Abtak Media Google News

ગુજરાત માં પાટીદાર અનામત આંદોલનના એપી સેન્ટર એવા મહેસાણામાંથી એક સમયે ચૂંટણી લડવામાં કચવાટ અનુભવતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હવે મહેસાણાથી જ ચૂંટણી લડવાના છે તેની સત્તાવાર જાહેરાત પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કરી દીધી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ આ ઉપરાંત મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ રાજકોટથી જ ચૂંટણી લડશે તેની પણ સત્તાવાર જાહેરાત કરી દીધી છે.

જો કે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહેસાણાથી ચૂંટણી લડવાના છે. પરંતુ થોડા સમય પૂર્વે પાટીદાર અનામત આંદોલનની બીકે નીતિન પટેલ અમદાવાદની ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ચુંટણી લડવાના હોવાની વાતો પણ વહેતી થઈ હતી.

આ પૂર્વે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની મહેસાણાથી ચુંટણી નહીં લડવા પાછળના કારણમાં એક મહત્વનું કારણ પાટીદાર અનામત આંદોલન અને પાટીદાર મતદારો છે. જો કે નીતિન પટેલને હરાવીને ભાજપ અધ્યક્ષ અમિત શાહ એક કાંકરે બે શિકાર કરવાના મુડમાં હોવાની વાતો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. પરંતુ આખરે પક્ષના પાર્લામેનટરી બોર્ડની બેઠકમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી તેમની વર્તમાન બેઠક પરથી જ ચૂંટણી લડશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમજ આ બેઠક પરથી તેમને જીતાડવાની જવાબદારી સંગઠનના હોદ્દેદારોની હોવાથી આ બેઠક પરથી નીતિન પટેલે ચુંટણી લડવાની તૈયારી દર્શાવી હોવાનું સત્તાવાર સુત્રોએ જણાવ્યું હતું.

જો કે મહેસાણા બેઠક પરથી નીતિન પટેલ નવા સીમાંકન બાદ પ્રથમવાર ચૂંટણી જીત્યા હતા. જયારે મહેસાણા બેઠક પરથી આ તેમની બીજી ચૂંટણી છે.

મહેસાણા વિધાનસભા બેઠક પરના અત્યાર સુધીના પરિણામની વાત કરીએ તો જણાશે કે વર્ષ ૨૦૧૨માં આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર નીતિન પટેલે કોંગ્રેસના ઉમેદવાર નટવરલાલ પટેલને ૧૪. ૮૧ ટકા મતથી હરાવીને બેઠક જીતી હતી. ભાજપના ઉમેદવાર નીતિન પટેલે કડી બેઠક એસ.સી. માટે અનામત થતાં આ બેઠક પરથી ચુંટણી લડી હતી. જયારે વર્ષે ૨૦૦૭માં ભાજપના ઉમેદવાર અનિલ પટેલે કોંગ્રેસના ઉમેદવાર નરેશ રાવલને ૧૭ હજાર મતથી હરાવ્યા હતા. આ બેઠક પર વર્ષ ૧૯૮૫ બાદની તમામ વિધાનસભા ચુંટણીમાં ભાજપના જ ઉમેદવાર વિજયી બનતાં આવ્યા છે.એટલે કે આ બેઠક ઉત્તર ગુજરાતની ભાજપની કમિટેડ બેઠક ગણવામાં આવે છે.

મહેસાણા વિધાનસભા બેઠકના જાતિગત ગણિતની વાત કરીએ તો જણાશે કે કુલ મતદારોમાં પાટીદાર ૨૨.૬ ટકા, ઠાકોર ૧૫. ૮ ટકા, સવર્ણ ૧૨. ૯ ટકા, ક્ષત્રિય ૨.૩ ટકા, ચૌધરી ૩.૪ ટકા. ઓબીસી ૧૪. ૨ ટકા, મુસ્લિમ ૫.૬ ટકા, દલિત ૧૧.૭ ટકા છે. જોવા જઈએ તો આ બેઠક પાટીદાર ઉપરાંત સવર્ણ મતદારો પણ એટલાં જ પ્રભાવી જોવા મળે છે.

મહેસાણા બેઠક પાટીદાર અનામત આંદોલન બાદ બદલાયેલા રાજકીય સમીકરણના પગલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ફરી એક વાર ચૂંટણી જીતી જશે તેવો પક્ષને વિશ્વાસ છે. આ ઉપરાંત રાજય સરકાર ચૂંટણી પૂર્વે જ પાટીદાર અનામત આંદોલનને પૂર્ણ કરવા માટે કોઈ રસ્તો શોધી લેશે તેવો આશાવાદ પણ નીતિન પટેલ હાલ સેવી રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.