Abtak Media Google News

ચીનનું પાણી ઉતારવા જળ, તળ અને આકાશમાં ભારતની ઘેરાબંધી

એક તરફ ચાઈનીઝ એપ્લીકેશનનો દેશવટો આપી ભારતે ડ્રેગને અડકતરી રીતે સમજી જવા સંકેત આપ્યા છે. બીજી તરફ સરહદે બન્ને દેશોના સૈન્ય વચ્ચે ટકરાવને ખાળવા માટે ભારત ત્રીજી વખત પ્રયાસ કરવા જઈ રહ્યું છે. અત્યાર સુધીની સૈન્ય વડાઓની બેઠકમાં ચીને સહયોગ આપ્યો ન હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે કમાન્ડર જનરલ હરિન્દરસિંગ અને ચીની સૈન્યના ચીફ મેજર જનરલ લ્યુલીન વચ્ચે બેઠક થવા જઈ રહી છે. આ બેઠક ચુસુલ પ્રાંતમાં મળશે.

અગાઉ મોલદો પ્રાંતમાં ભારત અને ચીનના સૈન્ય વડાઓ વચ્ચે મેરેથોન બેઠક મળી હતી. આ બેઠક બાદ પણ ચીની સૈન્ય સરહદેથી પાછળ નહીં હટે તો ભારત તરફથી કડક કાર્યવાહી થવાના ભણકારા વાગી રહ્યાં છે. ભારતે અને ચીન વચ્ચે શાંતિ સ્થપાય તેવા અનેક પ્રયાસ ભારત તરફથી થઈ ચૂકયા છે. પરંતુ ચીન એક યા બીજી રીતે ભારતને દાદ આપતુ ન હોવાની છાપ ઉપસી છે. ભારત દ્વારા ચીનને સરહદની સાથે આર્થિક મોરચે પણ ઘેરવા માટે પ્રયાસો થતાં આવ્યા છે. આવા સમયે ભારત ચીનનું પાણી ઉતારવા માટે જળ, તળ અને આકાશમાં ઘેરાબંધી કરવાની રણનીતિ અપનાવી રહ્યું હોવાનું જાણવા મળે છે.

પીપલ્સ લીબરેશન આર્મી એટલે કે ચીની સૈન્ય દ્વારા સરહદે તનાવમાંથી મુક્તિ માટે ભારત દ્વારા પીછેહટ કરવા રખાયેલી શરતોને માન્ય રાખવામાં આવી નહોતી. ભારત અને ચીનનું સૈન્ય પાછુ ધકેલાય તે પ્રકારની સંધી થઈ હતી. પરંતુ ચીન દ્વારા હજુ સુધી સૈન્ય પાછળ લેવામાં સમજયું નથી જેથી હવે ત્રીજી વખત બન્ને દેશોના સૈન્ય વડાઓ વચ્ચે બેઠક થશે અને આ બેઠકમાં પ્રશ્ર્નનો ઉકેલ નહીં આવે તો બન્ને દેશો વચ્ચેના સંબંધો વધુ બગડી શકે તેવી શકયતા છે. ભારત અને ચીન વચ્ચેના તણાવપૂર્ણ સંબંધો ઉપર આખુ વૈશ્ર્વિક સમુદાય નજર રાખીને બેઠું છે. બન્ને વચ્ચેની આર્થિકની સાથોસાથ સરહદી યુદ્ધ અંગે આખા વિશ્ર્વને ચિંતા છે.

ચીનને ભરી પીવા ભારતે લડાકુ રફાલને વહેલા મંગાવ્યા

લદાખમાં ભારત અને ચીન વચ્ચે તણાવ વધી રહ્યો છે ત્યારે માનવામાં આવી રહ્યું છે ફ્રાંસ હવે ચારની જગ્યાએ છ રાફેલ વિમાન અંબાલામાં ૨૭મી જુલાઈએ આપશે. નોંધનીય છે કે ભારતીય વાયુસેનાની તાકાતમાં વધારો કરનાર આ ડીલ વર્ષ ૨૦૧૬માં કરવામાં આવી હતી જેમાં ભારતે ૫૯ હજાર કરોડમાં ૩૬ લડાકુ વિમાનનો ઓર્ડર આપ્યો છે. રાફેલ વિમાનનો કોઈ જવાબ નથી અને આકાશનો અજય યોદ્ધા કહેવાય છે. રાફેલનો નિશાન અચૂક રહે છે અને હજારો કિમી દૂર વાર કરતી મિસાઈલથી હુમલો કરવા સક્ષમ છે. ફ્રાન્સે ભારતને કહ્યું કે તેઓ રાફેલના પ્રથમ માલસામાનની સાથે જ ૬ વધારાના રાફેલ પણ મોકલવાની તૈયારી કરી રહ્યું છે. ફ્રાન્સે જણાવ્યું છે કે તમામ વિમાન ઉડાણ ભરવાના સર્ટિફિકેટ હાંસલ કરવાની તૈયારીમાં છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે તમામ વિમાન ટૂંક સમયમાં અંબાલા એરબેઝ મોકલી દેવામાં આવશે. અનુસાર ફ્રાન્સ આ વિમાનમાં એટલું ઇંધણ ભરી આપશે કે જેથી રાફેલ વિમાન કોઇ પણ અડચણ વગર ડાયરેક્ટ ભારત પહોંચી શકશે.

