Abtak Media Google News

ટોસ જીતી ન્યુઝીલેન્ડે ભારતને બેટીંગમાં ઉતાર્યું: પૂજારા, પૃથ્વી શો, વિરાટ કોહલી અને હનુમા વિહારી ફેઈલ: પ્રથમ દિવસે માત્ર ૫૫ ઓવર ફેંકાઈ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજથી વેલિંગ્ટન ખાતે શરૂ થયેલી પ્રથમ ટેસ્ટમાં વરસાદનું વિઘ્ન આવ્યું છે. જેના કારણે પ્રથમ દિવસે માત્ર ૫૫ ઓવરની જ રમત શકય બની શકી હતી. ન્યુઝીલેન્ડના સુકાનીએ ટોસ જીતી ભારતને પ્રથમ બેટીંગ માટે આમંત્રણ આપ્યું હતું. ઓપનર પૃથ્વી શો, ટીમ ઈન્ડિયાની દીવાર ચેતેશ્ર્વર પૂજારા, સુકાની વિરાટ કોહલી અને હનુમા વિહારી સસ્તામાં પેવેલીયન ભેગા થઈ ગયા હતા. પ્રથમ દિવસની રમત અટકાવવામાં આવી ત્યારે ભારતની અડધી ટીમ માત્ર ૧૨૨ રનમાં જ પેવેલીયન ભેગી થઈ ગઈ છે. અંજીકય રહાણે અને રિષભ પંત હાલ ક્રિઝ પર છે.

વેલિંગ્ટન ખાતે આજથી શરૂ થયેલી પ્રથમ ટેસ્ટમાં ન્યુઝીલેન્ડના સુકાની કેન વિલીયમસને ટોસ જીતી ભારતને પ્રથમ બેટીંગ માટે ઉતારી હતી. આજે પૃથ્વી શો અને મયંક અગ્રવાલની જોડીએ ભારતના દાવની શરૂઆત કરી હતી. સ્કોર બોર્ડ પર માત્ર ૧૬ રન જ નોંધાયા હતા ત્યારે પૃથ્વી શો પેવેલીયન તરફ પરત ફર્યો હતો. આ વિકેટની કળ વળે તે પૂર્વે જ ટીમ ઈન્ડિયાની ધી વોલ મનાતો ચેતેશ્ર્વર પૂજારા અંગત ૧૧ રને આઉટ થઈ ગયો હતો. સ્કોરબાર્ડ પર માત્ર ૪૦ રન નોંધાયા હતા. ત્યારે સુકાની વિરાટ કોહલી માત્ર ૨ રન બનાવી પેવેલીયનમાં પરત ફરતા ભારતીય ખેમામાં સન્નાટો છવાઈ ગયો હતો. જો કે ત્યારબાદ મયંક અગ્રવાલ અને અંજીકય રહાણેની જોડીએ ભારતનો રકાશ ખાળવાની કાશીષ કરી હતી. ટીમનો સ્કોર ૮૮ રન પહોંચ્યો ત્યારે મયંક અગ્રવાલ ૩૪ રને આઉટ થઈ ગયો હતો. હનુમા વિહારી પણ ૭ રન બનાવી પેવેલીયનમાં પરત ફરતા માત્ર ૧૦૧ રનમાં ભારતની ૫ વિકેટ ધરાશાયી થઈ હતી. જો કે ત્યારબાદ વિકેટકિટર-બેટ્સમેન રિષભ પંત અને અંજીકય રહાણેની જોડીએ ભારતીય ટીમને વધુ નુકશાન થતું અટકાવ્યું હતું. બન્ને વચ્ચે છઠ્ઠી વિકેટ માટે ૨૧ રનની પાર્ટનરશીપ નોંધાઈ છે. ટીમનો સ્કોર ૫૫ ઓવરમાં ૫ વિકેટના ભોગે ૧૨૨ રને પહોંચ્યો ત્યારે મેઘરાજાનું આગમન થતાં રમત રોકવાની ફરજ પડી હતી. જો કે, ત્યારબાદ વરસાદ સતત ચાલુ રહેતા ફિલ્ડ અમ્પાયરે પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસની રમત પૂર્ણ થઈ ગઈ હોવાનું જાહેર કર્યું હતું. પ્રથમ દિવસે માત્ર ૫૫ ઓવરની જ રમત શકય બની હતી. ભારતે ૫ વિકેટનો ભોગે ૧૨૨ રન બનાવી લીધા છે.  અંજીકય રહાણે ૩૪ અને રિષભ પંત ૧૦ રન સાથે મેદાનમાં છે. આ જોડી પર જ ભારતીય ટીમનો મદાર છે. જો આ જોડી વચ્ચે સારી પાર્ટનરશીપ નોંધાશે તો જ ભારત ન્યુઝીલેન્ડને ટેસ્ટમાં ટક્કર આપવા માટે સક્ષમ બનશે. જો કાલે શરૂઆતમાં જ આ બેમાંથી કોઈ એક બેટ્સમેન આઉટ થશે તો ભારતીય ટીમની પ્રથમ ઈનીંગ નજીવા સ્કોરે સમેટાઈ જશે તે ફાઈનલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી ટ્વેન્ટી-૨૦ શ્રેણીમાં વિરાટ સેનાએ ન્યુઝીલેન્ડને ૫-૦થી પરાજય આપ્યો હતો. જો કે વન-ડે શ્રેણીમાં વળતો પ્રહાર કરતા ક્વિઝ ટીમે ભારતને ૩-૦થી કલીન સ્વીપ કર્યું હતું. બે ટેસ્ટની શ્રેણીનો પ્રથમ ટેસ્ટમાં પ્રથમ દિવસે વરસાદનું વિઘ્ન આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.