Abtak Media Google News

દરેક શોધની પાછળ વૈજ્ઞાનિક રહસ્ય છૂપાયેલું હોય છે, તો આ નિતનવી વાનગીઓની શોધ પાછળ શું કારણ હશે, એ વિવિધ વાનગીનો આહાર કરી અર્થાત પૂરતો ન્યાય આપી વિચારી જોવું. કંઇ જાણવાં ન મળ્યું. પછી એક વખત ઉપરા ઉ૫રી બે દિવસ ભૂખ્યા રહેવાનું થયું. એ વખતે પ્રથમ પેટમાં અને પછી મનમાં ચમકારો થયો. બે દિવસના ઉપવાસ પછી તો સાવ મોળી ખીચડી પણ સ્વાદિષ્ટ મિષ્ટાન જેવી લાગી. આમ, લોકોને ખરી ભૂખ નથી લાગતી એ સમસ્યા જ વાનગીની શોધ પાછળનું પ્રેરકબળ હશે ? આહાર એ ભલે પેટની જરુરીયાત હોય, જીભનો તો શોખનો વિષય છે ! આ રીતે જ પછી ચટાકેદાર વાનગીઓનો જન્મ થયો હશે. શક્ય છે એની શરુઆત આદિકાળમાં જ્યારે ખોરાક રાંધીને ખાવાનો પ્રારંભ ન થયો હોય એ પહેલાથી થઇ ગઇ હશે. એ વખતે પણ સ્ત્રીઓ તો હશે જ ને ! વળી ગુફાવાસી માનવ ભલે કાચું ખાતો, એમ તો એને ‘ગ્રીનસલાડ’ કહેવાયને !

અને અત્યારે ? માનવીની ઉત્ક્રાંતિ તથા વિકાસની સાથે સાથે આ વાનગીઓનો પણ કેવો વિકાસ થઇ ગયો ! વિવિધ વાનગીઓના સ્વરુપ અને સ્વાદ કેટલાં બદલાયા એ તો સૌ ચાખનારા જાણે, પરંતુ એના નામ પણ યાદ નથી રહેતા. ઠીક છે, વ્હોટ ઇઝ ઇન ધ નેઇમ ? આંખો બંધ કરીને જમીશું તો પણ જે ભાવશે એ જ ભાવશે. અલબત હોટેલમાં તો ‘ડીમલાઇટ’ની પ્રથાને કારણે આંખો બંધ કરવાની તકલીફ પણ નહીં લેવી પડે.

વિશિષ્ટ નામધારી નવી નવી વાનગીઓ જે ઝડપે અસ્તિત્વમાં આવી રહી છે એ ઝડપે આપણાં પાચન અવયવો વિકાસ નથી પામ્યાં, એટલે કે સાવ ‚ઢિચુસ્ત સાબિત થયા છે. જેને હિસાબે સ્વાભાવિક છે તેને સહન કરવાનું પણ આવ્યું છે. આ અલ્ટ્રામોર્ડન યુગમાં જે ‘નવીનતા’ ‘પચાવી’ ન શકે તેણે સહન કરવું જ પડે છે. પછી ભલે તે પેટ હોય ! પછી ‘આહાર એ જ ઔષધ’વાળી ઉક્તિ ખોટી પડે છે અને થઇ જાય છે. ઔષધ એ જ આહાર’ અર્થાત ખોરાક કમ, ઔષધ જ્યાદા લેવા પડે છે.

વિવિધ વાનગી બનાવવા-શિખવવાનો ક્રેઝ ફેશન બની ગયો છે અને ઠેર-ઠેર બિલાડીના ટોપની જેમ કૂંકીગ ક્લાસ ફુટી નીકળ્યા છે. (બિલાડીના ટોપ એટલે કે મશરુમમાંથી બનતી વાનગીઓ પણ અત્યારે હોટ ફેવરીટ છે !)

એક બહેને તેના પડોશી બહેનને પૂછ્યું : ‘આ તમારી નેહા રોજ સ્કૂટર લઇને ક્યાં જાય છે ? કોલેજ તો પૂરી કરીને….?’

