Abtak Media Google News

સેન્ટ્રલ અને વેસ્ટ ઝોનની બોર્ડર પર ગ્રીન કોરીડોર: ઈસ્ટ ઝોનમાં વૃક્ષોનું પ્રમાણ ચિંતાજનક: ધનિષ્ઠ વૃક્ષારોપણ અભિયાન છેડાશે

શહેરમાં વૃક્ષોનું પ્રમાણ દિન-પ્રતિદિન ઘટી રહ્યું છે જેનાં કારણે ઉનાળાની સીઝનમાં તાપમાનનો પારો રેકોર્ડબ્રેક સપાટીએ પહોંચી જાય છે. તાજેતરમાં મહાપાલિકા દ્વારા શહેરમાં ટ્રી ડેનસિટીની ચકાસણી માટે સેટેલાઈટ સર્વે કરવામાં આવ્યો હતો જેમાં શહેરનાં વોર્ડ નં.૧, ૧૧, ૧૨, ૧૪, ૧૫, ૧૬ અને ૧૮ ઉજજડ હોવાનું માલુમ પડયું હતું. ઈસ્ટ ઝોનની સ્થિતિ વધુ ચિંતાજનક છે. આગામી દિવસોમાં શહેરમાં કુલ કેટલા વૃક્ષો છે તેની જીઆઈએસથી ગણતરી કરવામાં આવશે. સાથોસાથ ધનિષ્ઠ વૃક્ષારોપણ અભિયાન પણ છેડાશે.

આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, તાજેતરમાં સેટેલાઈટ દ્વારા ટ્રી ડેનસિટીની ચકાસણી કરવામાં આવી હતી જેમાં શહેરનાં વોર્ડ નં.૨, ૩, ૬, ૭, ૮, ૯, ૧૦, ૧૩ અને ૧૫માં વૃક્ષોનું પ્રમાણ બરાબર હોવાનું જણાયું હતું. જયારે વોર્ડ નં.૧, ૧૧, ૧૨, ૧૪, ૧૬, ૧૭ અને ૧૮માં વૃક્ષોની સંખ્યા ખુબ જ ઓછી છે અહીં ધનિષ્ઠ વૃક્ષારોપણની ખુબ જ આવશ્યકતા છે. આગામી દિવસોમાં મહાપાલિકા દ્વારા જીઆઈએસ દ્વારા વૃક્ષોની ગણતરી કરવામાં આવશે. સાથોસાથ શહેરનાં જે વોર્ડમાં વૃક્ષોની સંખ્યા ઓછી છે ત્યાં ધનિષ્ઠ વૃક્ષારોપણ કરવામાં આવશે. દરમિયાન યંગ ઈન્ડિયન્સ નામની સંસ્થાએ સ્માર્ટસિટીને વૃક્ષારોપણ માટે દતક લેવાની તૈયારી દર્શાવી હોય તેઓએ તેઓને સ્માર્ટ સિટીમાં આવેલા લેઈક-૨ અને લેઈક-૩માં વૃક્ષારોપણની જવાબદારી આપવામાં આવી છે. આગામી દિવસોમાં વૃક્ષારોપણનને એક અભિયાન સ્વ‚પે ઉપાડવામાં આવશે.

નિયમાનુસાર વૃક્ષારોપણ નહીં કરનાર ‘સોપાન’નું કમ્પ્લીશન અટકાવાયું

નવાં જીડીસીઆરનાં નિયમ મુજબ પ્રતિ ૧૦૦ ચોરસ મીટર જમીન દીઠ એક વૃક્ષનું વાવેતર ફરજીયાત છે જો આ નિયમની અમલવારી કરવામાં આવે તો જ મહાપાલિકા દ્વારા કમ્પલીશન આપવામાં આવશે તેવી અગાઉ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની જાહેરાત કરી ચુકયા છે. દરમિયાન તેઓએ તાજેતરમાં શહેરનાં અલગ-અલગ વિસ્તારોમાં ચાલતી બાંધકામ સાઈટમાં વિઝીટ કરી હતી જે અંતર્ગત વોર્ડ નં.૧માં રૈયાધાર વિસ્તારમાં આવેલા સોપાન લકઝરીયર્સ નામનાં બિલ્ડીંગમાં નિયમાનુસાર વૃક્ષારોપણ કરવાનું આવ્યું ન હોવાનું માલુમ પડતાં કમ્પલીશન સર્ટીફીકેટ અટકાવી દેવાનો આદેશ મ્યુનિ.કમિશનર દ્વારા કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.