Abtak Media Google News

આ આદર્શોને સ્વીકારવા જીવન કૌશલ્ય અગત્યની ભૂમિકા ભજવે છે. શાળાઓએ આ જવાબદારી નિભાવવાની છે, કે જેથી વિદ્યાર્થીઓ જવાબદાર, રક્ષક, કાર્યદક્ષ અને સમાજના વિકાસમાં ફાળો આપતાં નાગરીક તરીકે વિકસાવી શકાય, જીવનમાં આગળ વધવા જીવન કૌશલ્ય શિક્ષણ અતિ મહત્વનું છે.

જીવન કૌશલ્ય શિક્ષણ અનુભવલક્ષી હોવું જરૂરી છે. કારણ કે વાંચેલા, સાંભળેલા, અથવા જોઇને સમજેલા શિક્ષણ કરતાં જાતે અનુભવેલા શિક્ષણની અસર માનવીના મગજ ઉપર સૌથી વધારે રહે છે

જીવન કૌશલ્ય શિક્ષણ એટલે – જીવનમાં આગળ વધવા માટે, સફળ, સુન્મય શાંતિમય અને સ્વસ્થ જીવન ઘડતર માટે અને સતત વિકાસશીલ રહેવા માટે જરૂરી એવા કૌશલ્યો જીવનશૈલીમાં ઊતારતું શિક્ષણ, આ એક એવો પ્રયાસ છે. જેના દ્વારા એક એવી વ્યવસ્થા પ્રસ્થાપિત થાય કે જીવન કૌશલ્યોનું માર્ગદર્શન અને કેળવણીના પૂરતા સ્ત્રોત પૂરા પાડી શકાય, આ શિક્ષણનો હેતુ એ છે, કે વિઘાર્થીઓ બાળપણથી જ જીવનકૌશલ્યોને તેમની સમજણશકિતમાં ઉતારીને વર્તનમાં મૂકતાં શીખે, અને પોતાની અંગત, સામાજીક અને દુન્યવી રીતે કાળજીપૂર્વકના આયોજન દ્વારા સતત વિકાસ પામતા રહે વળી, તેઓ તેમની શારીરિક અને માનસિક ક્ષમતાઓનો વધુમાં વધુ ઉપયોગ કરીને વ્યકિતત્વનો સર્વાગી વિકાસ સાધે

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા દસ મૂળભૂત જીવનકૌશલ્યોની વ્યાખ્યા અને સંદર્ભ આપવામાં આવ્યો છે જે આ પ્રમાણ: છે. (WHO,૧૯૯૭)

જીવનકૌશલ્યો એટલે એવાં કૌશલ્યો/ શકિતઓ/ આવડતો કે જે વ્યકિતને રોજીંદા જીવનના પડકારોને હકારાત્મકતાથી ઝીલવા અને દૈનિક જીવનની જરૂરિયાતોને કુશળતાપૂર્વક પૂર્ણ કરવા માટે સક્ષમ બનાવે છે. WHO એ તારવેલા આવાં મહત્વપૂર્ણ કૌશલ્યો નીચે મુજબ છે.

  1. સ્વજાગૃતિ
  2. સમાનુભૂતિ / પરાનુભૂતિ
  3. સમસ્યા ઉકેલ
  4. નિર્ણયશકિત
  5. અસરકારક પ્રત્યાયન
  6. આંતરમાનવીય વ્યવહાર
  7. સર્જનાત્મક ચિંતન
  8. વિવેયનાત્મક ચિંતન
  9. સંવેગાનુકૂલન
  10. તનાવ અનુકૂલન

હવે આપણે આ જીવન કૌશલ્યો વિશે ટૂંકમાં સમજ કેળવીએ.

(૧) સ્વજાગૃતિ

જેમાં આપણી જાત, ચારિત્ર્ય, શકિતઓ અને મર્યાદાઓ (નબળાઇઓ), ઇચ્છાઓ (અભિલાષાઓ) અને અણગમતી બાબતો વિશેની સ્પષ્ટ જાણકારી હોવી જેવી બાબતોનો સમાવેશ થાય છે. ટૂંકમાં સ્વની સાચી ઓળખ એટલે સ્વજાગૃતિ

(ર) સમાનુભૂતિ/ પરાનુભૂતિ

આ એક એવું કૌશલ્ય છે કે જેના થકે આપણે અન્યની પરિસ્થિતિથી વાકેફ ન હોવા છતાં પણ તેના જીવનની પરિસ્થિતિ વિશેની અનુભૂતિ કરી શકીએ છીએ, જે આપણી જાત કરતાં તદ્દન ભિત્ર હોવા છતાં  પણ અન્યની વર્તણૂંકને સમજવા અને સ્વીકારવા માટે આપણને મદદરૂપ થાય છે.

(૩) સમસ્યા ઉકેલ

જેમાં વ્યકિત કોઇ એક ચોકકસ સમસ્યાના સંદર્ભમાં તેના શકય વિકલ્પોમાંથી સર્વશ્રેષ્ઠ વિકલ્પની પસંદગી કરે છે. અને ગમે તેટલા અવરોધો  છતાં યોગ્ય હકારાત્મક ઉકેલ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ચોકકસ કાર્યપઘ્ધતિને અનુસરે છે.

