Abtak Media Google News

કાદવ કાંડનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસ ફરિયાદ નોંધાતા આરોપી ધારાસભ્ય તેના બે કાર્યકર્તાઓ સાથે પોલીસ સ્ટેશનમાં સામેથી રજૂ થયા

ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાસ વિજય વર્ગીયના ધારાસભ્ય પુત્ર આકાશ વર્ગીએ તાજેતરમાં ઈન્દોર મહાનગરપાલીકાના અધિકારીને જાહેરમાં બેટથી મારમાર્યાની શાહી સુકાય નથી ત્યાં મહારાષ્ટ્ર કોંગ્રેસના પૂર્વ સી.એમ. નારાયણ રાણેના ધારાસભ્ય પુત્ર નિતેશ રાણેએ એક એન્જીનીયર પર કાદવ ફેંકીને પૂલ સાથે બાંધીને મારમાર્યાનું બહાર આવવા પામ્યું છે. આ અંગેનો વિડિયો વાયરલ થતા રાણેના આ કૃત્ય બદલ ઠેર ઠેર ફીટકાર વરસવા લાગ્યો હતો. જે બાદ આ અંગે પોલીસ ફરિયાદ થતા નિતેશ રાણે પોતાના બે કાર્યકરો સાથે પોલીસ સમક્ષ રજૂ થઈ ગયા હતા.

મુંબઈમાં તાજેતરમાં સતત પાંચ દિવસ સુધી પડેલા ભારે વરસાદના કારણે મુંબઈ-ગોવાહાઈવે પર મોટા પ્રમાણમાં ખાડાઓ અને કાદવ એકઠો થઈ ગયો હતો જેના કારણે વાહન ચાલકોને ભારે હેરાનગતી ભોગવવી પડતી હતી. આટલા મોટા પ્રમાણમાં ખાડા પડયા છતા તેને પૂરવા માટે તંત્રએ કોઈ પગલા ભર્યા ન હોય ઉશ્કેરાયેલા ધારાસભ્ય નિતેશ રાણેએ હાઈવે પર મુલાકાત લઈને ડેપ્યુટી એન્જીનીયર પ્રકાશ શેડેકર પર કાદવ ભરેલી ડોલ નાખી હતી જે બાદ શેડેકરને ગડ નદીના પુલ સાથે બાંધીને ગાળો ભાંડી હતી. આ બનાવનો વિડિયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી હતી.

આ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા તાજેતરમાં ભાજપમાં ભળેલા અને ભાજપની ટીકીટ પર રાજયસભામા સાંસદ બનેલા પૂર્વ સી.એમ.નારાયણ રાણે પોતાના પુત્રના આ બનાવને વખોડી કાઢ્યો હતો. જે બાદ નિતિશ રાણેએ પોતાના બે કાર્યકર, સાથે પોલીસ સ્ટેશનમાં સામેથી રજૂ થયા હતા. પોલીસે તેમની ધરપકડ કરી છે. આ ત્રણેયને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવનારા હોવાનું જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.