અમને રાશન નથી મળતું: કલેકટર કચેરીએ ઉમટી પડેલા ટોળાએ મચાવ્યો દેકારો

104

સરકારની રાશનકાર્ડ ઉપર અનાજનો જથ્થો આપવાની જાહેરાત બાદ ગેરસમજણને લીધે ઉહાપોહ

રાશનકાર્ડ ઉપર લોકોને વિનામુલ્યે અનાજ આપવાની સરકારની જાહેરાત બાદ આજથી આ પ્રક્રિયા શરૂ થતાં લોકોના ટોળે-ટોળા સસ્તા અનાજની દુકાને પહોંચી ગયા હતા. જેથી સસ્તા અનાજના દુકાનદારોએ અનાજ આપવાની ના પાડતા કલેકટર કચેરી ખાતે ટોળા પહોંચ્યા હતા. જો કે બાદમાં પોલીસની સમજાવટથી મામલો થાળે પડ્યો હતો અને ટોળાની ઘરવાપસી થઈ હતી. જો કે, આ સમગ્ર ઉહાપો ગેરસમજણના કારણે થયો હોવાનું સામે આવી રહ્યું છે.

સરકાર દ્વારા લોકડાઉનના પગલે કોઈ જરૂરીયાતમંદોને હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે રાશનકાર્ડ ઉપર વિનામુલ્યે અનાજ આપવાનું જાહેર કરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયા આજથી શરૂ થઈ છે. તમામ સસ્તા અનાજની દુકાનોમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે અનાજ આપવામાં આવી રહ્યું છે. આ દરમિયાન ઘણા લોકોને અનાજ ન મળતા તેઓએ કલેકટર કચેરી ખાતે પહોંચીને હોબાળો મચાવ્યો હતો. ત્યારે આ વેળાએ ઉપસ્થિત ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજાએ પોતાની આગવી કુનેહથી લોકોને સમજાવીને ઘરવાપસી કરાવી હતી. જો કે, આ સમગ્ર હોબાળો ગેરસમજણના કારણે સર્જાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

જે લોકોને નિયમીત અનાજ મળે છે તે જ લોકોને હાલ તંત્ર દ્વારા વિનામુલ્યે અનાજ આપવામાં આવનાર છે. જે લોકોને નિયમીત અનાજ મળતું નથી તે લોકો પણ આજે ગેરસમજણને લીધે સસ્તા અનાજની દુકાનોમાં અનાજ લેવા પહોંચી જતાં ઉહાપો મચ્યો હતો.

ભીડ એકત્રીત ન થાય તે માટે તમામ દુકાનદારોને સુચના અપાઈ: નરેન્દ્ર ડવ

આ તકે રાજકોટ સસ્તા અનાજ દુકાન એસોસીએશનના પ્રમુખ નરેન્દ્ર ડવે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સમગ્ર રાજકોટ શહેરમાં કુલ ૨૧૫ દુકાનો આવેલી છે. જેમાંથી ફકત ૩૨ને બાદ કરતા તમામ દુકાનોમાં પુરતો જથ્થો ઉપલબ્ધ કરી દેવામાં આવ્યો છે. તમામ દુકાનો ખાતે હાલ વિતરણ શરૂ થઈ ચૂકયું છે. ત્યારે બીપીએલ અને અંત્યોદય કક્ષાના લોકોને નિર્ધારીત જથ્થો આપવામાં આવી રહ્યો છે. વ્યવસ્થા ખોરવાઈ નહીં તે માટે તમામ લોકોને ટોકન આપી નિયત સમય મર્યાદામાં આવવાનું સુચન કરવામાં આવ્યું છે. ગત રાત્રીના સમયમાં જ મેં સમગ્ર એસો.માં ટોકન આપવાની વાત મુકી હતી જે અનુસાર તમામ દુકાનોદારો હાલ ટોકન આપી ભીડ એકત્રીત ન થાય તેનું ધ્યાન રાખી રહ્યાં છે. તેમજ તંત્ર દ્વારા પોલીસ કર્મીઓ પણ તૈનાત કરવામાં આવ્યા છે.

