Abtak Media Google News

આપણા રાજકારણીઓ રાજગાદી માટે હજુ કેટલી હદે રઘવાયા બનશે ? રાષ્ટ્રને લજિજત કરતો સવાલ: પદધારીઓની ખૂલ્લેઆમ છતી થઈ પંગૃતા: રાજકીય સીતમ હદવટાવે છે: વિદ્રોહને નિમંત્રણ !

સીતમ જો હદ વટાવે નહિ તો આંદોલન નથી થાતા

(ને,) વિનાકારણ જમાનામાં પરિવર્તન નથી થાતા !

આવું કહેનારાના મોં આડે કોઈ હાથ રાખી શકયા નહોતા.

ગમે તેવા ચમ્મરબંધી પણ સનાતન સત્યનાં મો સામે આડો હાથ રાખી શકે નહિ. ગમે તેવા ભડભાદર શાશ્વત સત્યના મોં સામે આડા હાથ રાખી શકે નહિ.

પ્રજાકીય આંદોલન અને પ્રજા દ્વારા આદરાતા પરિવર્તનની સામે ન તો આડા હાથ રાખી શકે કે ન તો એને અવરોધી શકે. મહારાષ્ટ્રની રાજકીય ઘટનાએ આ સનાતન અને શાશ્વત સત્યનું સ્મરણ કરાવ્યું છે.

ભારતની રાષ્ટ્રીય સંસ્કૃતિનો સુદ્દઢ કિલ્લો મહારાષ્ટ્રના રાજકીય પક્ષો અને પદાધિકારીઓની પંગુતા-ધૃષ્ટતાને કારણે ભૂંડી રીતે તૂટયો છે અને એ ભારતની સતત કમજોર બનતી રહેલી લોકશાહી પર કાળમૂખા કુઠરાઘાત સમો છે.

ભારતના દુર્ભાગ્યની આ કરૂણાભીની ઘટના છે. આપણા વર્તમાન રાજકારણીઓ રાજગાદી માટે અને તેમની સત્તાલોલુપતાને પોષવા માટે કેટલી હદેરઘવાયા બનતા ગયા છે.તેનું આ શરમજનક ઉદાહરણ છે. આ ઘટનામાં પદધારીઓની પંગુતા અને કમજોરી ખૂલ્લા પડયા વિના રહ્યા નથી.

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ આપણા આખા દેશની દિલ્હી પછીની બીજા નંબરની (આર્થિક સ્તરની) રાજધાની છે. રાજગાદી માટેના રાજકીય કાવાદાવાઓની હીનતાએ મહારાષ્ટ્રને રાષ્ટ્રપતિ શાસન ભણી ધકેલ્યું છે.

તાજેતરમાં જ થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ-શિવસેના સહિત કોઈપણ પક્ષને ચોખ્ખી બહુમતી મળી નથી અને ત્રિશંકુ હાલત સર્જાઈ છે.

મહારાષ્ટ્રનો આ રાજકીય મામલો હાલ તો અનિશ્ચિતતાને ઉંબરે ઉભો છે તે સુપ્રીમ કોર્ટ અને કાનૂની લડાઈ સુધી પહોચ્યો છે.

જો રાષ્ટ્રપતિ શાસનને મ્હોર લાગશે તો ત્યાં ફરી ચૂંટણી કરવી પડશે, જંગી નિરર્થક ખર્ચનો બોજો વહન કરવાનો વખત આવશે અને મહારાષ્ટ્રમાં સરકાર રચવાની બાબતમાં સંબંધીત પક્ષોએ જબરી ધમાચકડી કરી હતી અને સમજૂતી સાધવાના અટપટા પ્રયાસો કર્યા હતા.

મહારાષ્ટ્રમાં સરકારની રચનાને લઈને છેલ્લા ૨૦ દિવસથી ચાલી રહેલી ખેંચતાણ બાદ મહારાષ્ટ્રમાં હવે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવામાં આવ્યું હતુ. આગામી સરકારની રચના કરવાની સ્થિતિમાં કોઈ પણ ચિત્ર સ્પષ્ટ પણે ઉભરીને સપાટી ઉપર ન આવતા આખરે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવામાં આવ્યું હતુ. લોકોએ શિવસેનાને અને ભાજપને બહુમતી આપીને સરકાર બનાવવાનીતક આપી હતી પરંતુ મુખ્યમંત્રી પદના મામલે પડેલી ગૂંચ છેલ્લે સુધી રહી હતી.

આ બધુ જાણ્યા પછીએમ કહેવું જ પડે છે કે, આપણા રાજકારણીઓ રાજગાદી માટે બેસુમાર રઘવાયા બન્યા છે, અને તે આપણા દેશને છેક વિદેશ સુધી લજિજત કરે છે.

પદાધિકારીઓ કોઈને કોઈ કારણોસર કમજોર અને પંગુ રહ્યા છે.

રાજકીય સીતમે હદ વટાવીને વિદ્રોહને નિમંત્રણ આપતા હોય એવો ઘાટ ઘડાયો છે.

ભારતની રાષ્ટ્રીય સંસ્કૃતિનો સુદ્દઢ કિલ્લો તૂટયો છે, ને જમીનદોસ્ત થયો છે.

આ કિલ્લાની પ્રથમ ઈંટ મૂકાઈ હશે ત્યારે કોઈ પૂરોહિત કે મૌલવી પાસે મૂર્હૂત જોડાવાયું હશે મંગલદીપ કે ધૂપના શુક્ધ કરાવ્યા હશે. ધામધૂમ પણ થઈ હશે. રાજકીય સાજનમાજનને નિમંત્રાયા હશે. પણ આ કિલ્લાને કોશ-કોદાળી વડે રાજનેતાઓએ આખો દિવસ અતિ ક્રુરતાભર્યા ઘા ઝીંકયા ત્યારે કોઈ જાતની ધામધૂમ નહોતી અને નેતાઓએ મજૂરોની ભૂમિકા ભજવી હતી. અને તે વ્યથાપૂર્ણ હતી ! આ કિલ્લાની પ્રાચીન ભવ્યતા વખતે તેને નિહાળવા માટે ઘણા બધા લોકો હતા એને ખંડેર બનતી નિહાળવા માટે કોઈ નહોતું કિલ્લાની પ્રાચીન ભવ્યતા સામે હાલની પંગુતા અજબ જેવી વામણી બની રહી છે. કોઈપણ ચતુર નેતા પોતાના જ રક્ષણ અને તેની લક્ષ્મીના રક્ષણ માટે રચેલા કિલ્લાને તોડે, પોતાને પ્રકાશ આપતા દીવાને ઓલવે તો એની બુધ્ધિ જ બગડી હોવાનું કહેવાય…!

મહારાષ્ટ્રમાં ઘણા બધા કુશળ લોકોની એક સામટી બુધ્ધિ બગડી છે. અને તેનાં પરિણામ આખા દેશે ભોગવવા પડશે, એ નિર્વિવાદ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.