરામાં કૃષ્ણ અને કાશીમાં વિશ્વનાથ પ્રગટે છે. બુદ્ધ પુરુષ પણ એવું એક કેન્દ્ર છે. બુદ્ધ પુરુષ બેઠા હોય, ત્યાં ભવસાગર પાર થયેલા પણ ભાવસાગરમાં કૂદી પડે છે. ભવસાગરથી મુક્ત થવાનું હોય પણ ભાવસાગરમાં ડૂબવાનું હોય છે.

વિશ્વાસ વિના ભક્તિ મળતી નથી. એમ કોઇ સિદ્ધિ પણ વિશ્વાસ વિના મળતી નથી. ભયનું નિર્મૂલન કેવળ ભજનથી થઈ શકે છે.

વિશ્વાસ વિના ભક્તિ નહીં, ભક્તિ વિના રામ નહીં. અને રામ રીઝે નહીં, ત્યાં સુધી જીવને ધન્યતા પ્રાપ્ત થતી નથી. એટલે આખરે તો *બધા જ વિચાર- બધા જ તર્ક- વિતર્ક છોડીને જે રામને ભજે છે, તેનું જીવન ધન્ય છે.*

પૂજ્ય બાપુએ ગઈ કાલે જે અઢાર પ્રકારની ભક્તિનો ઉલ્લેખ કર્યો હતો, તેના નામ ગણાવ્યા. પ્રેમભક્તિ, અવિચલ ભક્તિ વિમલ ભક્તિ ભાવ ભક્તિ, શ્રદ્ધા-ભક્તિ, ચરણ ભક્તિ અનુપમ ભક્તિ, ભેદ ભક્તિ, અવિચળ ભક્તિ, નવધા ભક્તિ , દ્રઢ ભક્તિ, પરમ ભક્તિ અને અભંગ ભક્તિ, અનપાયની ભક્તિ, અતિ પાવની ભક્તિ, અખંડ ભક્તિ, વિશુદ્ધ ભક્તિ, નિરુપમ ભક્તિ અને અભંગ ભક્તિ. પૂજ્ય બાપુએ કહ્યું કે સમુદ્ર મંથનથી તો માત્ર ચૌદ રત્ન જ પ્રાપ્ત થાય છે, પરંતુ જો માનસ રૂપી સમુદ્રનું મંથન કરીએ, તો અનેક રત્ન મળે છે. પરમ સતિ વૃંદામાં, સંદર્ભાનુસાર- પ્રસંગાનુસાર – અઢારે પ્રકારની ભક્તિનાં દર્શન થાય છે. કથાના ક્રમમાં પૂજ્ય બાપુએ રામ-જન્મની કથા સુધી શ્રોતાઓને લઈ જઈને, આજની કથાને વિરામ આપ્યો.

Loading...