Abtak Media Google News

વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરતળે સૌરાષ્ટ્રમાં છુટાછવાયા વિસ્તારોમાં કમોસમી વરસાદની સંભાવના

સપ્તાહમાં સતત બીજી વખત વાતાવરણમાં પલટો આવતા શીયાળુ પાકને નુકશાની: ખેડૂતોની હાલત કફોડી: કાલથી ફરી ઠંડીનું જોર વધશે

એક સપ્તાહમાં બીજી વખત સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરતળે સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં આજે સવારથી વાદળ છાંયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. અમુક વિસ્તારોમાં છુટા છવાયા કમોસમી વરસાદની શકયતા પણ હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. આજે વહેલી સવારે અમદાવાદમાં અનેક સ્થળોએ અને બનાસકાંઠામાં ઝરમર વરસાદ વરસ્યો હતો. વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસર ઓસરતા અને આકાશમાંથી વાદળાનું આવરણ હટતા કાલથી ફરી રાજયમાં ઠંડીનું જોર વધે તેવી શકયતા જણાય રહી છે.

શનિવારે મધરાતથી રાજયભરમાં વાતાવરણમાં પલ્ટો આવી ગયો છે. શનિવારે મોડી રાત્રે રાજકોટમાં છાંટા પડયા હતા જેના કારણે વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી જવા પામી હતી. ગઈકાલે સવારે પણ વાદળ છાયું વાતાવરણ જોવા મળ્યું હતું. રાજયભરમાં વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરના કારણે આજે અમદાવાદ અને સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના જણાય રહી છે.

આજે સવારે અમદાવાદના અમુક વિસ્તારોમાં અને બનાસકાંઠામાં વરસાદ પડયો હતો. ગત સોમવારે રાજયમાં કમોસમી વરસાદ બાદ બીજી વખત વાતાવરણમાં પલ્ટો આવી જતા શિયાળુ પાકને વ્યાપક નુકશાનીની ભીતિ વ્યકત કરવામાં આવી છે. જેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે.

વરસાદના કારણે ખેતરોમાં ઉભા પાકનું નિકંદન નિકળી રહ્યું છે. જો કે, ગત સપ્તાહે પડેલા કમોસમી વરસાદ બાદ રાજય સરકારે એવી જાહેરાત કરી હતી. કે માવઠામાં થયેલી નુકશાનીમાં ખેડૂતોને પુરતુ વળતર ચૂકવવામાં આવશે.

હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર આજે રાજકોટનું લઘુતમ તાપમાન ૧૭.૮ ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતું. એક જ દિવસમાં તાપમાનનો પારો ૩ ડિગ્રી સુધી નીચો પટકાતા ઠંડીનું જોર વધ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૫ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૮ કિ.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી.

આજે વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરતળે સૌરાષ્ટ્રમાં છુટાછવાયા વિસ્તારોમાં કમોસમી વરસાદની સંભાવના રહેલી છે. આવતીકાલે વાતાવરણ કલીયર થઈ જશે અને આકાશમાંથી વાદળોનું આવરણ હટતાની સાથે જ ફરી કડકડતી ઠંડીનો દોર થઈ જશે. કાલે તાપમાનમાં વધુ ૨ થી ૩ ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના જણાય રહી છે.

જમ્મુ-કાશ્મીરમાં બરફ વર્ષાને કારણે ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે. ચાલુ વર્ષે શિયાળાની સીઝન જમાવટ લેતી નથી. સપ્તાહમાં બે વખત કમોસમી વરસાદના કારણે વાતાવરણ ખુબજ ડિસ્ટર્બ થયું છે અને ખેડૂતોને પણ ભારે નુકશાની સહન કરવી પડી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.