તેમણે ભીડ એકત્રીત થવા પર જણાવ્યું હતું કે, તમામ દુકાન ધારકોને સુચના આપવામાં આવી છે તેમ છતાં જો કોઈ ગેર વ્યવસ્થા સર્જાય તો તેના માટે દુકાનદાર પોતે જવાબદાર રહેશે અને જો અમારા ધ્યાને પણ કોઈ ફરિયાદ આવશે તો અમે તાત્કાલીક ધોરણે તેનો નિકાલ કરવાનો પ્રયત્ન કરીશું તેમજ તંત્રનું ધ્યાન પણ દોરીશું.

ત્રણ દિવસ પછી રાશનકાર્ડ ન ધરાવતા હોય તેવા જરૂરીયાતમંદોને પણ અનાજ અપાશે: જયેશ રાદડીયા

અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડીયાએ જણાવ્યું હતું કે, જે લોકોને નિયમીતપણે અનાજ મળે છે તેઓને વિનામુલ્યે અનાજનો લાભ મળવાનો છે. વધુમાં તેમણે ઉમેર્યું કે, ત્રણ દિવસ પછી તંત્ર દ્વારા રાશનકાર્ડ ન ધરાવતા હોય તેવા જરૂરીયાતમંદોનો સર્વે હાથ ધરવામાં આવશે. બાદમાં જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ આ જરૂરીયાતમંદોને અનાજનો જથ્થો આપવામાં આવશે. જેમાં પરપ્રાંતિયો, સ્થાનિક જરૂરીયાતમંદો સહિતનો સમાવેશ કરવામાં આવશે.

જેમને નિયમિત અનાજ મળે છે તેમને જ વિનામુલ્યે અનાજ મળશે: પુરવઠા વિભાગની સ્પષ્ટતા

પુરવઠા વિભાગે જાહેર કર્યા મુજબ જે લોકોને નિયમીત રાશનકાર્ડ પર અનાજનો જથ્થો મળે છે તેમને જ લોકડાઉન દરમિયાન વિનામુલ્યે અનાજનો જથ્થો આપવામાં આવનાર છે. એપીએલ-૧માં ઘણા એવા લોકોનો સમાવેશ થાય છે. જે આર્થિક રીતે સક્ષમ હોવાથી તેમને અનાજનો જથ્થો આપવામાં આવતો નથી. તે સીવાયનો મધ્યમ વર્ગ છે તેને નિયમીત અનાજનો જથ્થો આપવામાં આવે છે. માટે જેને નિયમીત અનાજનો જથ્થો મળે છે તે લોકો વિનામુલ્યે અનાજનો જથ્થો લેવા જાય તેવી પુરવઠા વિભાગે અપીલ કરી છે. વધુમાં પુરવઠા વિભાગે જાહેર કર્યું છે કે, રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો ૨૦૧૩ હેઠળ પાત્રતા ધરાવતા અંત્યોદય તેમજ અગ્રતા ધરાવતા કુટુંબો તથા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો ૨૦૧૩માં સમાવેશ થયેલા નથી તેવા બીપીએલ કુટુંબોને જ આ લાભ મળવાનો છે.

જામનગરમાં લોકડાઉનમાં ડીવાયએસપી એ.પી. જાડેજા દ્વારા સુદઢ વ્યવસ્થા ગોઠવાય

કોરોનાનાી મહામારીને મ્હાત આપવા વડાપ્રધાન દ્વારા ત્રણ સપ્તાહ સુધી લોકડાઉન કરવામાં આવ્યું છે. લોક ડાઉનમાં લોકોને હાલાકી ન પહોંચે તે માટે તંત્ર દ્વારા વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. ત્યારે જામનગર જીલ્લા પોલીસ વડા ના દેખરેખ હેઠળ જામનગર શહેર અને ગ્રામ્ય પંથકમાં પોલીસ પ્રજાનો સાચો મિત્ર મંત્રને સાર્થક કરી રહી છે. જેના ભાગરુપ જામનગર સીટી ડીવાયએસપી એ.પી. જાડેજાના માર્ગદર્શન હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં જાત માહીતી મેળવી પ્રજાને પડતી મુશ્કેલી દુર કરી રહ્યા છે. લોકોને જીવન જરુરીયાત વસ્તુઓ આસાનીથી મળી રહે અને ખોટી ભીડ ન થાય તેમજ ગ્રાહકો વચ્ચે અંતર રાખવા અને પુરવઠોનો જથ્થો જાળવવામાં આવશે આથતી કોઇ અફડા તફડી કરવી નહી તેવી અપીલને માન આપી લોકો સહકાર આપી રહ્યા છે.

Loading...