Abtak Media Google News

‘જયન્ત, વિજય, અશોકનંદન, સિધ્ધાર્થ, બોલો શું થઇ ગયું છે એચિંતું? આજે તેમ સૌ અયોઘ્યાથી કેકય આવ્યા છો, પુરોહિતજીનો સંદેશો લઇને, મને તેડવા માટે. બોલો, વૃક્ષો પર ફૂલને અંકુર થાય છે તો ખરાં ને? વનરાજિ શોકથી નીરવ તો નથી થઇ ગઇ ? ઉદ્યાનોમાંથી પક્ષીઓ ઊડી તો નથી ગયાં? તમે મુંગા કેમ છો? બોલો, મારા મને કાંઇ ચેન પડતું નથી. ને જાણો છો, રાત આખી તો કંઇ કેટલાં અનિષ્ટ સપનાં આવ્યા કર્યા છે! જાણે સાગર સુકાઇ ગયા છે, ને ચંદ્ર ભૂમિ પર પછડાઇ પડ્યો છે! નથી સમજાતો આનો મર્મ મને. ચાલો, ‘નાના’ની અનુજ્ઞા લઇને ચાલી નીકળીએ. અયોધ્યા પહોંચતાંય સાત રાત થશે.

આ સુદામાને શતદ્રુ નદીઓ, આ ઐલધાની, શિલાવહી, સરસ્વતી, ગંગા, કૃલિગા, યમુના, ધર્મવર્ધન, જંબુપ્રસ્થ, ગોમતી, કલિનગર, સાલવન…

જયંત, સિધ્ધાર્થ, અયોધ્યા કેમ સૂની સૂની લાગે છે? લોકોનો કોલાહલ સંભળાતો નથી, પક્ષીના સુસ્વર સંભળાતા નથી: અગરચંદનના ધૂપવાહી વાયુ વાતા નથી: ભેરી, વીણા, મુદંગ સૌ શાંત થઇ ગયાં છે! કહો કોઇ વિપરીત ઘટના બની છે?

પિતાજી કાળધર્મ પામ્યા છે!

આ અભાગીને આ સમાચાર કહેવા માટે અહીં તેડી મંગાવ્યો છે, માતાજી? અને બંધુવર રામ કયાં છે? માતાતુલ્ય સીતાજી કયાં છે? વિજયને અશોકનંદન, કેકયથી અયોધ્યાની વચ્ચે વન આવતાં ત્યારે મ્લાનવદન થઇ જતા તેનું રહસ્ય આ જ કે?  ધર્માત્મા રામચંદ્ર વનમાં પધાર્યા છે! શા માટે? ભગવાન રામચંદ્રે કોઇ બ્રાહ્મણનું ધન હર્યુ હતું? કોઇ નિરપરાધીની હિંસા કરી હતી? પરસ્ત્રી સાથે વ્યવહાર કર્યો હતો?

ના… મારી માએ પિતા પાસે રામચંદ્રનો વનવાસ માગી લીધો હતો ને તેની રામચંદ્ર વનમાં સિધાવ્યા. એમના વિરહથી રાજા પંચત્વ પામ્યા. હવે ભરત રાજા થાય… આ અયોધ્યાનગરી અને એનું રાજય ભરતને અધીન થાય. હવે રાજાને ભરતને હાથે દાહ દેવાય, હવે ભરતનો રાજ્યાભિષેક થાયને કૈકેયી રાજમાતા થાય!

