Abtak Media Google News

કોરોના મહામારી બાદ ગ્રામ્ય અર્થતંત્રમાં સુધારો, ભારતીય બજાર તરફ મૂડી રોકાણકારોનો સાનુકૂળ અભિગમ, વિદેશી હૂંડિયામણમાં દૂરંદેશી સહિતના કારણે અર્થતંત્રની વિકાસની ગાડી ઝડપ પકડશે

કોરોના મહામારી બાદ ભારતીય અર્થતંત્ર માટે વૈશ્વિક કક્ષાએ સોનાનો સુરજ ઉગશે. મહામારીના પડકારમાંથી ઉદ્યોગ જગત અને કેન્દ્ર સરકારે ઘણું શીખ્યું છે, મહામારી આફત નહીં પરંતુ અવસર બની જશે. આગામી ત્રણ વર્ષમાં ભારતીય અર્થતંત્ર ૧૦થી ૧૨ ટકા ના વિકાસ સાથે ટના ટન રહેશે તેવી અપેક્ષા નિષ્ણાંતોને છે.

આદિત્ય બિરલા સન લાઇફ ઇન્શ્યોરન્સના કો ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર મહેશ પાટીલના મત મુજબ આગામી ત્રણ વર્ષમાં નિફ્ટી ફિફ્ટીમાં ૧૨ ટકા સુધીનું રિટર્ન મળશે. ઈક્વિટી મ્યુચલ ફંડમાં ઘસારો નહીંવત રહેશે. માર્કેટમાં કરેક્શન પણ થશે. અલબત્ત ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું ઇકોનોમી તરીકે ઊભરી આવશે. અર્થતંત્રમાં રિકવરીના કારણે લઘુ અને મધ્યમ અને ઉદ્યોગોને વધુ ફાયદો થશે.

વર્તમાન સમયે કોઈ પણ શેરના પીઇ રેશિયોના આધારે તુરંત નિર્ણય લેવો ઠીક નથી. આગામી અર્નિંગ અને ગ્રોથ ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ ઘણી વખત વેલ્યુએશન મલ્ટીપલ થઈને મળી શકે છે. વર્તમાન સમયે ભારતીય ઇકોનોમીમાં મોટા પ્રમાણમાં રિકવરી જોવા મળી રહી છે આ ઉપરાંત વિદેશી હૂંડિયામણ આ મામલે સરકારે દાખવેલી દૂરંદેશી પણ ભવિષ્યમાં મીઠા ફળોનો સ્વાદ આપશે.

અત્યારે નિકાસ ટોચના સ્થાને છે, આયાત નીચલી સપાટીએ પહોંચી છે ત્યારે વધુને વધુ મજબૂત થતા ડોલરમાંથી કઈ રીતે ફાયદો ઉઠાવી શકાય તે માટેની રણનીતિ પણ ઘડી કાઢવામાં આવી છે. આગામી બજેટ પણ વિકાસ કેન્દ્રી રહેશે તેવી આશાઓ છે ભારતીય અર્થતંત્રમાં વૈશ્વિક રોકાણકારોનો રસ પણ વધી રહ્યો છે. આવી સ્થિતિમાં સરકારે ઉત્પાદન માટે આપેલી ઉત્પાદન આધારિત પ્રશાંત ટીમ પણ અર્થતંત્રના વિકાસ માટે મહત્વનું પાસું બની જશે. એકંદરે આગામી ત્રણ વર્ષમાં ભારતીય અર્થતંત્ર હરણફાળ ભરશે તેવી અપેક્ષા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.