તરત પડોશી બહેને જવાબ વાળ્યો, ‘એ છે ને તે કૂકીંગ ક્લાસમાં જાય છે. રાંધવાની આઇટમ શિખવા…..એને છે ને તે ભણતી’તી ત્યારથી ટ્યુશન ક્લાસમાં જતીતી ત્યારથી જ બધું આવડે છે…..હવે કૂકીંગ ક્લાસમાં જાય નહીં તો રસોઇ બનાવતા કેવી રીતે આવડે ?’

પેલા બેને આગળ ચલાવ્યું, ‘પણ આપણે ક્યાં શિખવા ગયા’તા ?’

‘એ જમાનામાં રાંધણકળાના ક્લાસ નહોતા એ આપણી કમનસીબી બીજું શું ?……ને મારી દીકરી મને સ્પષ્ટ કહે છે….મમ્મી તું તો મને પ્રેક્ટિકલ કરાવીશ એટલે કે રસોઇ રાંધીને દેખાડીશ, પરંતુ મારી થિયરીનું શું ? મારે બધું યાદ રાખવા લખવું નહીં પડે ? પાકું નહીં કરવું પડે ?…… રસોઇ કરતા કરતા ગેસ જાય તો શું કરવું ? અડધા લીટર દૂધમાંથી દહીં બનાવવા કેટલા મીલીગ્રામ મેળવણ નાખવું ? વગેરે સવાલોના જવાબ મને લખાવશે ?’

ને પેલા સાંભળનાર બહેન મુંઝાઇને પોતાની પુત્રીને પણ કૂકીંગ ક્લાસમાં મોકલવાનું વિચારતા થઇ ગયા !

ઋષિઓના કુળ ન પૂછાય એમ કહેવાય છે, પરંતુ વાનગીઓના ગોત્ર જાણ્યાં વગર જો આરોગી જઇએ તો એ વાનગીને તો નહીં, પરંતુ તેની કર્તા ગૃહિણીને જરુર ખોટું લાગશે. કેટલા ઉત્સાહથી તેણે શીખીને બનાવી હોય છે ! અને આપણે તે ટીવી જોતા જોતા કે છાપું વાંચતા આરોગી જઇએ અને પછી તેને કહીયે, ‘….આજે કંઇક બીજું નવી બનાવવાની હતીને ? એ આઇટમ ક્યારે આપે છે ?…. પછી મને બહું ભૂખ નહીં રહે હો !’

વાનગીઓના ગોત્રની વાત આગળ વધારીયે….પંજાબી, મદ્રાસી, બંગાળી ઉપરાંત ચાઇનીઝ, મેક્સિકન, ઇટાલીયન જેવી ઇન્ટર કોન્ટિનેટલ આઇટમો. ચીનમાં પણ ચાખવા ન મળે એવી ચાઇનીઝ આઇટમ આપણે બનાવી અને આરોગી જાણીયે છીએ ! હવે વાનગીનું પણ વૈશ્ર્વિકરણ થઇ રહ્યું છે. અહીં સુધી આવતા આવતા વાનગીઓમાં સહેજે પરિવર્તનો તો આવે જ ને ! હાઇબ્રીડ અનાજની જેમ હવે કેટલીક વાનગીઓ પણ વર્ણશંકર બની ગઇ છે. અમુક વાનગીઓએ પોતાનો દેખાવ, અમુકે સ્વાદ અને કેટલીકે પોતાનું પોત ગુમાવી દીધું છે. જો કે દરેક વાનગીમાં તેમાં વપરાતા ખાદ્ય પદાર્થોના પ્રમાણમાં ફેરફાર કરીયે એટલે વધુ એક નવી આઇટમ તૈયાર ! એને કહેવાય વાનગીઓનું ફ્યુઝન.

તમને ખબર છે ? વિજ્ઞાનની ઘણી શોધ અજાણતા થઇ છે. એવી જ રીતે નવી નવી વાનગીઓની શોધ પાછળ કેટલીક વાર ગૃહિણીઓની ભૂલો પણ જવાબદાર હોય છે.

