જયારે મૃત્યુ પહેલા જીવતા જીવતા જડી જાય છે: મોક્ષ

“આપકો મુક્તિભવન’ ક્યું જાના હૈ ?..બનારસમેં ઔરભી બહુત દેખનેલાયક જગહ હૈ..આપ કહેં વહાં લે ચલતે હૈં…૭૦૦ રુપયમેં પૂરા દિન ઘુમાંઉંગા…ઔર વૈસે ભી આપકી ઉમર તો અભી જીને કી હૈ સાહબ; મુક્તિભવનમેં તો બૂઢેબુઝુર્ગ લોગ આતે હૈં..મરને કે લિયે..કહેતે હૈં , વો કુછ મોક્ષ મિલતા હૈ યહાં મરને સે..ભાઇ..હમ તો યહાં પૈદા હુએ હૈ ફિરભી યે મોક્ષ  અપની સમજમેં નહીં આયા..આપકો માલૂમ હૈ યે મોક્ષ કે બારેમેં .?…

“મોક્ષની સમજણ ” જેવા ગહન વિષય પર પી.એચ.ડી. કરી રહેલા રોહિતને પેલા અભણ ડ્રાઇવરની મૂર્ખતા પર સ્હેજ ગુસ્સો તો આવ્યો પણ તોયે ; કર્મે પ્રોફેસર છે એ વાતની સાબિતી આપતો હોય એવા શાંત ભાવે એણે પેલા ડ્રાઇવરને સમજાવવાનાનો પ્રયાસ કર્યો  કે “મોક્ષ  એટલે મુક્તિ…કોઇ પણ જાતની અધૂરપ વગર;  પૂર્ણતાને પામી;  આત્માનું પરમાત્મામાં મળી જવું એ જ મોક્ષ ” .

આખીયે વાતમાંથી પૂર્ણતા અને અધૂરપ એ બે શબ્દોને પામી ગયો હોય એમ ડ્રાઇવરે તરત જ કહ્યું ” ઓહો સાહેબ…આપકા બોલનેકા મતલબ તો યહી હૈ ના કી મોક્ષ યાની સબ એકદમ પૂરા..કમ્પલીટ..વો આપને બોલા વૈસા..પૂર્ણતા….મતલબ મોક્ષ …બરાબર?..અભી ઇંસાન બનકે પૈદા હુએ હૈં તો રિશ્તે તો બનેંગે હી…..અબ મેરે ઘરમેં પિતાજી હૈ….અચ્છી તરહ સે સેવા કરતા હું ઉનકી…દિનમેં કમસે કમ  તીન બાર તો  આશીર્વાદ દેતે હી હૈં…ઘર જાતા હું તો ગ્યારહ સાલ કા મેરા બેટા દૌડ કે ગલે લગતા હૈ…ઔર ઘરવાલીભી હસતે મુંહ ગરમ રોટી ખિલાતી હેૈ..હમ ભી કભી કભી ગજરા લે જાતે હૈં તો બડી ખૂશ હોતી હૈ…અબ ઇસસે ઝ્યાદા પૂર્ણતા ક્યા હોગી?…ભગવાન કાશીવિશ્વનાથ; હમકો જીતેજી મોક્ષ  પ્રાપ્ત  કરવા  દીયે ઔર યે બુઢૌ લોગ યહાં મોક્ષ  ઢુંઢને આતે હૈં…જીતેજી નહીં મિલે વૈસે મોક્ષ કા ક્યા ફાયદા??!!..કમાલ કા પાગલપન હૈ”.

ડ્રાઇવરના મૂર્ખતાભર્યા હાસ્યથી રોહિત વધુ અકળાય એ પહેલાં મુક્તિભવનના દરવાજે આવીને કાર ઉભી રહી. પૈસા ચૂકવી મૂખ્ય દરવાજા તરફ આગળ વધતા રોહિતને જોઇ પેલો ડ્રાઇવર સ્હેજ મલકાયો અને પોતાના રસ્તે ચાલી નિકળ્યો.

મુક્તિભવનની સાવ સ્તબ્ધ થઇ ગયેલી પત્થરની કમાનો બપોરનાયે બિહામણી લાગતી હતી. પોતાના જીવનમાં સોળ હજારથી વધારે મૃત્યુ જોઇ ચૂકેલા મુક્તિભવનના પ્રબંધકભાઇએ ખેદ પ્રદર્શિત  કરતાં રોહિતને કહ્યું કે ઉનાળામાં આમેય બહુ ઓછા માણસો આવે..શિયાળે આવ્યા હોત તો ઘણા વૃધ્ધો હોત વાતચીત કરવા..તમારી આ ’મોક્ષ ’ની  થીસીસમાં બહુ મદદરુપ થાત..આ કાલ સુધી બે જણ હતા પણ એમાંથી લીલાબેન કાલે રાત્રે  જ મોક્ષ  પામ્યાં..હવે તો આ એક  હરજીવનભાઇ છે…નિયમ પ્રમાણે તો બે અઠવાડિયાંમાં મોક્ષ પ્રાપ્તી ન થાય તો આમતો અહીંયા ન રહેવાય ; પણ કોણ જાણે આટલા વર્ષોથી કઇ અધૂરપ એમને મરવાયે નથી દેતી?…મેં મારી ઓરડીમાં રાખ્યા છે…વાત કરી જૂઓ..કદાચ કંઇ બોલે તો….કયા મોક્ષની રાહ જુએ છે એજ નથી સમજાતું.

