છે કયાં, અને શોધો છો કયાં ? પછી કયાંથી જડે…. ભગવાન

શિયાળાની એક વહેલી સવારે આખાયે ગામમાં મંદિરના નામે ઓળખાતી પેલી આરસની ઇમારતના ધોળાસફેદ, ચોખ્ખાચટાક્ પગથિયે આખી રાત ; હૂંફને ટૂંટીયામાં સાચવીને ઘસઘસાટ સૂતેલા પેલા અડધા નાગાપૂગા બાળકને; ખૂણામાં પડેલી લાકડીના હડદોલે ઉઠાડતાં, યજમાને આપેલી શાલમાં લપેટાયેલા પૂજારીએ ધૂત્કારતાં કહ્યું “ઉભો થા…ભાગ અહીંયાથી “.

રોજીંદી બનતી આ ઘટનાથી ટેવાયેલો પેલો બાળક, ટૂંટીયાની હૂંફને; બંધ મુઠ્ઠીમાં સાચવી પોતાની બગલમાં સંતાડી;  પગથિયાં ઉતરી; મંદિરની બહાર આવેલા ’ગોકુળ ટી સ્ટોલ’ના પાટિયે  મોજથી પોઢી ગયો.

મંદિરને સાવ સ્વચ્છ કરી દીધાના સંતોષ સાથે ધૂપ, અગરબત્તી અને ઘંટ,શંખના ઘોંઘાટ સાથે પેલો પૂજારી;  આકાર આપેલા પેલા પત્થરને જગાડવાની જહેમતમાં લાગ્યો.

ચ્હાની દુકાનના માલિક શાંતારામભાઇ; પોતે ઓઢેલી કાંબળી પેલા બાળકને ઓઢાડે છે. કડકડતી ટાઢમાં; વધારાની હૂંફથી પેલો બાળક હાશકારાનું પડખું ફરે છે. ચહેરા પર સંતોષના  સ્મિત સાથે શાંતારામભાઇ દુકાન ખોલવાની તૈયારીમાં લાગી જાય છે.

મંદિર નામની પેલી આરસની ઇમારતમાં  આકાર વાળા પત્થરને જગાડવાની જહેમતમાં પેલા પૂજારી સાથે હવે તો બીજા ઘણાયે  જોડાયા છે.આ બાજુ પેલો બાળક આળસ મરડી , આંખોમાંથી નીંદર ખંખેરી ઉભો થાય છે.પોતાના શરીર પરની હૂંફાળી કાંબળી જોઇ, શાંતારામભાઇ તરફ જોઇ મલકાય છે.

“ભાઇ, આજે  મારે ત્યાં;  સાંજે ચહા પાર્ટી ગોઠવી છે.દોઢસો બસો કપનો ઓર્ડર  છે.પહોંચી જાજે.” ગામના મોટા શેઠ હરસુખ પટેલ , આટલું કહી પોતાની ગાડી મંદિરના પ્રાંગણ તરફ વાળી દે છે.અચાનક આખા અઠવાડિયાની આવક જેવડો ઓર્ડર મળતાં શાંતારામભાઇના હાથ પેલી મંદિર નામની ઇમારત તરફ આપોઆપ જોડાઇ જાય છે…પણ બીજી જ ક્ષણે…. કંઇક વિચાર આવતાં……. બરણીમાંથી એક બિસ્કીટનું પડીકું અને સવારની પહેલી ચહાનો કપ પેલા બાળક પાસે મૂકી, મનોમન હાથ જોડી, પોતાને કામે વળગે છે.

પેલો બાળક ચ્હામાં બિસ્કીટ બોળીને ખાવામાં મશગુલ છે. હવાની લ્હેરખીથી રામને બોર ખવડાવતી શબરીના ફોટા વાળુ કેલેન્ડર સહેજ ઉડીને દિવાલ પર  પાછું સ્થિર થાય છે…. અને મંદિરમાં આટલા ઘોંઘાટ પછી પણ ભગવાન હજી ઉઠ્યા નથી….ભગવાન ત્યાં હોય તો ઉઠે ને?.. અરે ભગવાન તો આ બેઠા બેઠા ચ્હામાં બોળી બોળીને બિસ્કીટ ખાય.

Loading...