એક પતિએ એની પત્નીને કહ્યું : ‘વાહ, આજે શું સરસ શાક બનાવ્યું છે…..પ્રથમ વખત આવો નવો ટેસ્ટ ચાખવા મળ્યો….કોની પાસેથી શીખી એ તો કહે…’

હકીકતમાં રાતે અડદની દાળ વડા માટે જે તપેલીમાં પલાળેલી હતી તેમાં ભૂલથી શાક વઘારાઇ ગયું હતું. પત્ની સમજી ગઇ. હવે ભૂલ વારંવાર કરવાની હતી !

 

જો કે બીજી શોધની આગળ કે પાછળ તેના શોધકનું નામ લાગે છે, પરંતુ અટપટી વાનગીઓની શોધ સાથે તેની પ્રથમ રચયિતા સ્ત્રીનું નામ નથી લાગતું એ એક કરુણતા છે. (અહીં આપણે એમ ધારી લઇએ છીએ કે ઘરમાં રસોઇ કામ માત્ર સ્ત્રીઓ જ કરે છે.) નહિતર પૂર્વી પેટીસવડા, સગુણાબહેનના શાહી કોફતા, બીના બ્રેડ બટર-સમોસા, રમાબહેનના રાઇસ વીથ પોટેટો ચીપ્સ કે ચંદ્રા ચીલી સમોસા જેવાં નામો રાંધળકળાની દુનિયામાં ઉભરી આવ્યા હતા.

કોઇ શોખીન ધનાઢ્ય પરિવારના જમણવાર પ્રસંગે સંખ્યા અને વેરાયટીની દ્રષ્ટીએ વાનગીઓ આઇટમો જ્યારે બહુ વધુ હોય ત્યારે કેટલાકને મુશ્કેલીઓ ઉભી થાય છે. અમુક આઇટમોના માત્ર દર્શન થઇ શક્યા, પણ વાયા અન્નમાર્ગ થઇ પેટ સુધી પહોંચાડી ન શકાઇ એ માટે પેટની મર્યાદાને ધિક્કારતા કેટલાક ભરપેટે જમીને, ‘હવે મુખવાસ પણ નહીં ચાલે !’ કહી ચાલતા થાય છે. એક મિત્ર શિક્ષક આટલી બધી વાનગીઓ નજર સમક્ષ હોય ત્યારે શું આરોગવું અને શું ન લેવું એ વિશે સ્થળ પર જ ઉંડા ચિંતનમાં ખોવાઇ જાય છે. તેનો આ મનોસંઘર્ષ વધતો જાય છે. પછી એ એટલા ટેન્શનમાં આવી જાય છે કે, આખરે કોઇ નિર્ણય નહીં લઇ શકતા, કોઇ પણ વાનગીને હાથ પણ લગાડ્યા વગર ભૂખ્યા જ ઘરે પાછા ફરે છે. જો કે વિચારોના ધમસાણને કારણે તેની ભૂખનું બાળ મરણ થઇ ગયું હોય છે.

રાંધણકળાને લગતા પુસ્તકો-રેસિપી બુક આજ-કાલ ખૂબ વેચાય છે. ગ્લેઝ પેપર પર આકર્ષક રીતે પ્રિન્ટ થયેલી વાનગીઓના ડિસ્પ્લે ફોટા જોઇને મોંમા પાણી આવી જાય છે. (અને કિંમત જોઇ આંખમાં)બહેનો માટેના સામયિકો તથા અખબારોમાં પણ નીતનવી વાનગીઓને બનાવવાની રીતોનો રીતસર મારો ચલાવવામાં આવે છે. ભરબપોરે (ક્યારેક) જ્યારે સ્ત્રીઓને ઉંધ નથી આવતી હોતી ત્યારે તેઓ આ વાંચે છે. પછી શ‚ થાય છે ‘ઓપરેશન વાનગી’ અર્થાત વાનગી તૈયાર કરવાનું ઘરેલૂં મહાઅભિયાન. આનો સૌ પ્રથમ ભોગ બને છે એના પતિદેવો. ક્યારેય કલ્પના પણ ન કરી હોય એવાં એવાં સ્વાદ અનુભવવા પડે છે એમની બિચારી જીભને ! કોઇકે કહ્યું છે, ‘જીભને જીતે એ જગતને જીતે.’ આ વાક્ય જીભ દ્વારા ગમે તે કટુ વચન બોલાઇ ન જાય તેને માટે કહેવાયું હશે, પરંતુ અહીં ‘મારી રસોઇ પ્રયોગો’ની કર્તા પત્નીની વાનગી જમ્યા પછી પણ સ્થિતપ્રજ્ઞ રહેનાર પતિ માટે આ બંધબેસતું છે.

