Abtak Media Google News

ભાજપ સાથે છેડો ફાડનાર ભાજપના પૂર્વ પ્રદેશ મંત્રી રાયજી સાથે પૂર્વ પ્રદેશ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા અને પૂર્વ સાંસદ ભૂપેન્દ્રસિંહ સોલંકીએ કરી ગુફતેગુ

આગામી ડિસેમ્બરમાં આવી રહેલા વિધાનસભાની ચૂંટણીઓમાં ૧૫૦થી વધુ બેઠકો કબજે કરવા માટે ભાજપ યોજના બનાવી રહ્યુ છે તેવા સંજોગોમાં ગુજરાતમાં ભાજપનો પાયો નાંખવામાં મહત્વની ભૂમિકા ભજવનાર સંજય જોશી જૂથ હવે ભાજપને પછાડવા માટે સક્રિય બની રહ્યુ હોવાના સંકેત મળી રહ્યા છે.

ભાજપમાં થતી સતત અવગણના કારણે કોરાણે મૂકાયેલા આ જૂથના ભાજપી આગેવાન પૈકીના પૂર્વ પ્રદેશ મંત્રી જીતેન્દ્ર રાયજીએ ભાજપ સાથે પ્રદેશના કેટલાક ભાજપી આગેવાનોએ બેઠક કરી હતી. જેમાં ઘડાયેલી વ્યૂહરચના ભાગરૂપે કોરાણે મૂકાયેલા આગેવાનો હવે ભાજપના ઉમેદવારોની સામે સીધા શેરીની લડાઇમાં ઉતરી આવનાર હોવાનું નક્કી કરવામાં આવ્યુ છે.

ભાજપમાં સતત વિવાદોમાં રહેતા કેન્દ્રિય નેતા સંજય જોશીના ગુજરાતના અત્યંત વિશ્વાસુ એવા પ્રદેશ ભાજપના પૂર્વ સંગઠન મંત્રી જીતેન્દ્ર રાયજીએ ગત ૧૪મી ઓગસ્ટે ભાજપના પ્રાથમિક અને સક્રિય સભ્યપદેથી રાજીનામુ આપી દીધુ હતુ. છેલ્લા દસ વર્ષથી સતત થઇ રહેલી ઉપેક્ષાના કારણે ભાજપના પ્રદેશ પ્રમુખને ઉલ્લેખીને લખેલો પત્ર ૧૬મી ઓગસ્ટે ફેસબુક સહિત સોશિયલ મીડિયા પર મૂકી દેતા ભાજપી મોરચે હોબાળો મચી ગયો હતો. જો કે, ભાજપના નેતાઓમાં આ મામલે ડર હોવા છતાં આ ઘટનાને અત્યંત સામાન્ય હોવાનું લઇને તેને મહત્વ અપાતું ન હોવાનો દેખાવ કરાતો હતો.

આ સંજોગોમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા તથા પૂર્વ સાંસદ ભૂપેન્દ્રસિંહ સોલંકીએ વડોદરા દોડી આવીને ભાજપ સાથે છેડો ફાડનાર જીતે્દ્ર રાયજી સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં આખા ગુજરાતમાં કોરાણે મૂકાયેલાઓ માટે આ રાજીનામુ દિશાસૂચક બની રહેશે તે અંગેની ગંભીરતા લીધી હતી. બીજી તરફ આ બેઠકમાં રાયજીએ તેમનું વલણ સ્પષ્ટ કરી દીધુ હતુ. ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને પછાડવા માટે સયાજીગંજ વિધાનસભા બેઠક પર ચૂંટણી લડવાવા સુધ્ધાની તૈયારી બતાવી હતી. આ બંન્ને સિનીયર નેતાઓની હાજરી જોતા આગામી દિવસોમાં અન્ય સ્થળોએ પણ સંઘની વિચાર સરણી ધરાવતા કોરાણે મૂકાયેલા જૂના આગેવાનો એક થાય તેવી પણ એક ગણતરી શરૂ થઇ છે. ભૂપેન્દ્રસિંહ સોલંકીએ એક વાતચીતમાં જણાવ્યુ હતુ જીતેન્દ્ર રાયજીએ ઓચિંતુ રાજીનામુ આપ્યુ છે. જેના પગલે હું અને રાજેન્દ્રસિંહ રાણા તેમને મળવા આવ્યા હતા. તેમની સાથે મુલાકાત કરી હતી.

શું શંકરસિંહ ભાજપને બહારથી મદદ કરશે?

