Abtak Media Google News

પડતર પ્રશ્ર્નોનો ઉકેલ લાવવા વીજ કર્મચારીઓ અને સસ્તા અનાજના દુકાનદારોનું એલાને જંગ: હજુ અન્ય સંગઠનો પણ પોતાની માંગને બુલંદ બનાવવા મેદાનમાં ઉતરે તેવી શક્યતા

ચૂંટણી પહેલા હિસાબો માંડવાળ કરવા કોરોના વોરીયર્સ મેદાને ઉતર્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે. જેથી  પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા વીજ કર્મચારીઓ અને સસ્તા અનાજના દુકાનદારોએ એલાને જંગ આપ્યું છે. હજુ અન્ય સંગઠનો પણ પોતાની માંગને બુલંદ બનાવવા મેદાનમાં ઉતરે તેવી શકયતા જોવા મળી રહી છે.

દર વખતે ચૂંટણી પૂર્વે કર્મચારીઓના સંગઠનો પોતાના પડતર પ્રશ્નોને લઈને સરકાર સામે બાથ ભીડતા હોય છે. સામે ચૂંટણી માથે હોય તૈયારીમાં ગળાડૂબ સરકાર સૌને રાજી રાખવાના તમામ પ્રયાસો કરતી હોય છે અને દરેક કર્મચારીઓની વ્યાજબી માંગનો સ્વીકાર થઈ જતો હોય છે. આમ ચૂંટણી પૂર્વે કર્મચારીઓના આંદોલનાત્મક કાર્યક્રમ થવા નક્કી જ હોય છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે પણ આવું જ જોવા મળ્યું છે. વીજ કર્મચારીઓ અને સસ્તા અનાજના દુકાનદારો પોતાના પ્રશ્નોને લઈને મેદાનમાં આવ્યા છે અને સરકાર સામે એલાને જંગ આપી દીધું છે. હજી ચૂંટણી પૂર્વે અન્ય સંગઠનો પણ મેદાનમાં આવે તેવી પ્રબળ શકયતા સેવાઇ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે મહેસુલી કર્મચારી મંડળમાં હાલ તો કોઈ મોટો પ્રશ્ન પડતર ન હોવાનું જાણવા મળી રહ્યું છે. માટે આ સંગઠન ચૂંટણી પૂર્વે સરકાર સામે લડત ચલાવે તેવા હાલ સુધી કોઈ સંજોગો વર્તાઈ રહ્યા નથી. પણ અંતિમ દિવસોમાં શુ થાય તેનું નક્કી નહિ. મહેસુલી કર્મચારી મંડળ સિવાયના સંગઠનોમાં કોઈને કોઈ પ્રશ્ન પડતર હાલતમાં છે. જેથી તેઓ આગામી દિવસોમાં મેદાનમાં ઉતરે તેવી શકયતા છે.

વીજ કર્મચારીઓનું ૧૬મીએ વિરોધ પ્રદર્શન, ૨૧મીએ માસ સીએલ

જીયુવીએનએલ અને સરકારને સાતમાં પગારપંચના હેઠળ આનુસંગિક લાભોભથ્થાઓ તા ૧/૧/૨૦૧૬થી મળવાપાત્ર છે તેનુ ચુકવણુ હજુ સુધી વિજકર્મચારીઓને મળેલ ન હોવાથી યુનિયનો અને એસોસીએશનો દ્વારા તા. ૧૫/૧૨/૨૦૨૦ના રોજ આંદોલનની નોટિસના અન્વયે આગામી કાર્યક્રમોને સફળ બનાવવા ગુજરાતભરમાંથી તમામ યુનિયનો/એસોસીએશનોના ઉચ્ચ હોદેદારોની મિટિંગ સૂરજ ફાર્મ અમદાવાદ ખાતે યોજાયેલ હતી. જેમાં વિવિધ મુદ્દાઓની ચર્ચા વિચારણા કરી કોર કમિટી દ્વારા નક્કી કરવામાં આવેલ છે કે  આગામી લડતના ભાગરુપે હડતાલ અંગેના કાર્યક્રમની  રૂપરેખા નક્કી કરવામાં આવેલ તે મુજબ તમામ વિજકંપનીઓના ૫૫૦૦૦ વિજ કર્મચારીઓ આ લડતમાં સામેલ થશે. મિટિંગમાં આંદોલનની નોટિસ અન્વયે મેનેજમેન્ટ દ્વારા આપવામાં આવેલ પત્રનો જવાબ તમામ યુનિયનો અને એસોસીએશનોના હોદેદારો દ્વારા સામુહિક સહીઓ કરી જીયુવીએનએલ મેનેજમેન્ટને પાઠવવાનું નક્કી કરેલ છે. આગામી તારીખ ૧૬.૦૧.૨૦૨૧ થી પૂર્વયોજિત લડતના કાર્યક્રમો યથાવત રાખવાનું નક્કી કરેલ છે તેમજ તમામ વિજ કંપનીઓના યુનિયન અને એસોસીએશનોના હોદેદારોને હડતાલના ભાગરુપે આગામી તા. ૨૧/૦૧/૨૦૨૧ ના રોજ ૫૫૦૦૦થી વધુ વિજ કર્મચારીઓ દ્વારા એક દિવસની સામુહિક સી.એલ (રજા) મુકવા અંગે કમીટીને જવાબદારી સોંપવામાં આવેલ છે. તેમજ આ લડતને સફળ બનાવવા સામુહિક રીતે પ્રયાસો કરવા નીર્ધાર કરેલ છે આમ સામુહિક રજા મુકી વિજ