એક સ્ત્રીઓ માટેના સામયિકના તંત્રીને કોઇક વકીલે પત્ર લખ્યો. એનો સાર આ પ્રકારનો હતો….. ‘તમારા અંકોમાં વાનગીની રીતો સૂચવતા વિભાગો બંધ કરો. એ વાંચીને જે વાનગીઓ મારી પત્ની બનાવવા પ્રયત્ન કરે છે એ તમારે થોડી આરોગવી પડે છે ? ખાવી તો મારે એકલાએ પડે છે…..જો મારા પેટ પર આવા અત્યાચારો ચાલુ રહેશે તો હું તમારા મેગેઝિન વિરુધ્ધ મારી ધર્મપત્નીને ચિત્ર-વિચિત્ર વાનગીઓ બનાવવા માટે ઉશ્કેરવા સબબ તમારા પર કેસ દાખલ કરી દઇશ….’

રેસિપી બુકની એક જાણીતી લેખિકાએ પોતાના એ પુસ્તકો તેના પતિને અર્પણ કર્યા છે. એટલે જ નહીં કે (રાબેતા મુજબ) તેના પતિએ એને રસોઇમાં મદદ કરી હોય, પરંતુ એટલે કે બધી જ વાનગીઓ તેના પતિએ હસતા મોંએ આરોગી છે. આ કંઇ એના પતિની નાનીસૂની સાધના ન કહેવાય. પ્રયોગાત્મક વાનગીઓ ખાવી એ ‘ખાવાનો ખેલ’ થોડો છે !

એક મહિલા મંડળની મુખ્ય પ્રવૃતિ વાનગી સ્પર્ધાનું આયોજન છે. તે અવાર-નવાર વાનગી સ્પર્ધા રાખે છે. તેની સ્પર્ધામાં નિર્ણાયક તરીકે કાયમ જતા એક આહાર નિષ્ણાંત બહેને હવે પુરસ્કારની માંગણી કરી. મહિલા મંડળના પ્રમુખ સંચાલકે તેને એ અંગે સ-આશ્ર્ચર્ય પ્રશ્ન કર્યો. તેના જવાબમાં એ નિર્ણાયક બહેન જરા ચિડાઇને બોલ્યા : ‘…..કેમ ? કેવી કેવી વાનગીઓ મારે એકલા હાથે અર્થાત એકલા મોંએ ચાખવી પડે છે ! મારી સ્થિતિનો સહેજ તો વિચાર કરો !’

‘ જો તમને આ બધું અપ્રિય હોય તો પછી તમે તમારો નિર્ણય કઇ રીતે આપો છો ?’ સંચાલિકા બહેનને વધુ આશ્ર્ચર્ય થયું.

પેલા નિર્ણાયક તરીકે આવતાં બહેને ફટ દઇને જવાબ આપ્યો, ‘વેરી સિમ્પલ, જે ઓછામાં ઓછી બેસ્વાદ હોય એ વાનગીને પ્રથમ ઇનામ !’

આયોજક બહેનનું મોં વિચિત્ર વાનગી ચખાઇ ગઇ હોય એવું કટાણું થઇ ગયું.અને છેલ્લે એક રસપ્રદ સવાલ.

પ્રશ્ન : દવા અને પત્નીએ બનાવેલી વિશિષ્ટ વાનગી વચ્ચે શું સામ્ય છે અને શું તફાવત છે ?

ઉત્તર : સામ્ય : બંનેનો અપ્રિય સ્વાદ.

તફાવત : ટેબ્લેટ ગળી શકાય છે.

જ્યારે વાનગી ખાવી પડે છે !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.