ગુજરાત વિધાનસભાની ડિસેમ્બરના પ્રથમ પખવાડિયામાં યોજાનારી ચૂંટણી પૂર્વે વધુ એક વખત ત્રીજા પરિબળનું પરિમાણ ઉમેરાય તેવા સંકેતો મળી રહ્યા છે. કોંગ્રેસ સાથેના બે દશક જૂના સંબંધોને તોડીને મુક્ત થયેલા અને હવે પક્ષીયબંધનોમાં નહીં બંધાવવાની સ્પષ્ટ જાહેરાત કરી ચૂકેલા શંકરસિંહ વાઘેલા પર એમના સમર્થકોએ જનતાના પ્રશ્નોના ઉકેલ માટે રાજનૈતિક નેતૃત્વ કરવા, ચૂંટણી પૂર્વે દિશાસૂચન કરવા આજે એમના સમર્થકોએ દ્રઢાગ્રહપૂર્વક વિનંતી કરી છે. જોકે, બાપુએ સૌને સાંભળ્યા પછી કોઇ સ્પષ્ટ જાહેરાત કે અણસાર આપ્યો નથી, પરંતુ આગામી સમયમાં તેઓ રાજ્યનો ઝોનવાર પ્રવાસ ખેડી અથવા સંમેલનો યોજી હાઇકમાન્ડ સમાન જનતાનો અભિપ્રાય લઇ પોતાના પત્તા ખોલશે એવો સંકેત આપ્યો છે.

આજે વસંતવગડે સુરત, કચ્છ, જામનગર, રાજકોટ, ભાવનગર, પાટણ, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, કપડવંજ સહિતના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં શંકરસિંહ વાઘેલાના સમર્થકો ઊમટી પડ્યા હતા. આ બેઠકમાં કોંગ્રેસ ઉપરાંત જૂના રાજપાના સમર્થકો, સમાજજીવન સાથે સંકળાયેલા અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સૌની લાગણી એવી હતી કે, બાપુ પક્ષના બંધનમાં રહીને જનતાને નડતી મોંઘવારી, બેરોજગારી, વેપારી વર્ગને નડતી જીએસટી, રેરા જેવા કાયદાની હાડમારી, સમાજિક આંદોલનોના મુદ્દે અવાજ ઊઠાવવા જેવી બાબતોમાં જે નિર્યાણક ભૂમિકા ભજવી શકતા ન હતા, એને હવે નોંધારાના આધાર બનીને નવેસરથી સક્રિય થવા આગ્રહ કર્યો હતો. આ માટે એક લેખિત ઠરાવ પણ બેઠકમાં પસાર કરાયો હતો.બાપુએ સૌની વાચા, લાગણી અને વ્યથા સાંભળ્યા પછી આગામી સમયમાં શું કરવું છે તેના અંગે અભિપ્રાય માગ્યો હતો એમાં કેટલાક આગેવાનોએ સૂચન કર્યું હતું કે, આપણે ચૂંટણી જંગમાં જંપલાવીને જનતાની સમસ્યાઓ, પ્રશ્નોને વાચા આપવી જોઇએ. આના સંદર્ભે બાપુએ સ્પષ્ટ કર્યું કે, કોંગ્રેસમાં હતો ત્યારે ત્યાં પણ મેં કહ્યું હતું અને આજે પણ કહું છું કે, જે કરવું હોય એના માટે તૈયાર છું પરંતુ પહેલા એ નક્કી કરો કે કેવી રીતે કરવું છે તથા શું કરવું છે આયોજન વગરની લડતના કોઇ પરિણામ ન આવી શકે. આપણે સત્યની પડખે રહેવાનું છે, તેમ કહી બાપુએ સૂચન કર્યું કે, રણનીતિ વગર પ્રજાના પ્રશ્નો, સમસ્યાઓને વાચા આપી શકાય નહીં. હાલ જે પ્રશ્નોથી પ્રજા પીડાય છે, સામાજિક આંદોલનો ચાલી રહ્યા છે તેમાં તમારે સૌએ પહેલા જોડાવું પડશે. રાજ્યની ૧૮૨ બેઠકો છે, સૌએ પહેલાં તો ત્યાં ગ્રાઉન્ડ વર્ક શરૂ કરવું પડશે. એના વગર આપણે સીધા ચૂંટણી જંગમાં ઝંપલાવીશું તો કોઇ ફેર પડશે નહીં. બાપુના આ સૂચન પછી પચાસેક અગ્રણીઓ સાથે એક અલગથી બેઠક યોજાઇ હતી.સૂત્રો કહે છે કે, આગામી ચૂંટણીમાં સામાજિક સમીકરણોને ગણતરીમાં લઇને કેવી રીતે ઉમેદવારો ઊભા રાખવા, ઉમેદવારોની પસંદગી જેવા મુદ્દાઓ પણ ખાનગી બેઠકમાં ચર્ચાયા હતા. જોકે, બાપુએ સૌને સાંભળ્યા પછી એવો સંકેત આપ્યો છે કે, તમે ગ્રાઉન્ડ લેવલની તૈયારીઓ શરૂ કરો. જરૂર પડ્યે ઝોનવાર સંમેલન યોજો અથવા હું તેમાં હાજરી આપવા આવીશ. એના પછી નિર્ણય કરાશે. જોકે, હજુ બાપુએ રાજ્યની ચૂંટણી સંદર્ભે ત્રીજા પરિબળ માટે સમર્થકોના આગ્રહ અંગે સ્પષ્ટ કોઇ ફોડ પાડ્યો નથી.