(૪) નિર્ણયશકિત

આ મૂલવણીની એક એવી પ્રક્રિયા છે કે જેમાં વ્યકિત કોઇ ઘટના/બાબત માટેના શકય/ પ્રાપ્ત વિકલ્પો અને તે માટે લેવાનાર જુદા જુદા નિર્ણયોની તે બાબત પર પડનારી શકય અસરો વિશે વિચારે છે.

(પ) અસરકારક પ્રત્યાયન

આ કૌશલ્ય દ્વારા વ્યકિત અસરકારક રીતે પોતાના વિચારોને શાબ્દિક કે અશાબ્દિક રીતે અભિવ્યકત કરે છે.

(૬)આંતરમાનવીય વ્યવહાર

આ એક એવું કોશલ્ય છે, કે આપણને આપણા અન્ય સાથેનો સંબંધોને સારી રીતે સમજવામાં અને તેને હકારાત્મક રીતે વિકસાવવામાં મદદરૂપ થાય છે.

(૭) સર્જનાત્મક ચિંતન

આ કૌશલ્ય આપણને આપણા પ્રત્યક્ષ અનુભવો અને અન્ય બાબતો અંગે સર્વસામાન્ય કે ચીલાચાલુ કરતાં કંઇક નવાં જ દ્રષ્ટિકોણથી વિચારવાનું સામર્થ્ય પૂરું પાડે છે.

(૮) વિવેચનાત્મક ચિંતન

આ કૌશલ્ય દ્વારા વ્યકિત હેતુઓને ઘ્યાનમાં રાખીને સંપૂર્ણ માહિતી અને અનુભવોનું વિશ્ર્લેષણ કરી શકે છે/ ઝીણવટપૂર્વક તપાસી શકે છે.

(૯) સંવેગાનુકૂલન

જેમાં પોતાની અને અન્યની લાગણીઓને ઓળખવી, સમજવી, તેની વર્તણૂંક પર થતી / થનાર અસરો વિશે જાણવું અને લાગણીઓના આવેગ સામે યોગ્ય પ્રતિભાવ આપવા સક્ષમ બનવું, વગેરે જેવી બાબતોનો સમાવેશ થાય છે.

(૧૦) તનાવઅનુકૂલન

જેમાં આપણા જીવનમાં તનાવ ઉત્પન્ન થવાના કારણો (સ્ત્રોતો) વિશે જાણવું, તેની આપણા પર થતી અસરો વિશે સમજવું, અને તનાવ પર નિયંત્રણ મેળવી શકાય તેવી વિવિધ રીતે વર્તવું- જેવી બાબતોનો સમાવેશ થાય છે.

ઉપરોકત કૌશલ્યો વ્યકિતના વિચારો, લાગણીઓ અને વર્તનના સંદર્ભમાં એકબીજા સાથે સંકળાયેલાં છે. આ કૌશલ્યો એક યા બીજી રીતે હસ્તગત થતાં જ વ્યકિતત્વ અને સામાર્થ્યનો વિકાસ થાય છે. પરિણામે માનવજીવન ઉન્નત બને છે. જીવન કૌશલ્ય શિક્ષણ અનુભવલક્ષી હોવું જરૂરી છે. કારણ કે વાંચેલા, સાંભળેલા અથવા જોઇને સમજેલા શિક્ષણ કરતાં જાતે અનુભવેલા શિક્ષણની અસર માનવીના મગજ ઉપર સૌથી વધારે રહે છે. તે માટે જીવન કૌશલ્ય શિક્ષણ પ્રાયોગિક શિક્ષણ વ્યવસ્થા દ્વારા આપવું જરૂરી બને છે. જેમાં ચર્ચા વિચારણા, અનુભવની સ્વતંત્રતા, અનુભવોના પરિણામોના પ્રત્યાધાતો અને તેનું વિશ્ર્લેષણ તથા વાસ્તવિક જીવન સાથે જીવન કૌશલ્યોનો સીધો સંબંધ વિઘાર્થીઓને સમજાવવો જરૂરી છે. જીવન કૌશલ્ય શિક્ષણ એ માત્ર મૂલ્યો અથવા સુવિચારોને ઠોકી બેસાડતું શિક્ષણ નથી પણ એ એક એવી વ્યવસ્થા છે કે, જે જરૂરી કૌશલ્યોનું વિઘાર્થીઓના જીવનમાં વાસ્તવિક રીતે સિંચન કરીને તેમની શકિતઓ જાગૃત કરે છે.યુનેસ્કોના ૧૯૯૬ના અહેવાલ મુજબ શિક્ષણના ચાર આધારસ્તંભ છે. ભણતર/ જ્ઞાન, પ્રવૃત્તિ, સહઅસ્તિત્વ અને માનવીપણું આ આદર્શોને સ્વીકારવામાં જીવન કૌશલ્ય અગત્યની ભૂમિકા ભજવે છે. શાળાઓમાં આપણે આ જવાબદારી નિભાવવાની છે. કે જેથી વિઘાર્થીઓને જવાબદાર, રક્ષક, કાર્યદક્ષ અને સમાજના વિકાસમાં ફાળો આપતાં નાગરીક તરીકે વિકસાવી શકાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.