Abtak Media Google News

ન્યારી ઈએસઆરની વર્ષો જુની મેઈન લાઈન બદલાવવાની કામગીરી સબબ વોર્ડ નં.૨, ૭, ૮, ૧૦ અને ૧૧માં પાણી વિતરણ બંધ રાખવાની કોર્પોરેશનની જાહેરાત

રાજકોટ વાસીઓએ સંતોષકારક વરસાદ ન પડે ત્યાં સુધી પાણીની રતિભાર પણ હાડમારી વેઠવી ન પડે તે માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અંગત રસ લઈ શહેરની જળજરૂરીયાત સંતોષતા આજી અને ન્યારીમાં ૧૫ ઓગસ્ટ સુધી ચાલે તેટલા નર્મદાનાં નીર ઠાલવી દીધા છે છતાં જાણે શહેરીજનોનાં નશીબમાં નિયમિત પાણી ન હોય તેમ મહાપાલિકાની અણઆવડતનાં પાપે લોકોએ પાણીકાપ વેઠવો પડે છે. ન્યારી ઈએસઆરની વર્ષો જુની પાઈપલાઈન બદલવાની કામગીરી હાથ ધરવાની હોય રવિવારે શહેરનાં પાંચ વોર્ડમાં પાણીકાપનો કોરડો વિંઝવામાં આવ્યો છે.

આ અંગે મહાપાલિકાનાં સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ન્યારી ઈએસઆરની મેઈન સપ્લાય પાઈપલાઈન ઘણી જુની છે જેનાં કારણે અનેકવાર લીકેજની સમસ્યા સર્જાય છે અને પાણી વિતરણ વ્યવસ્થા પર અસર પડે છે. નવી ૭૧૧ એમએમ ડાયા એમ.એસ. પાઈપલાઈન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હોય આ કામગીરી અંતર્ગત ન્યારી ઈએસઆરનાં આઉટલેટ સાથે આ નવી પાઈપલાઈનનું જોડાણ કરવાનું થતું હોવાનાં કારણે તા.૨૩ જુનને રવિવારનાં રોજ ન્યારી ઈએસઆર હેઠળ વોર્ડ નં.૨ (પાર્ટ), વોર્ડ નં.૭ (પાર્ટ), વોર્ડ નં.૮ (પાર્ટ), વોર્ડ નં.૧૦ (પાર્ટ) અને વોર્ડ નં.૧૧ (પાર્ટ)નાં વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રાખવામાં આવશે. રવિવારે પાંચ વોર્ડનાં લાખો લોકોએ મહાપાલિકાની અણઆવડતનાં કારણે તરસ્યા રહેવું પડશે. હાલ જળાશયોમાં પુરતું પાણી છે છતાં એક યા બીજા કારણોસર શહેરીજનો પર પાણી કાપ લાદવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.