હિંદ મહાસાગરમાં ભારતીય નૌસેનાની યુદ્ધ કવાયત

ભારતીય નૌકા દળ દ્વારા હિંદ મહાસાગરમાં કવાયત અને સરહદીય વિસ્તારોમાં દેખરેખ રાખવાનું વધારી દીધું છે. પૂર્વે લદ્દાખમાં ચીન સાથેના સાત અઠવાડીયાના ધર્ષણ અને કડવા અનુભવને લઇને ચીનની ગતિવિધીઓ પર બાજ નજર રાખવા ભારતીય નૌકાદળ હિંદ મહાસાગરમાં સાબેદ બની ગયું છે. સાથે સાથે ભારતીય નૌકાદળે મિત્ર નૌકાદળ જેમ કે અમેશ્રિકન નેવી, જાપાન મેરી ટાઇમ્સ સેલ્ફ ડિફેન્સ ફોર્સ જેવા મિત્ર રાષ્ટ્રો સાથે હિંદ મહાસાગરમાં પ્રાદેશિક સુરક્ષાને વધુ સંગીન બનાવવા હાથ મિલાવ્યા છે. ગયા શનિવારે ભારતીય નૌકાદળ હિંદ મહાસાગરના ભારતના સરહદીય વિસ્તારમાં જાપાનના નૌકાદળ સાથે સંયુકત કવાયત હાથ ધરી હતી. આ વિસ્તારમાં વારંવાર ચીનના યુઘ્ધ જહાજો અને સબમરીનના આંટા ફેરા થતા રહે છે. ભારતીય યુઘ્ધ જહાંજ આઇ.એન.એસ. રાણા અને આઇ.એસ.એસ. કુલિશ જાપાન મેરી ટાઇમ્સ સેલ્ફ ડિફેન્સ ફોર્સના બે જહાજ જી.એસ. કાશીમાં અને આઇ.એસ. સીમાયુકી સાથે લશ્કરી કવાયતમાં જોડાયા હતા. લદાખમાં ચીન સાથે થયેલી સરહદીય ધર્ષણ પરિસ્થિતિને પગલે ચીન નૌકાદળે દક્ષિણ ચીન અને ચીનના હિંદુ પ્રશાંત વિસ્તારમાં શરુ કરેલી હલચલને પગલે ભારતે નૌસેનાને સાબેલ કરી છે.

હોંગકોંગને  ડ્રેગન ભરડો: અમેરિકનોના વિઝા ઉપર પ્રતિબંધ લગાવવા ચીનની ધમકી

હોંગકોંગ મુદ્દે અમેરિકા દ્વારા લેવાયેલા પગલાના પરિણામે ચીન ઉશ્કેરાયું છે અને અમેરિકનના વિઝા રદ્દ કરવાની ચેતવણી આપી છે. તાજેતરમાં અમેરિકા દ્વારા હોંગકોંગ પર ચીનના ભરડાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. લાંબા સમય સુધી બ્રિટીશ કોલોની રહેલા હોંગકોંગને પચાવવા માટે ચીન યેનકેન પ્રકારે પ્રયાસો કરી રહ્યું છે. ચીન દ્વારા સિક્યુરીટી કાયદાના નામે હોંગકોંગના નાગરિકોને દંડાત્મક કાર્યવાહી માટે ચીન લઈ આવવા અને તેની પર અમાનવીય અત્યાચાર કરવાનો તખતો ઘડ્યો હોવાનું વૈશ્ર્વિક સમુદાયનું કહેવું છે. આવા સંજોગોમાં અમેરિકાએ ચીનની સામે કડક પગલા લીધા છે અને ચીન દ્વારા થયેલી હરકતને અમેરિકાએ વખોડી કાઢી છે. બીજી તરફ ચીન પણ ઉશ્કેરાયું છે અને અમેરિકન નાગરિકોને વિઝા ન આપવા અથવા વિઝા કેન્સલ કરવા સુધીના પગલા લેવાની ચિમકી ઉચ્ચારી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.