પાણીની હોળી: સામાકાંઠે મંગળવારે ત્રણ વોર્ડમાં વિતરણ બંધ

88

નવી પમ્પીંગ મશીનરીનું ઈન્સ્ટોલેશનના કામ સબબ વોર્ડ નં.૪ (પાર્ટ), ૫ (પાર્ટ), ૬ (પાર્ટ)માં વિતરણ બંધ રાખવાની જાહેરાત: પંચવટી સોસાયટી રોડ પર પાઈપ લાઈન તૂટતા આજે પણ વોર્ડ નં.૨ (પાર્ટ), ૭ (પાર્ટ) અને ૧૦ (પાર્ટ)માં પાણી કાપ

લોકસભાની ચૂંટણીના ટાઈમે જ શહેરમાં પાણીની હોળી સર્જાય છે. નવી પમ્પીંગ મશીનરી ઈન્સ્ટોલર કરવાની કાર્યવાહી હાથ ધરવાની હોય આગામી મંગળવારના રોજ શહેરના સામાકાંઠા વિસ્તારમાં ત્રણ વોર્ડમાં પાણી વિતરણ બંધ રાખવાની ઘોષણા મહાપાલિકાના વોટર શાખા દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત પંચવટી સોસાયટી નજીક પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાતા આજે બપોર પછી શહેરના ત્રણ વોર્ડમાં પાણી વિતરણ બંધ રાખવાની ફરજ પડી હતી.

કોર્પોરેશનની વોટર વર્કસ શાખાના સુત્રોના જણાવ્યાનુસાર ગ્રીનલેન્ડ પમ્પીંગ સ્ટેશન ખાતે જૂની પમ્પીંગ મશીનરીની જગ્યાએ વધુ ડિસ્ચાર્જ ધરાવતી નવી મશીનરી ઈન્સ્ટોલ કરવાનું કામ ચાલુ છે જે સબબ નવી ઈન્સ્ટોલ કરેલી હેડર મેઈન લાઈનને ઈએસઆરની ૬૦૦ એમએમ રાઈઝીંગ મેઈન લાઈન સાથે જોડાણ કરવાની કામગીરી સબબ આગામી તા.૧૯ને મંગળવારના રોજ ગ્રીનલેન્ડ પમ્પીંગ સ્ટેશન આધારીત વોર્ડ નં.૪ (પાર્ટ), વોર્ડ નં.૫ (પાર્ટ) અને વોર્ડ નં.૬ (પાર્ટ) હેઠળ આવતા વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રાખવામાં આવશે.

દરમિયાન ન્યારી હેડ વર્કની મેઈન પાઈન લાઈનમાં લીકેજ સર્જાવાના કારણે પાઈપ લાઈનનું રીપેરીંગ કામ હાથ ધરવામાં આવતા આજે બપોરે ૧૨ વાગ્યા બાદ ન્યારી હેડવર્ક હેઠળ પાણી મેળવતા વોર્ડ નં. ૭ (પાર્ટ), વોર્ડ નં.૨ (પાર્ટ) અને વોર્ડ નં.૧૦ (પાર્ટ)માં આજે પાણી કાપ લાદવામાં આવ્યો હતો. ચોમાસાની સીઝનમાં અપુરતા વરસાદના કારણે રાજકોટવાસીઓને ઉનાળામાં પાણીની હાડમારી વેઠવી ન પડે તે માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અંગત રસ લઈ રાજકોટની જળ જરૂરીયાત સંતોષતા આજી ડેમ અને ન્યારી ડેમમાં નર્મદાના નીર ઠાલવી દીધા છે.

છતાં રાજકોટવાસીઓના નસીબમાં જાણે નિયમીત પાણી ન હોય તેવું લાગી રહ્યું છે. ટેકનીકલ ક્ષતિ સર્જાવાના કારણે ચૂંટણી ટાઈમે જ પાણીની હોળી સર્જાય છે. આજે બપોરબાદ ત્રણ વોર્ડમાં વિતરણ બંધ રાખવામાં આવતા હજારો લોકો તરસ્યા રહ્યાં હતા. જ્યારે આગામી મંગળવારે પણ શહેરના સામાકાંઠા વિસ્તારમાં ત્રણ વોર્ડમાં પાણી કાંપની જાહેરાત કરવામાં આવતા લાખો લોકો મંગળવારે તરસ્યા રહેશે.

Loading...