મા, મા, તું મારી મા નથી, તુ રઘુવંશની કાલરાત્રિ છે. રામ તને માથી અધિક ગણતા, માતા કૌશલ્યા તને બહેનથી વિશેષ પ્રેમ કરતાં ને છતાં તને દુષ્ટને અવળી મતિ સુઝી? તેં રાજાને હણ્યા ને રામચંદ્રને વનવાસી બનાવ્યા? દાઝયા પર તે મને ડામ દીધો છે ને હવે કહે છે કે આ શાપિત રાજય હું ભોગવું? ગંગા-યમુનાના જળના કાંચન-કુંભ, ઉદુમ્બરનું ભદ્રપીઠ, હાથી, અશ્ર્વ, રથ, છત્ર, ચામર, ધનુષ-તલવાર, ગો-બ્રાહ્મણ, રામચંદ્રના રાજયાભિષેકની સર્વ રખડી પડેલી સામગ્રીની વચ્ચેથી મને મા કૌસલ્યાની કારમી ચીસ સંભળાય છે કે ધાવતાં વાછરડાંના મુખમાંથી મેં પાપિણીએ ગાયનાં સ્તન છોડાવ્યાં હશે નહી તો મારે આવું પુત્રવિરહનું દારૂણ દુ:ખ વેઠવાનું આવે નહીં! કૈકેયી, તારે પાપે તું નરકે જઇશ ને રાજાની સલોકતા પામીશ નહીં. પતિઘાતિની, તું અશ્ર્વપતિની પુત્રી નથી, રઘુકુલની સંહારિણી છે. પુત્ર માતા અંગ પ્રત્યંગમાંથી અને હ્રદયમાંથી ઉત્પન્ન થાય છે એટલે માને દીકરા જેવું કોઇ વહાલું હોતું નથી. તે કૌસલ્યામાને પુત્રવિયોગ કરાવ્યો છે, એ મહાપાપનું ફલ તુ જન્મોજન્મ ભોગવ્યા કરજે.. જા, જઇને અગ્નિપ્રવેશ કર, અથવા દંડકારણ્ય જા, કાં કંઠે રજજાુ બાંધી આત્મહત્યા કર અને અપકીર્તિમાંથી ઊગર…

… કૌસલ્યા, મા કૌસલ્યા, મને ક્ષમા કરો. હું નિરપરાધ છું. મારે માથે વજા તૂટી પડયું છે. હું કહું છું મા, કે જેને કહ્યે રામચંદ્ર વનમાં ગયા હોય તેને સ્ત્રીહત્યાનું, બાળહત્યાનું ને નાના વાછરુવાળી ગાયને દલહી લીધાનું પાપ લાગજો! રામ વનવાસ ભોગવે એવું કહેનાર નિર્વશ જજો, નવ્વાણું રોગની પીડા પામીને મૃત્યુ પામજો અને અને દીકરીએયે દીવો ન રહેજો.

મા, મારા પિતાજીની ક્રિયા હું કરીશ. લોકમાં રૂપૈયા સૌનૈયા વેરીશ. ચૌદ દિવસ અયોધ્યાનું પાદર જ નહીં, અયોધ્યાનું ઘરેઘર સ્મશાન બની રહેશે.

ચૌદમા દિવસનું પ્રભાત

ના, રાજય ભરતને ન હોય, કદી ન હોય. રઘુકુલમાં જયેષ્ઠ પુત્ર જ નિત્ય રાજ કરે છે. ચાલો ચતુરંગ સેના તૈયાર કરો. રસ્તોઓ સરખા કરાવો, હું અયોધ્યાથી પ્રયાણ કરી, ભગવાન રામચંદ્રને આદર સહિત પાછા તેડી લાવું.

ગંગાતીર.

શું ગવેરપુર.

ભાઇ, ગુહ કહે મને, મારા બંધુવર રાતે કયાં વસે છે? કયાં સૂએ છે? શું જમે છે ? અહીં? સુવર્ણની ભીતિવાળા, પુષ્પોથી શણગારેલા, ચંદનના સુવાસિત પ્રાસાદોમાં સૂનાર ને મૃદંગને સાદે બંદીજનની સ્તૃતિ સાથે જાગનાર મારા રામ અહીં કઠોર ભૂમિ પર શપ્યા કરતા? સપનું લાગે છે, ગૃહ, ભયંકર સપનું લાગે છે. ધિક્કાર છે મને કે મારે કારણે ભગવાને આના ભોગ બનવું પડયું.

