Abtak Media Google News

અનેક ખેરખાઓ મારા,તમારા જેવા મતદારોના એક મતથી હાર-જીત પામ્યા છે

ચૂંટણી એ લોકશાહીનું મહાપર્વ છે. દરેક મતદારે ઉત્સાહપૂર્વક આ મહાપર્વની ઉજવણી કરવી જોઇએ. ’મારા એક મતથી શું ફેર પડવાનો છે ?’ એવુ વિચારતા મતદારો અને ’તમારો એક મત મને નહિ મળે તો શું ફેર પડવાનો છે ?’ આવી બડાઇ મારતા ઉમેદવારો માટે કેટલાક કિસ્સાઓ શેર કરુ છું જેનાથી મતદાનનું સાચુ મહત્વ સમજાશે.

૨૦૦૮ની રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી વખતે શ્રી સી.પી.જોશી  મુખ્યમંત્રી પદના ઉમેદવાર હતા. આ ચૂંટણીમાં સી.પી.જોશીને ૬૨૨૧૫ મત મળ્યા હતા જ્યારે એના હરિફ ઉમેદવાર શ્રી કલ્યાણસિંહ ચૌહાણને ૬૨૨૧૬ મત મળ્યા હતા. માત્ર એક મત માટે શ્રી સી.પી. જોશી ચૂંટણી હારી ગયા. વધુ આશ્વર્યની વાત તો એ હતી કે આ ચૂંટણીમાં શ્રી જોશીના માતા અને પત્નિ મતદાન કરવા નહોતા ગયા.

૨૦૦૪ની કર્ણાટક વિધાનસભાની ચૂંટણી  વખતે શ્રી એ.આર.કૃષ્ણમૂર્તિને ૪૦૭૫૧ મત મળ્યા હતા જ્યારે તેના હરિફ શ્રી ધૃવનારાયણને ૪૦૭૫૨ મત મળ્યા હતા. માત્ર એક મતથી શ્રી એ.આર.કૃષ્ણમૂર્તિનું ધારાસભ્ય બનવાનું સપનું રોળાઇ ગયુ. આ ચૂંટણી વખતે શ્રી કૃષ્ણમૂર્તિના ડ્રાઇવરે મતદાન કરવા જવાદેવાની મંજૂરી માંગેલી પણ એક મતથી શું ફેર પડે એમ માનીને શ્રી કૃષ્ણમૂર્તિએ ડ્રાઇવરને મતદાન કરવા જવાની મંજૂરી ના આપી અને એનું પરિણામ ભોગવવુ પડ્યુ.

૧૯૯૯માં જ્યારે શ્રી અટલ બિહારી વાજપેયીએ વિશ્વાસનો મત જીતવાનો હતો ત્યારે એક સંસદસભ્યએ વાજપેયીના પક્ષમાં મતદાન કરવાનું વચન આપેલું પરંતું એમ ન થતા વાજપેયીજી જેવા પ્રામાણિક અને નિષ્ઠાવાન વ્યક્તિ વિશ્વાસનો મત ના જીતી શક્યા. માત્ર એક મતના લીધે વડાપ્રધાન પદ ગુમાવવાનો વારો આવ્યો હતો.

૨૦૧૫માં મોહાલી મ્યુનિસીપલ કોર્પોરેશનની ચૂંટણી વખતે કૂલવિંદર કૌર માત્ર એક મતથી એના હરિફ નિર્મલ કૌર સામે ચૂંટણી હારી ગયા હતા.  ૨૦૧૭માં મુંબઇ મહાનગરપાલીકાની ચૂંટણી વખતે સુરેન્દ્ર બાગલકર એક મતથી જીતી ગયા હતા. તેના હરિફ શ્રી અતુલ શાહે ફેરમતગણતરી કરતા બંનેને ૫૯૪૬ મત મળ્યા હતા. બંનેને સરખા મત મળતા ચીઠી ઉપાડીને ઉમેદવારની જીત નક્કી કરવાની હતી જેમાં અતુલ શાહ જીતી ગયા હતા. માત્ર એક મતના કારણે સુરેન્દ્ર બાગલકરની જીત હારમાં બદલાઇ ગઇ હતી. આ તો થોડા ઉદાહરણ આપની સાથે શેર કર્યા. દુનિયાભરમાં આવી અગણીત ઘટનાઓ છે જ્યાં એક મતે આખી રમત બદલી નાંખી હોય. ૧૯૬૧ની સાલમાં ઝાંઝીબારમાં એફ્રો સિરાઝી પક્ષના એક ઉમેદવાર માત્ર એક મતથી જીતેલા અને એ ઉમેદવાર જીત્યા એટલે પક્ષની ૧૦ બેઠક થઇ ગઇ, હરીફ પક્ષને ૯ બેઠક મળી હતી આમ એક જ મતથી ચૂંટણી જીત્યા એટલું જ નહિ એ એક મતના લીધે એફ્રો સીરાઝી પક્ષની સરકાર પણ બની ગઇ. અમેરીકાના ૧૭માં રાષ્ટ્રપ્રમુખ શ્રી એન્ડ્ર્યુ જોન્સન માત્ર એક મતથી બચી ગયા હતા અને શ્રી રુથરફોર્ડ હેયસ માત્ર એક મતથી અમેરીકાના ૧૯માં રાષ્ટ્રપ્રમુખ બની ગયા હતા.  મિત્રો, આ વાત આપના મિત્રવર્તુળમાં, પરિવારમાં બધે જ પહોંચાડો જેથી લોકોને સમજાય કે તમારા એક મતનું શું મૂલ્ય છે ? મતદાન કરીએ અને કરાવીએ, લોકશાહીને વધુ મજબૂત બનાવીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.