કોંગ્રેસના ધારાસભ્યો સોનિયા ગાંધી  અને રાહુલ ગાંધીને મળવા પહોંચ્યા

રાજ્યસભાની ચૂંટણીની કટોકટી દરમિયાન બેંગાલુરુ ખાતે લઇ જવાયેલા કોંગ્રેસના ધારાસભ્યો રવિવારે બે જુદીજુદી ફ્લાઇટમાં દિલ્હી જવા રવાના થયા છે. દિલ્હી ખાતે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ઉપરાંત એહમદ પટેલ સાથે તમામ ધારાસભ્યો મુલાકાત કરશે. દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકી અને પ્રભારી અશોક ગેહલોતની આગેવાનીમાં ધારાસભ્યો સોનિયા અને રાહુલ ગાંધી સાથે બેઠક પણ કરશે. આ બેઠકમાં મોટાભાગે આગામી વિધાનસભાની ચૂંટણી માટેની ટિકિટની ફાળવણીના મુદ્દાઓની ચર્ચા થાય એવું સૂત્રોએ જણાવ્યું છે. કોંગ્રેસના ધારાસભ્યોએ એવી પ્રતિજ્ઞા લીધી હતી કે જો એહમદ પટેલ રાજ્યસભાની ચૂંટણી જીતી જશે તો તેઓ તિરૂપતિના દર્શને જશે. તેથી બે ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ અને જાવેદ પીરઝાદા ગુજરાત પરત ફરશે અને બાકીના ધારાસભ્યો વાયા ચૈન્નાઇ થઇને તિરૂપતિના દર્શને જશે. શનિવારે બપોરે ચાર વાગ્યાના ઇન્ડિગોની ફ્લાઇટથી મોટાભાગના કોંગ્રેસના ધારાસભ્યોનું એક જૂથ દિલ્હી માટે રવાના થઇ ગયું હતું. ત્યારબાદ સાંજે સાડા આઠ વાગ્યેની બીજી ફ્લાઇટમાં શક્તિસિંહ ગોહિલ અને બાકીના ધારાસભ્યો પણ દિલ્હી ગયા હતા. કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું હતું કે,દિલ્હી ખાતે કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને બેઠક પતાવીને ૨૨મી ઓગસ્ટે ધારાસભ્યો તિરૂપતિના દર્શનાર્થે પહોંચશે. જો કે, વિધાનસભા પૂર્વે દિલ્હી હાઇકમાન્ડ સાથેની ધારાસભ્યોની બેઠક અગત્યની માનવામાં આવી રહી છે. કયા ધારાસભ્યોને રિપીટ કરવા, નવા કયા ઉમેદવારોને ઊભા કરવા અને પ્રચાર-પ્રસાર માટેની રણનીતિ સહિતના વિષયો પર આ બેઠકમાં વિચારણા થાય તેમ જાણવા મળી રહ્યું છે. દિલ્હીથી તિરૂપતિ જઇને ગુજરાત આવીને આ ધારાસભ્યો કાર્યકરો સાથે બેઠકોનો દોર શરૂ કરીને વિધાનસભાની ચૂંટણી પહેલાનો માહોલ તૈયાર કરશે. કોંગ્રેસે રાજ્યને ચાર ઝોનમાં વહેંચીને આગામી ચૂંટણીના કાર્યક્રમો અને પ્રચાર-પ્રસાર માટેની ગતિવિધિઓ તેજ કરવાનું નક્કી કર્યું છે. આ બેઠકોમાં એહમદ પટેલ પણ વિશેષ રીતે હાજરી આપી શકે તેમ કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર રૂ. ૫૦૦ કરોડના ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે. એક અખબારી યાદીમાં તેમણે જણાવ્યું છે કે,સાણંદ તાલુકાના સનાથલ ગામના રેવન્યુ સર્વે ને. ૭૮, ૮૦-એ વગેરેની વિકાસ પરવાનગી આપવામાં નીતિન પટેલે રૂ. ૫૦૦ કરોડનો ભ્રષ્ટાચાર કર્યો છે. જેની વિજિલન્સ તપાસ થવી જોઇએ. તત્કાલીન શહેરી વિકાસ મંત્રી દ્વારા જે તે સમયે અબજો રૂપિયાની જમીનોમાં ફેરબદલી, ટીપીમાં ફેરબદલ, નિયમનોનું ઉલ્લંઘન, શરતોમાં ફેરફારના નામે વિકાસ પરવાનગીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.