Abtak Media Google News

મોરબી, માળીયા મિયાણા તાલુકાના ખેડૂતો ચોમાસા પહેલા જ વાવેતર કાર્ય શરૂ કરી દેતા હોય છે. તેથી, આ વાવેતર માટે પાણીની સખત જરૂરિયાત રહે છે. આથી, ખેડૂતો આગોતરું વાવેતર કરી શકે તે માટે કેનાલમાં પાણી છોડવાની માંગણી કરવામાં આવી હતી. જેના પગલે મોરબીના મચ્છુ ડેમમાંથી કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે. જેથી, હવે ખેડૂતો આગોતરું વાવેતર કરી શકશે અને સારો પાક મેળવીને ગત વર્ષ થયેલી નુકશાનીની સરભર કરી શકશે.

મોરબી, માળીયા તાલુકાના ખેડૂતો ગતવર્ષે અતિવૃષ્ટિને કારણે આર્થિક રીતે પાયમાલ થઈ ગયા હતા. જોકે શિયાળુ પાકમાં પણ ખેડૂતો આ નુકશાનીનું સરભર કરી શક્યા ન હતા. જે થોડા ઘણા પાકોનું ઉત્પાદન થયું હતું તેમાં પણ લોકડાઉનનું ગ્રહણ નડી ગયું હતું. તેથી, ખેડૂતો હજુ સુધી આર્થિક નુક્શાનીમાંથી બહાર આવ્યા નથી. ત્યારે હવે ચોમાસુ નજીક આવતું હોય ખેડૂતો આગોતરું વાવેતર કરી શકે તો તેમને આ નુકશાનીમાં મોટી રાહત થાય એમ છે. આથી, મોરબી, માળિયાના ખેડૂતો ચોમાસા પહેલા આગોતરું વાવેતર કરી શકે તે માટે કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે સાંસદ મોહનભાઇ કુંડારિયા સહિતના ખેડૂત અગ્રણીઓએ સરકારમાં રજુઆત કરી હતી. જેના પગલે કેનાલમાં પાણી છોડવાની મંજૂરી આપવામાં આવી છે. તેથી, મોરબીના મચ્છુ-૨ ડેમમાંથી હાલ પાણી કેનાલમાં છોડવામાં આવ્યું છે. હાલમાં મચ્છુ-૨ ડેમમાં ૧૮૪૦ એમસીએફટી પાણીનો જથ્થાનો સંગ્રહ છે. હાલના કેનાલમા પાણી છોડવામાં આવી રહ્યું છે. જેનો મોરબીના ૧૭ અને માળીયાના ૨ મળીને કુલ ૧૯ ગામોના ખેડૂતોને લાભ મળશે તેમ મચ્છુ જળ સિંચાઈ યોજનાના નાયબ કાર્યપાલક ઈજનેર વી.એસ.ભોરણિયાએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.