એવી તે શું નોબત આવી કે વિશ્વના ત્રીજા નંબરના નિકાસકાર વિયતનામે ભારત પાસેથી ચોખા ખરીદવા પડ્યા !!

ભારતના ચોખાની યુરોપ, અમેરિકાથી લઈ દક્ષિણ આફ્રિકા સુધી માંગ: ભારતની વધેલી નિકાસ ખેડૂતોને ફાયદો કરાવશે

સંપૂર્ણ આહારમાં ચોખા-ભાત અને ગુજરાતની ખીચડીનું મહત્વ રહ્યું છે. ભાત વગરની થાળી અધુરી ગણાય છે. ભારતમાં પણ ચોખાનું ઉત્પાદન હવે કાઠુ કાઢતું જતું હોય તેમ વિશ્ર્વનું ત્રીજા નંબરનું નિકાસકાર વિયેતનામ પણ ભારત પાસેથી પ્રથમ વખત ચોખા ખરીદવા જઈ રહ્યું છે. આમ ભારત અગ્રણી નિકાસકારને ચોખાની નિકાસ કરનારો દેશ બની રહ્યો છે. વિયેતનામ વિશ્વનું ત્રીજા નંબરનું સૌથી મોટુ ચોખાનો નિકાસકાર દેશ માનવામાં આવે છે અને તે હવે ભારત પાસેથી અનાજ ખરીદવા જઈ રહ્યું છે. પ્રથમ વખત દાયકાઓ બાદ સ્થાનિક ભાવમાં આવેલો ઉછાળો ૯ વર્ષમાં સૌથી વધુ ગણવામાં આવે છે. તાજેતરમાં જારી થયેલા એક અહેવાલમાં એશિયામાં ચોખાની ખરીદી અંગેના પ્રાપ્ત આંકડામાં ૨૦૨૦માં ચોખાનો ભાવ સૌથી વધુ રહ્યો હતો અને થાઈલેન્ડ અને વિયેતનામ પરનું માગનું ભારણ હવે ભારતમાંથી ચોખા ખરીદીને ઓછુ કરવામાં આવશે.ભારતના વેપારીઓ ૭૦ હજાર ટનની ૧૦૦ ટકા નિકાસ જાન્યુઆરી, ફેબ્રુઆરી મહિનામાં ૩૧૦ ડોલર પ્રતિ ટનના ભાવે કરવાનું જાણવા મળ્યું છે. પ્રથમ વખત વિયેતનામ કે જે વિશ્વનું સૌથી મોટુ ત્રીજા નંબરનું નિકાસકાર દેશ ગણાય છે તે ભારત પાસેથી ચોખા ખરીદશે. ફીલીપાઈન્સ વિયેતનામ પાસેથી ૯ વર્ષના સૌથી ઉંચા ભાવે ચોખાની ખરીદી કરી રહ્યું છે. વિયેતનામ ૫ ટકાની દલાલી સાથે ૫૦૦ થી ૫૦૫ ડોલરના ભાવે ચોખાની ખરીદી કરવા તૈયાર થયું છે. ભારતમાં ચોખાના ભાવ ટનના ૩૮૧ થી ૩૮૭ ડોલર રહેવા પામે છે. ભારતમાંથી વિયેતનામ ચોખાની થનારી નિકાસના પગલે ભારતમાં ચોખાના ભાવો વધશે અને તેનો સીધો ફાયદો ખેડૂતોને થશે. કોરોના કટોકટીમાં પુરવઠો અને ખેડૂતોની આવકમાં ઘટાડાના પગલે વિશ્વ બેંકે પણ આ ક્ષેત્રને વધુ સવલતરૂપ બનાવવા અભિગમ અપનાવ્યો હતો. વેપારીઓના જણાવ્યા મુજબ મહામારીના પગલે વિયેતનામ જેવા દેશોમાં ચોખાની માંગ વધી છે. ચોખાની જાત-કજાત અને તેની ગુણવત્તાના પરિબળો આયાત અને નિકાસ માટે મહત્વના બની રહે છે. ભારતમાં સાડા ત્રણ થી સવા છ મીલીયન ટનની ૨૦૨૦માં નિકાસ થઈ હતી. એશિયા અને આફ્રિકાના દેશોમાં પણ ભારતના ચોખાની માંગ વધી છે. ઓલમ ઈન્ડિયા રાઈસ બિઝનેશના નિતીન ગુપ્તાએ જણાવ્યું હતું કે, વિયેતનામ હજુ વધુ ખરીદી કરશે. ડિસેમ્બર મહિનામાં વિશ્વનો સૌથી મોટો ચોખાનો આયાતકાર ચીને પણ પ્રથમ વખત ત્રણ દાયકામાં પહેલીવાર ભારત પાસેથી ચોખા લેવાનું શરૂ કર્યું છે, તે અત્યાર સુધી થાઈલેન્ડ, મ્યાનમાર અને વિયેતનામ પાસેથી ચોખા ખરીદતું હતું. ૨૦૨૦માં ભારતે વિક્રમ જનક ૧૪ મીલીયન ટન ચોખાની નિકાસ કરી હતી.

Loading...