રોહિત પેલી સાવ નિર્જીવ લાગતી પરસાળમાં હરજીવનભાઇ તરફ આગળ વધ્યો.જેની સરખામણીએ પત્થર પણ ધબકતો લાગે; એટલી નિશ્ચેતન આંખો પોતાની તરફ આવતા રોહિતને તાકી રહ્યી હતી.

રોહિતે બાજુમાં પડેલી એક જૂની લાકડાની ખુરશી ખેંચી. લાકડાની ખુરશી અને ખરબચડી થઇ ગયેલી લાદીના ઘર્ષણથી થયેલો અવાજ મુક્તિભવનની ભેંકાર પરસાળમાં પડઘાયો.

રોહિતે પોતાની થીસીસ માટે પહેલેથી તૈયાર કરેલા કેટલાક સવાલો પૂછ્યાં છતાંયે હરજીવનભાઇ સાવ જડ બની બેઠા રહ્યાં.આ રીતે પોતાની સામે મૂક્ બનીને તાકતા હરજીવનભાઇની આંખોમાં સાવ સ્થિર થઇ ગયેલી કીકીઓને જોઇ રોહિત સ્હેજ અસ્વસ્થ થઇ ગયો.

અચાનક રોહિતના મોબાઇલ રિંગટોનથી વાતાવરણમાં કંઇક જીવ આવ્યો.

પોતાના ૬ વર્ષના પુત્ર સુમિતનો વિડીયોકોલ ઉપાડતાંજ સુમિતના અવાજે વાતાવરણ જાણે પૂર્ણ જીવંત થઇ ગયું..”પપ્પા, ક્યાં છો?…..પપ્પા આ શું છે? ….આ ઓલ્ડ પેલેસ જેવું બિલ્ડીંગ બતાવોને”….પુત્રની માગણીને વશ થઇ રોહિતે મોબાઇલ ફોનમાં મુક્તિભવનની આખી પરસાળ દેખાય એ રીતે ફોન  ચારે બાજુ ફેરવ્યો..અચાનક પેલા હરજીવનભાઇને જોઇ નાનકા સુમિતે સવાલ કર્યો કે આ કોણ છે?….રોહિત બહુ સાહજીકતાથી બોલી ગયો…”બેટા આ ….દાદા છે “….નાનકડા સુમિતે આનંદથી પૂછ્યું…”ઓહ…દાદા આવા હોય?”..દા…દા…..”

દાદા શબ્દ સંભળાતા જાણે હરજીવનભાઇમાં કોઇ એક નવી ચેતનાનો સંચાર થયો હોય એમ એમના ચહેરા પર સ્મિતની રેખાઓ ચિતરાઇ ગઇ…આંખોમાં છેલ્લાં કેટલાંયે વર્ષોથી થીજી ગયેલાં ઝળહળિયાં ખૂશીની હૂંફથી ઓગળીને આંસુ બની વહેવા માંડ્યા અને કરચલીવાળા એમના હાથે ; રોહિતનો હાથ એમણે સજ્જડ પકડી લીધો…રોહિતને એ કરચીયાળી હથેળીની પકડમાં જીવનમાં ક્યારેય ન અનુભવી હોય ;એવી સુરક્ષિતતાની લાગણી અનુભવાઇ. બંનેની  આંખોમાંથી વહેતા આંસુ જોઇ;   ફોનની સ્ક્રીન પરથી નાનકડા સુમિતે સવાલ કર્યો કે “દાદા..પપ્પા  ….રડો છો કેમ?.સુમિતને એના આ પ્રશ્નનો ઉત્તર તો ન મળ્યો..પણ આ ઘટનાના બે દિવસ પછી પોતાના ઘરના મુખ્ય દરવાજે પપ્પા સાથે ઉભેલા પેલા દાદા ; રુબરુ મળ્યા…અચાનક….

રોહિતના જીવનમાં ; અણસમજુ ઉંમરમાં પિતાના મૃત્યુ પછી સર્જાયેલી ખાલી જગ્યા પૂરાઇ ગઇ…અચાનક….

સુમિતે માત્ર સાંભળેલા દાદા નામના એક શબ્દને આકાર મળ્યો..અચાનક….

બીજી સવારે બાલ્કનીના કોઇ એક છોડ પર અચાનક ઉગેલા ફૂલને જોતાં…’મોક્ષ ની સમજણ’ ના અઘરા વિષય પરની પોતાની થિસીસના કાગળિયાંના;  ટૂકડા કરતાં જોઇ રોહિતની પત્ની વૈષાલીએ ચિંતાથી પૂછ્યું કે “આ શું કરો છો રોહિત?”..

ત્યાં જ બહારના રુમમાંથી નાનકા સુમિતનો અવાજ સંભળાયો..”ગુડ મોર્નીંગ દાદા”..અને જવાબમાં બોખું હાસ્ય સાંભળતા રોહિત એટલું જ બોલ્યો..”

‘હવે તો મોક્ષ  મળી ગયું ને…બધાને” …

થિસીસના ફાટેલા પાનાના હવામાં ઉડતા ટુકડાઓ જોતાં જોતાં, પેલા ડ્રાઇવરના શબ્દો રોહિતને કાને પડઘાતા રહ્યાં ..”ભગવાન કાશીવિશ્વનાથને ;  હમકો જીતેજી હી મોક્ષ  પ્રાપ્ત  કરવા  દીયે…જીતેજી નહીં મિલે વૈસે મોક્ષ કા ક્યા ફાયદા??!!..કમાલ કા પાગલપન હૈ.

Loading...