કર્મચારીઓ જીયુવીએનએલ સામે આંદોલાત્મક પગલા ભરી વિરોધ પ્રગટ કરી તા. ૦૧/૦૧/૨૦૧૬થી વિજ કર્મચારીઓને મળવાપાત્ર લાભો/ હક્કો એરિયર્સ સાથે તાત્કાલિક અસરથી ચુકવણુ કરવા માંગણી કરવામાં આવેલ છે. જીયુવીએનએલ અને ઉર્જા વિભાગ દ્વારા ડીસેમ્બર ૨૦૧૯મા મંજુર કરેલ છે તે લાભો સત્વરે ચૂકવવા  વિજકર્મચારીઓએ  માગણી કરેલ છે. સાથોસાથ ગુજરાતભરના તમામ વિજકંપનીઓના વીજ કર્મચારીઓ પોતાનો વિરોધ પ્રદર્શિત કરશે, જો વિજકર્મચારીઓની માગણીઓને સત્વરે ન્યાય ન મળે અને લાભો વિજકર્મચારીઓને ન ચુકવાય તો આગામી તા. ૨૨/૦૧/૨૦૨૧ બાદ અચોકકસ મુદતની હડતાલ પર જવા તમામ યુનિયનો અને એસોસીએશનોના હોદ્દેદારો દ્વારા નક્કી કરવામાં આવેલ છે.

સસ્તા અનાજના દુકાનદારોની આજે રાજ્યવ્યાપી હડતાળ

ગુજરાતભરના ૧૬ હજારથી વધારે સસ્તા અનાજના દુકાનદારો આજે એક દિવસની પ્રતિક હડતાલ ઉપર ઉતરી ગયા છે. ઉપરાંત જો પ્રશ્નોનો નિવેડો નહી આવે તો ફેબ્રુઆરીમાં બે મુદ્દતી હડતાલનું પણ એલાન આપી દેવાયું છે. એસોસિએશનના જણાવ્યા મુજબ સરકારી ગોડાઉનમાંથી પુરવઠા ફાળવણી હોવા છતાં ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ ઓથોરીટી ઓફ ઇન્ડિયાનું લાયસન્સ ફરજીયાત એક મહિનામાં લેવાનો નિયમ, ઉપરાંત જે તે દુકાનમાંથી માલ સડેલો – ખરાબ નીકળે તો દુકાનદારની જવાબદારી તથા કોઇપણ દુકાનમાં ગેરરીતિ ઝડપાય તો ૭૫-૭૫ હજારના બે જામીન ફરજીયાત આપવાના નવા કાયદા સામે અમારો પ્રચંડ વિરોધ છે, દરેક દુકાનદારમાં રોષ છે, ઉપરોકત ત્રણેય નિયમો અન્યાયી છે. રાજ્યભરના ૧૬ થી ૧૭ હજાર દુકાનદારોના ૬૮ કરોડ રૂપિયા એક વર્ષથી બાકી છે, જે પુરવઠા નિગમ આપતુ નથી, આ રકમ ૨૦૧૯-૨૦૨૦ની દુકાનદારોએ ચલણ ભરી મેળવેલા ખાંડ, ઘઉં, ચોખા, ચણાદાળ સરકારે મફત વિતરણ કરી દીધા તેની છે, તો ગયા ઓકટોબર – નવેમ્બર મહિનાનું કમીશન પણ સંખ્યાબંધ દુકાનદારોને મળ્યું નથી. આ પ્રશ્નોનો નિવેડો લાવવા સસ્તા અનાજના દુકાનદારોએ હડતાલ પાડી છે. ઉલ્લેખનીય છે કે આજે રાજ્યભરમાં સસ્તા અનાજના દુકાનદારોની હડતાળના કારણે સસ્તા અનાજના જથ્થાનું વિતરણ ખોરવાઇ ગયું છે અનેક ગરીબોને હાલાકીનો સામનો કરવો પડશે તે નક્કી છે. વધુમાં જો આ પ્રશ્ર્નનું નિરાકરણ નહીં આવે તો આવનારા દિવસોમાં પણ આંદોલન વેગ પકડશે અને ગરીબોને ભોગવવું પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.