આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં ધમાકેદાર એન્ટ્રી માટે હાર્દિક સજ્જ

502

ડીવાય પાટીલ ટુર્નામેન્ટમાં હાર્દિકે ૫૫ બોલમાં ૧૫૮ રન ફટકાર્યા: ટુર્નામેન્ટમાં સતત બીજી સદી

ભારતીય ક્રિકેટ ટીમના વિસ્ફોટક ઓલ રાઉન્ડર હાર્દિક પંડયા આફ્રિકા સામેની વન-ડે સીરીઝમાં ધમાકેદાર એન્ટ્રી માટે સજજ થયો છે. હાર્દિક પંડયાએ ડીવાય પાટીલ ટી-૨૦ કપમાં સતત બીજી વખત ૫૫ બોલમાં ૧૫૮ રન ફટકાર્યા હતા જયારે પ્રથમ મેચમાં હાર્દિકે ૧૦૪ રનની સતકિય ઈનીંગ રમી હતી. સતત બે મેચમાં સદી ફટકારતા હાર્દિક પંડયાનું ફોમ ભારતીય ટીમ માટે અત્યંત સારું માનવામાં આવી રહ્યું છે.

આ તકે એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે આફ્રિકા સામેની ૩ મેચની વન-ડે સીરીઝ અત્યંત રોમાંચકભરી બની રહેશે જેમાં સહેજ પણ મીન મેક નથી. ભારતીય ટીમને હાર્દિક પંડયાએ તેના વિસ્ફોટક અંદાજથી ઘણાખરા મેચોમાં વિજય પ્રાપ્ત કરાવવામાં મદદરૂપ સાબિત થયો છે ત્યારે આવનારી સીરીઝ ભારતીય ટીમ માટે અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે. કારણકે હાર્દિક પંડયાનું પુનરાગમન ટીમ ઈન્ડિયા માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

હાર્દિક પંડ્યાએ પોતાની વિસ્ફોટક બેટિંગથી ધૂમ મચાવી દીધી છે. ટીમ ઈન્ડિયાના આ ઓલરાઉન્ડરે ડીવાય પાટિલ ટી-૨૦ કપમાં વધુ એક શાનદાર સદી ફટકારી છે. આ કોઈ સામાન્ય ઈનિંગ્સ નહોતી પંડ્યાએ ૨૦ છગ્ગાની મદદથી ૧૫૮ રનની ધમાકેદાર ઈનિંગ્સ રમી. ડીવાય પાટિલ ટી-૨૦ કપના સેમીફાઈનલમાં શુક્રવારે ૨૬ વર્ષના પંડ્યાએ રિલાયન્સ વન તરફથી રમતા બીપીસીએલ વિરુદ્ધ માત્ર ૫૫ બોલમાં અણનમ ૧૫૮ રન ફટકારી દીધા. નવી મુંબઈમાં હાર્દિક પંડ્યાની આ તોફાની ઈનિંગ્સની મદદથી રિલાયન્સ વન ટીમે ૨૦ ઓવરમાં ૪ વિકેટ ગુમાવીને ૨૩૮ રન બનાવી દીધા. પંડ્યાએ પોતાની આ ઈનિંગ્સમાં ૨૦ છગ્ગા અને ૬ ચોગ્ગા પણ માર્યા. તેની સ્ટ્રાઈક રેટ ૨૮૭.૨૭ની રહી. પંડ્યાએ આ ઈનિંગ્સમાં દોડીને ૧૪ જ બનાવ્યા, બાકીના બધા રન છગ્ગા અને ચોગ્ગાથી બનાવ્યા.

ઉલ્લેખનીય છે કે, ઈજા બાદ કમબેક કરનારા ભારતીય ટીમના વિસ્ફોટક બેટ્સમેન હાર્દિક પંડ્યાએ આ પહેલા મંગળવારે જ ૩૯ બોલમાં ૧૦૫ રનની ઈનિંગ રમી અને બાદમાં ૫ વિકેટ ઝડપી હતી. પંડ્યાની આ ઈનિંગ્સની મદદથી રિલાયન્સ વનની ટીમે ડીવાય પાટિલ ટી-૨૦ કપમાં કેગની ટીમને ૧૦૧ રનના મોટા અંતરથી હરાવી દીધી. પંડ્યાને પાંચ મહિના પહેલા કમરમાં ઈજા પહોંચી હતી, જે બાદ લંડનમાં તેની સર્જરી થઈ હતી. હવે તેણે પોતાના ફોર્મથી ભારતીય ટીમમાં ખાસ જગ્યા બનાવી લીધી છે. સાઉથ આફ્રિકા સામે વન-ડે સીરિઝ માટે ટીમ સિલેક્ટ થવાની છે. ત્રણ વન-ડે મેચોની આ સીરિઝ ૧૨ માર્ચથી રમાશે.

Loading...