જ્યાં ‘કોરોના’ વધુ ત્યાં ‘તકેદારી’ વધુ: પ્રભારી સચિવ

શિયાળાના આગમન અને દિવાળીના તહેવારોમાં કોરોના વધતા તંત્ર સર્વેલન્સ વધારશે

કોરોના રોગચાળો રોકવા જિલ્લા પ્રભારી સચિવે જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી

શહેરમાં કોરોનાનો રોગચાળો વધી રહ્યો હોવાથી જે વિસ્તારોમાં વધુ કેસ આવે ત્યાં સર્વેલન્સની કામગીરી વધુ સધન બનાવવા જિલ્લા પ્રભારી સચિવ નલીન ઉપાધ્યાયે આદેશ કર્યો છે.

હાલમાં સમગ્ર ગુજરાતમાં શિયાળાના આગમન સાથે અને દિવાળીના તહેવારો બાદ ફરી કોરોનાના કેસો ઉછાળો જોવા મળ્યો છે. આ સમયે કોરોનાના સંભવિત સેક્ધડ વેવની સ્થિતિમાં જામનગર જિલ્લાને વધુ સલામત રાખી શકાય તે માટે જામનગરના પ્રભારી સચિવ નલિન  ઉપાધ્યાય દ્વારા જિલ્લાના લાઇઝન અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.

આ બેઠકમાં સર્વેલન્સ વધારવા, આઈ.ઇ.સી એક્ટિવિટી દ્વારા લોકોને વધુ સમજૂતી કરવા અને ટેસ્ટ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. શહેરમાં ભીડભાડવાળા વિસ્તારમાં માસ્ક વગર ફરતા લોકો સામે ફરી સખ્તાઇ દાખવવામાં આવશે તેમ જણાવી પ્રભારી સચિવે બેઠક બાદ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, હાલમાં જે વિસ્તારમાંથી વધુ કેસ આવી રહ્યા છે, તે વિસ્તારોમાં સર્વેલન્સની એક્ટિવિટી વધુ સઘન કરવામાં આવશે. ધનવંતરી રથ અને સંજીવની રથની અસરકારક કામગીરીનો પણ ફરી ઉપયોગ કરવામાં આવશે. હોસ્પિટલના સ્તરે તમામ પૂરતી દવાઓ, ટેસ્ટિંગ માટે પૂરતા પ્રમાણમાં કીટ અને આર.ટી.પી.સી.આર કરવામાં માટે તેમજ બેડ, સ્ટાફ વગેરેની તમામ સુવિધાઓ પૂરતા પ્રમાણમાં છે.

આ સમયે લોકો વધુ સાવધાન થઈ અને માસ્કનો ઉપયોગ કરે, સોશિયલ ડિસ્ટન્સ જાળવે અને હાથની સ્વચ્છતાનો ખ્યાલ રાખે તે ખૂબ આવશ્યક છે, તેવી અપીલ સાથે પ્રભારી સચિવે કહ્યું હતું કે, જ્યાં સુધી વેકસિન નહીં ત્યાં સુધી ઢીલાશ નહીં તેમ લોકો સમજી અને સ્વયંશિસ્ત જાળવે તો જામનગરને આપણે સલામત રાખી શકીશું.

કોરોના સામે પોલીસ હરકતમાં: માસ્ક પહેર્યા વિના ફરનારા સામે કડક કાર્યવાહી

જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ફરીથી વધતું જાય છે, અને લોકો સાવધાની રાખતા નથી. જેને લઇને જામનગર શહેરમાં પોલીસ તંત્ર એલર્ટ બની ગયું છે. સાંજે શહેરના જુદા જુદા વિસ્તારોમાં પોલીસ દ્વારા આ અંગે ટ્રાફિક ડ્રાઇવ રાખવામાં આવી છે, અને માસ્ક નહિ પહેરનારા લોકોને અટકાવીને દંડકીય કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. શહેરના દરબારગઢ સર્કલ, રણજીત રોડ, ચાંદી બજાર, બેડીગેઇટ, સાત રસ્તા સર્કલ, સહિતના જુદા-જુદા વિસ્તારોમાં શહેરના ત્રણેય પોલીસ ડિવિઝનો ઉપરાંત ટ્રાફિક શાખા દ્વારા આ અંગેની ટ્રાફિક ડ્રાઇવ શરૂ કરી દેવામાં આવી છે. માસ્ક પહેર્યા વિના નીકળનારા વાહન ચાલકો સામે દંડકિય કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. જેને લઇને ભારે દોડધામ મચી ગઇ છે. સાથેસાથ પોલીસ તંત્ર દ્વારા તમામ નાગરિકોને સંપૂર્ણપણે સોશિયલ ડિસ્ટન્સ જાળવવા ઉપરાંત માસ્ક પહેર્યા વિના બહાર નહીં નીકળવા માટે ની સુચના આપવામાં આવી રહી છે.