ગંગાપાર

મુનિ ભરદ્વાજને દંડવત્ પ્રણામ. ના, મહામુનિ, રાજ્યને નિષ્કંટક કરવા રામલક્ષ્મણની હત્યા અર્થે નથી નીકળ્યો… અને દુર્ભાગ્યે ભગવાનને પણ એવું લાગ્યું હોય તો ભરતનો શતમુખ વિનિપાતને વિનાશ થજો. હું તો રામચંદ્રને અયોધ્યા પાછા તેડી જવા નીકળ્યો છું. અયોધ્યાની નગરી નિશ્ર્વે તન બની ગઇ છે. એમાં રામચંદ્ર સિવાય કોણ પ્રાણ પૂરી શકશે? ચિત્રકુટ પર્વત… રમ્ય પુષ્પોથી શોભતાં કાનનોથી ભરેલી મંદાકિની નદી.. વચ્ચે આ પર્ણકૂટી… પર્ણકૂટી પાસે અડાયાં લાકડાં કૂલ દર્ભાસન.. દર્ભાસન પર ભાઇ.. મારા મોટા ભાઇ… જયેષ્ઠ બંધુ, ભગવાન, ભગવના, અનુગ્રહ કરો.. આ દાસને ક્ષમા કરો.. પાછો ચાલો… એક શબ્દ બોલશો નહીં. આ શી દશા કરી છે, ભાઇ? જરિયાન જામની જગાએ આ મૃગચર્મ શું? મસ્તકે રાજકિરીટને સ્થાને આ જટાજૂટ શું? સભામાં મંત્રીવરો પાસે બિરાજતા આ રાની પશુઓની સભામાં બિરાજ્યા છો? ને આ બધું કષ્ટ, આ દેહદમન આ હતભાગીને કારણે? ભગવાન, નથી જાણતો આજે કયાં પાપ આડે આવ્યાં છે! રામચંદ્ર, પાછા ચાલો, અયોધ્યામાં કશું જ ઠીક નથી.. પિતાજી… પિતાજી.  તમારા શોકથી પંચત્વ પામ્યા છે. હા, આઘાત.. પ્રાણ હરી લે એવો આઘાત છે, બંધુવર! કૈકયી રાજકુલ પામ્યા વિના રોરવ પડો એવી હું રોજ પ્રાર્થના કરું છું. મારે રાજય નથી જોઇતું. ભાઇ, ભાઇ અને ભાભીના વહાલની જયાં વર્ષા ન વરસતી હો, એવું રાજય ભરતને મન મરૂભૂમિ છે. મને તર્ક સુઝતો નથી, શાસ્ત્રાર્થ આવડતો નથી, પણ શાશ્ર્વતધર્મ જાણું છું કે જયેષ્ઠ પુત્રની હયાતીમાં કનિષ્ડઠ કદી રાજા ન થાય.. ને હું તો બાળક છું, ભગવાન, આવી વિશાળ પુથ્વીને હું કેમ કરીને પાળી શકું ? ને અયોધ્યા તો તમને ઝંખે છે.

કહું  ભગવાન, મેં કાનોકાન સાંભળ્યું હતું કે, જે દિવસે આપે, સીતામાતએ, બંધુ લક્ષ્મણે અયોધ્યામાંથી વિદાય લીધી તે દિવસે વાછરડા વિના ગાય ટળવળે એમ માતાઓ ટળવળતી હતી. સૂર્ય અંતર્ધાન થઇ ગયો હતો, પક્ષીઓ સ્વરશૂનય બની ગયા હતાં, અગ્નિહોમ કોઇને હોમ્યો નહોતો. ગાયોએ મોંમા લીધેલા કોળિયા મૂકી દીધા હતા ને વાછરડાંને ધવરાવ્યાં નહોતાં. ભગવાન, પ્રલય કાળના મરૂતથી મહોદધિ ઊછળે એમ સમગ્ર નગરી પ્રક્ષુબ્ધ થઇ ઉઠી હતી ને બીજે દિવસે પરોઢિયે સૌને છોડીને આપ ચાલી નીકળ્યા ત્યારે નિરાશ હૈષે ને મંદ પગલે પાછાં ફરીને કોઇ નગરવાસીએ ઘરમાં ચૂલો સળગાવ્યો નહોતો, ચૌટામાં કોઇએ હાટ ઉડાવ્યું નહોતું સ્વાધ્યાયકથા, ગીત, ઉત્સવ, નૃત્યવાઘ સઘળું કયારનુંય સૂમસામ થઇ ગયું હતું. એટલું જ નહીં, મોટાભાઇ, અઘરણીનો પુત્ર અવરવા છતાં કોઇ મા હરખાઇ નહોતી. આવા વલોપાતણની વાત ત્યારે બની ગઇ હતી.

