Abtak Media Google News

ટૂંકાગાળાના લગ્ન ગ્રુપ બુકિંગ સ્પે. સર્વિસ થકી જ રૂ.૮.૩૨ લાખથી વધુની આવક થઈ: લગ્નગાળામાં સૌથી વધુ બસોના બુકિંગ રાજકોટ ડેપોમાં થયા

તાજેતરમાં ફૂલ લગ્નગાળાની સીઝન હતી. આ લગ્નગાળો રાજકોટ એસટી વિભાગને ખૂબજ ફળ્યો છે અને છેલ્લા ત્રણ માસ દરમિયાન રાજકોટ એસટી વિભાગને રેગ્યુલર આવક ઉપરાંત તાજેતરમાં જ સરકાર દ્વારા રજૂ કરાયેલી ટૂંકાગાળાની લગ્ન ટ્રીપોની બુકિંગ સર્વિસના કારણે પણ રાજકોટ એસટી વિભાગને સારી એવી આવક પ્રાપ્ત થવા પામી હોવાની રાજકોટ એસટી વિભાગના સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

આ અંગેની રાજકોટ એસટી વિભાગના સૂત્રોમાંથી મળતી વધુ વિગતો મુજબ ગત ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને ચાલુ માર્ચ માસ દરમિયાન રાજકોટ એસટી વિભાગને ટૂંકાગાળાની લગ્નની ગ્રુપ બુકિંગ સ્પેશ્યલ સર્વિસ થકી છેલ્લા ત્રણ માસ દરમિયાન રૂ.૮.૩૨ લાખથી વધુની આવક પ્રાપ્ત થવા પામી છે. આ અંગેની પ્રાપ્ત વધુ વિગતો મુજબ ગત ડિસેમ્બર દરમિયાન ચોટીલા, ધ્રાંગધ્રા, ગોંડલ, જસદણ, લીંબડી, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર અને વાંકાનેર ડેપોમાં લગ્નગાળા માટે ૭૧ બસોનું બુકિંગ થયું હતું અને ડિસેમ્બર દરમિયાન ઉપરોકત તમામ ડેપોને કુલ મળી રૂ.૧,૮૧,૨૦૦ની આવક થઈ હતી. આ ઉપરાંત જાન્યુઆરી માસ દરમિયાન ઉપરોકત તમામ ડેપોમાં ૧૧૧ બસોનું બુકિંગ થયું હતું અને ૨,૮૨,૭૦૦ રૂપિયાની આવક થવા પામી હતી.

તેમજ ગત ફેબ્રુઆરી માસ દરમિયાન ઉપરોકત તમામ ડેપોમાં ૧૧૧ બસોનું લગ્નગાળા માટે બુકિંગ થયું હતું અને ૩.૦૪ લાખથી વધુની આવક પ્રાપ્ત થઈ હતી. જયારે ચાલુ માર્ચ માસ દરમિયાન લગ્નગાળા માટે ૨૫ બસોનું બુકિંગ થયું હતું અને ‚ા.૬૫ હજારથી વધુની આવક પ્રાપ્ત થઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ છેલ્લા ત્રણથી સાડા ત્રણ માસ દરમિયાન સૌથી વધુ બસોનું બુકિંગ રાજકોટ એસટી ડેપોમાં થયું હતું. રાજકોટ એસટી ડેપોમાં લગ્નો માટે ગત ડિસેમ્બરમાં ૫૭ જાન્યુઆરીમાં ૫૮, ફેબ્રુઆરીમાં ૪૩ અને ચાલુ માર્ચ માસ દરમિયાન ૫ બસોનું બુકિંગ થયું હતું.

રાજકોટથી પુના બસ સર્વિસ રેગ્યુલર થઈ મહારાષ્ટ્ર આરટીઓમાંથી પુના સુધીની પરમીટ મળી ગઈ અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ રાજકોટ એસટી વિભાગ દ્વારા રાજકોટથી પુનાની સ્પેશ્યલ વોલ્વો સ્લીપર બસ સર્વિસ શરૂ કરવામાં આવી હતી. જો કે, મહારાષ્ટ્ર આરટીઓમાંથી પરમીટ મળી ન હોય આ બસ છેલ્લા કેટલાક દિવસોથી વાપી સુધી દોડતી હતી. જો કે, રાજકોટ એસટી વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ બે દિવસ પહેલા જ મહારાષ્ટ્ર આરટીઓમાંથી પરમીટ મળી ગઈ છે આથી હવે રાજકોટથી ડાયરેકટ પુનાની બસ સર્વિસ શરૂ કરી દેવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.