શું મુખ્યમંત્રીનો તાજ ‘વિજય’ ના શિરે?

vijay rupani
vijay rupani

હવે સૌરાષ્ટ્ર પર ભાજપનું વધુ ફોકસ રહેશે

ભાજપનું હવે વધુ ફોકસ સૌરાષ્ટ્ર પર રહેવાનું છે. ખેડૂતોના પ્રશ્ર્નો ખાસ કરીને ભાજપ માટે મુખ્ય વિષય રહેશે. વાઈબ્રન્ટ ગુજરાત સમીટની જેમ કૃષિ કલ્યાણ મેળાને પણ વધુ મહત્વ અપાશે. વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી તરીકે સૌરાષ્ટ્રની ખાસ કાળજી લઈ રહ્યાં છે. તેવી જ રીતે હવે સમગ્ર ભાજપની નેતાગીરી પણ સૌરાષ્ટ્રની સંભાળ રાખશે. ભવિષ્યમાં વડાપ્રધાન મોદીની સૌરાષ્ટ્ર મુલાકાત પણ વધી જાય તેવી સંભાવના છે. કેન્દ્રમાં સૌરાષ્ટ્રના નેતાને મહત્વનું સ્થાન મળી શકે છે.

માત્ર ૧૫ મહિનાની અંદર હૃદય સમ્રાટ બની ગયેલા વિજયભાઈ રૂપાણીના શીરે મુખ્યમંત્રીનો તાજ બરકરાર રહેશે તેવી અપેક્ષા સેવાઈ રહી છે. વિજયભાઈ રૂપાણીએ ટૂંકા કાર્યકાળમાં ઝડપી અને સંવેદનશીલ નિર્ણયો લઈ લોકોના દિલ જીતી લીધા છે. ૫૭૫ પ્રજાલક્ષી નિર્ણયોથી લોકોમાં ચાહના મેળવી છે અને સામાન્ય વ્યક્તિની જેમ લોકો વચ્ચે રહ્યાં છે. માટે તેઓને મુખ્યમંત્રી તરીકે ચાલુ રાખવામાં આવે તેવું ઈચ્છનીય છે.

બીજી તરફ જો સૌરાષ્ટ્રના આર્થિક પાટનગર રાજકોટના નેતાને મુખ્યમંત્રી પદેથી હટાવી લેવામાં આવે તો લોકો સમક્ષ ખોટો મેસેજ જઈ શકે છે. આ ઉપરાંત વિરોધ પક્ષને પણ મુદ્દો મળી જાય તેવી શકયતા છે. પરિણામે રૂપાણીને જ મુખ્યમંત્રી પદે ચાલુ રાખવા ભાજપની નેતાગીરી નિર્ણય લેશે. ટૂંક સમયમાં નવી સરકારના મંત્રીઓની જાહેરાત થવાની છે. હાલમાં ભાજપ પાસે ૧૨૧ ધારાસભ્યો પાસે રૂપાણી સરકારમાં ૨૫ મંત્રી, ૧૧ સંસદીય સચિવો અને વિધાનસભામાં ૧ અધ્યક્ષ, ૧ ઉપાધ્યક્ષ, ૧ મુખ્ય દંડક, ૧ ઉપદંડક અને ૧ દંડક એમ કુલ ૪૦ ધારાસભ્યો વિવિધ હોદ્દાઓ પર છે. ભાજપ સરકારનું નવું માળખુ ૨૫મીએ સપથ લે તેવી શકયતા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરીણામો જાહેર થયાના ત્રણ દિવસનો સમય વિતી ગયો છે. ભારતીય જનતા પાર્ટી પૂર્ણ બહુમત સાથે ગુજરાતમાં છઠ્ઠી વખત સરકાર બનાવશે તે વાત ફાઈનલ થઈ ગઈ છે છતાં રાજયમાં નવા મુખ્યમંત્રીનું નામ નકકી કરવા અંગે ભારે સસ્પેન્સ વ્યાપી જવા પામ્યું છે. આજે સાંજે રાજધાની નવી દિલ્હી ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની આગેવાનીમાં અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં મળનારી કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીના નામ ફાઈનલ થાય તેવી સંભાવના જણાઈ રહી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ભારતીય જનતા પાર્ટી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની આગેવાનીમાં લડી હતી. ચૂંટણી પૂર્વે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ અને ગુજરાતના રાષ્ટ્રીય પ્રભારી ભુપેન્દ્રસિંહ યાદવ એવા સંકેતો આપ્યા હતા કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જો ભારતીય જનતા પાર્ટી વિજેતા થશે તો ગુજરાતના નવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ હશે.