કહો, હવે કયાં સુધી લંબાવવો છે આ વેલોપાત? કૈકૈયીના અધમને કયાં સુધી પુરસ્કારવો છે? હું જાણું છું કે દુ:ખથી વ્યથા ન પામો ને પ્રીતિ-થી હર્ષ ન પામો એવા આપ લોકોત્તર છો.. પણ અમે તો ગરીબ ને રાંક છીએ.. સામાન્ય માટીનાં પૂતળાં છીએ. અમારા પર તો આપની કરુણા જ હોય.  પાછા પધારો, રામચંદ્ર! ખેડૂત વરસાદની વાટ જુએ એમ આખી અયોધ્યા આપના આવવાના માર્ગ પર મીટ માંડીને બેઠી છે. પાછા પધારો. આપનો રાજયાભિષેક થવા દો, ને રાજયધુરાનો આપ સ્વીકાર કરો. ‘ના’ કહો છો, ભગવાન? ઠીક છે, આપનું વચન મારાથી નહીં ઉથાપાય. ચંદ્રની કાંીત ચંદ્રને તજે, હિમાલય હિમને તજે, સમદ્ર મર્યાદા મૂકે પણ પિતાની આજ્ઞા આપ નહીં તોડો.. તો એક કામ કર સારથિ, અહી મારી પણ કુશની પથાર પાથર એટલે રામચંદ્ર માને નહી ત્યાં સુધી પર્ણકૂટીના દ્વાર પાસે, એમનાં કરૂણાર્દ્ર નયોના અમૃતમાં નિત્ય સ્નાન કરતો, અન્નને જલનો ત્યાગ કરીને, મોં ઢાંકીને, એક પડખાભેર સૂઇ રહું. ના, કશું દારૂણ વ્રત નથી આ બંધુ ! ને તમે મારાથી વધુ દારૂણ વ્ર  કયાં નથી કરતા? નહીં જ આવો? આવી કઠોર મુખમુદ્રા કરીને અહી જ બેસી રહેશો? ચૌદ વર્ષ આમ જ ગાળશો? ને બીજાનેય આમ આકરી શિક્ષા કરશો? ભલે, પ્રભુ છો, પરબ્રહ્મ છો… સર્વથા કર્તૃમ્ સમર્થ છો. પણ એક વિનંતી માન્ય રાખશો? આ સગર્ણ ભૂષિત પાદુકા પર ચડીને પછી તે મને કાઢી આપા. ભરતનો અપાત્ર છે જ: પણ ભગવાનની આ પવિત્ર પાદુકા ભગવાન વતી પ્રજાનું પાલન કરવા સમર્થ બની રહેશે. ધ્યાન રાખજો, બંધુવર, ચૌદ વર્ષ જટાચીર ધારણ કરી, ફલનો જ માત્ર આહાર કરી, તમારા આવ્યાની પ્રતીક્ષા કરતો અયોધ્યાની બહાર નંદીગ્રામમાં આયુષ્ય ગાળીશ ને રાજયતંત્રનો ભાર આપીની પાદુકા પર નાખીશ, મારા મસ્તક પર ચડાવી અનેને સિંહાસને સ્થાપીશ. ને ભગવાન, ચૌદમું  વર્ષ વીતમાં તમને પાછા આવેલા નહીં જોઉ તો સાચું માનજો કે ભડભડતા અગ્નિમાં આ અસ્થિચર્મના ક્ષદ્ર કલેવરને બાળી મૂકીશ. તે ત્રી કોટી દેવતા, સૂરજને ચંદ્ર, આકાશ ગ્રહો, દિવસને રાત, દિશાઓ, પુથ્વીને ગંધવો સૌ મારા  સાક્ષી છે આજે. હવે છત્ર ધરાશે આ પાદુકા પર, ચામર થશે આ પાદુકાને અને ભેટ નિવેદાશે પ્રભુની આ પાદુકાને અને ભેટ નિવેદાશે પ્રભુની આ પાદુકા આગળ. ભરત થશે ભગવાનની પાદુકાનો સેવક માત્ર. આ તો ગમશે ને, ભગવાન?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.