Abtak Media Google News

ડુંગળીએ સરકારને ‘રડાવી’

સરકારે આપેલી સમય મર્યાદા વધારીને ૧૫ દિવસ કરવા વેપારીઓની માંગ

ગરીબોની કસ્તુરી સમાન ડુંગળી દર વર્ષે ગૃહિણીઓ અને ખેડૂતોને રડાવતી હોય છે. આ વર્ષે તો ડુંગળી સરકારને પણ રડાવતી હોય તેવું સામે આવ્યું છે. સરકાર યેનકેન પ્રકારે ડુંગળીના ભાવને નિયંત્રણમાં રાખવા અનેકવિધ પ્રયત્નો કરી રહી છે. અગાઉ સ્ટોક મર્યાદા નક્કી કરવામાં આવી હતી, જે બાદ આયાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને હવે સરકારે વેપારીઓને નવી ખરીદી પૂર્વે જુના જથ્થાના નિકાલ અંગે સમય મર્યાદા નક્કી કરાઈ છે.

ડુંગળીની અલગ અલગ જાત જેમકે, લાલ , સફેદ, ગુલાબી સહિતની અલગ અલગ ડુંગળીનું આયુષ્ય અલગ અલગ હોય છે. કોઈ ડુંગળીને ૬ મહિના સુધી સંગ્રહ કરીને રાખી શકાય છે જ્યારે અમુક ચોક્કસ પ્રકારની ડુંગળી ફક્ત એક જ મહિનામાં બગડવા લાગતી હોય છે. ભારતમાં માળખાગત સુવિધાઓનો અભાવ હોવાથી ૩૩% નાશવંત ચીજ વસ્તુઓ નાશ પામે છે. તેમાં ડુંગળીનો પણ સમાવેશ થાય છે. વિપુલ ઉત્પાદન મળે તો ખેડૂતો પાસે સંગ્રહશક્તિનો અભાવ હોવાથી ખેડૂતો નીચા ભાવે ડુંગળી વેંચવા મજબૂર બનતા હોય છે પરિણામે ડુંગળી ખેડૂતોને રડાવતી હોય છે. જો ભાવ ઊંચા જાય તો છૂટક બજારમાં ભાવ વધુ ઊંચા જાય અને ડુંગળી ગૃહિણીઓને રડાવતી હોય છે. ટૂંકમાં ડુંગળી વારાફરતી ખેડૂતો અને ગૃહિણીઓને રડાવતી હોય છે.

દેશમાં ડુંગળી ’આગ’ લગાડે તે પૂર્વે સરકાર સતર્ક બની છે. સરકાર દ્વારા ડુંગળીની અછતને પુરી કરવા અને ભાવ વધારાને અંકુશમાં રાખવા કડક પગલાંઓ લેવામાં આવ્યા છે. ડુંગળીના વધી રહેલા ભાવોને અંકુશમાં રાખવા કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળી પર સ્ટોક મર્યાદા ધારો અમલી બનાવાયો છે. સ્ટોક મર્યાદા ધારો અમલી બનતા રિટેલ વેપારીઓ ફક્ત ૨ મેટ્રિક ટન જ્યારે જથ્થાબંધ વેપારીઓ ૨૫ મેટ્રિક ટન ડુંગળીનો જ સંગ્રહ કરી શકશે અન્યથા ગેરકાયદેસર સંગ્રહખોરીનો ગુનો બની શકે છે. કેન્દ્ર સરકારે ગુરુવારે માર્ગદર્શિકા જાહેર કરીને ડુંગળીના વેપારીઓ અને જથ્થાબંધ વેપારીઓને ચેતવણી સ્વરૂપ ટકોર છે. કેન્દ્રે ટકોર કરતા કહ્યું છે કે, કોઇ પણ વેપારીએ ડુંગળીનો નવો પાક ખરીદતા પૂર્વે જૂનો સ્ટોક બજારમાં ઠાલવી દેવો જરૂરી છે તેમજ ત્રણ દિવસના સમયગાળામાં જ ડુંગળીનો જથ્થો સંગ્રહખોરીના કાયદામાં આવી જશે અને આ બાબતે વેપારીઓને આકરો દંડ પણ થઈ શકે છે. કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રાલયે નોંધ્યું છે કે, ખરીદીના ત્રણ દિવસ બાદ ડુંગળીનો જથ્થો સંગ્રહખોરીમાં આવશે જે હાલના સમયમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ગણવામાં આવશે. હાલના સમયમાં જે રીતે ડુંગળીની અછત વર્તાઈ રહી છે જેના પરિણામે ડુંગળીના ભાવ આસમાને આંબી રહ્યા છે. દેશના અમુક ભાગોમાં ડુંગળીના ભાવ પ્રતિકીલો રૂ. ૧૦૦ને પાર પહોંચ્યા છે. ગત વર્ષે દિવાળીના સમયમાં ડુંગળીના છૂટક બજારમાં ભાવ પ્રતિકીલોએ રૂ. ૨૦૦ સુધી પહોંચ્યા હતા જેને કારણે ગૃહિણીઓ રડી હતી અને તેનો પડઘો સરકાર સુધી પહોંચ્યો હતો. જેને ધ્યાને રાખીને આ વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા સ્ટોક મર્યાદા અમલી બનાવવામાં આવી છે. જથ્થાબંધ વેપારી ૨૫ મેટ્રિક ટન જ્યારે છૂટક વેપારી ૨ મેટ્રિક ટન ડુંગળીનો જથ્થો જ સંગ્રહ કરી શકશે. જેમાં કેન્દ્રે હવે સમયગાળો પણ નક્કી કર્યો છે જેથી ડુંગળીનો ગેરકાયદેસર સંગ્રહ ન થાય અને બજારમાં અછત ન વર્તાય.  જો કોઈ વેપારી નિયત સમય મર્યાદા કરતા વધુ સમય સુધી સંગ્રહ કરશે તો તેને ગુન્હાહિત પ્રવૃત્તિ ગણી આકરો દંડ ફટકારવા સુધીની પ્રક્રિયા કરવામાં આવશે. જો કે, સંગ્રહ માટે ત્રણ દિવસની સમય મર્યાદા આયાતી ડુંગળી માટે લાગુ નહીં પડે. કેન્દ્રના આ નિર્ણય સામે ડુંગળીના વેપારીઓ ત્રણ દિવસની જગ્યાએ ૧૫ દિવસની સમય મર્યાદા નક્કી કરવા માંગણી કરી છે. વેપારીઓના મત મુજબ તાત્કાલિક ધોરણે જૂના જથ્થાનો નિકાલ કરી શકાય નહીં. જથ્થાના નિકાલ માટે વેપારીઓને ૧૫ દિવસનો સમય લાગી શકે છે. સરકારે નિર્ણય લઈ લીધો છે પરંતુ તેમાં જુના સ્ટોક અંગે કોઈ પણ સ્પષ્ટતા કરી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.