ચૂંટણી પરીણામ બાદ ગુજરાતના નવા મુખ્યમંત્રી માટે છેલ્લા બે દિવસથી નવા જ નામો ચાલી રહ્યા છે. જેમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, પરસોતમ રૂપાલા અને મનસુખ માંડવીયાના નામો ચર્ચાઈ રહ્યા છે તો અમુક લોકો એવી પણ ચર્ચા કરી રહ્યા છે કે કર્ણાટકના રાજયપાલપદેથી વજુભાઈ વાળાને રાજીનામું અપાવી ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવશે. જોકે આ બધી વાત માત્ર જો અને તો વચ્ચેની છે.

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ૯૯ બેઠકો જીત્યું છે. આવા સંજોગોમાં જો પક્ષ ચૂંટાયેલા ધારાસભ્યમાંથી નવા મુખ્યમંત્રીની પસંદગી કરવાના બદલે કોઈક નવો જ ચહેરો મુકે તો ગુજરાતની જનતા ભારોભાર નારાજ થાય તેવી શકયતા પણ હાલ નકારી શકાતી નથી.

ઉપરોકત જે નામો ચાલી રહ્યા છે તેમાંથી કોઈ પણ ધારાસભ્ય નથી આવામાં જો પક્ષ જે નામો ચાલે છે તેમાંથી સીએમની નિમણુક કરે તો રાજય પર ફરી પેટાચૂંટણી આવે અને જનતા ભાજપને જાકારો આપે તો દેશભરમાં નેગેટીવ મેસેજ જાય. પક્ષના જવાબદાર હોદેદારો ગુજરાતના મુખ્યમંત્રી માટે કશું બોલતા નથી પરંતુ અંદર ખાને જે રીતે ચર્ચા ચાલી રહી છે તેને ઘેરુ સસ્પેન્સ ઉભુ કરી દીધું છે.

લોકસભાની ચૂંટણીને આડે હવે દોઢ વર્ષથી પણ ઓછો સમયગાળો બચ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના હોમટાઉન એવા ગુજરાતમાં ભાજપ મુખ્યમંત્રીપદે એવી વ્યકિતને બેસાડવા માંગે છે કે જે આવનારા પડકારોને પહોંચી વળે અને ૨૦૧૯ લોકસભાની ચૂંંટણીમાં ફરી ભાજપ ગુજરાતમાં ૨૬ બેઠકો પર જીત હાંસિલ કરે. ગુજરાત અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીના નામો ફાઈનલ કરવા માટે આજે સાંજે રાજધાની નવી દિલ્હી ખાતે ભાજપની કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવાની છે.

જેમાં આ બંને રાજયોના નવા સીએમના નામ ફાઈનલ કરી દેવામાં આવશે. આ ઉપરાંત આજે અમદાવાદ સ્થિત ભાજપ કાર્યાલય ખાતે ભાજપના હોદેદારોની બેઠક મળવાની છે જેમાં ધારાસભ્ય દળની બેઠક પૂર્વે ચર્ચા કરવામાં આવશે અને ચૂંટણી પરિણામોની પણ સમીક્ષા કરાશે.

Loading...