Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત ૯૭૭ ઉમેદવારોના રાજકીય ભાવી ઈવીએમમાં

સીલ: અનેક બુથ પર ઈવીએમ અને વીવીપેટ મશીનમાં ખોટકા સર્જાયાની ફરિયાદ

પ્રથમ તબકકાના મતદાનમાં ૨.૧૨ કરોડ મતદારો પોતાના પ્રતિનિધિને ચૂંટશે: મતદાન માટે લોકોમાં સ્વયંભૂ ભારે ઉત્સાહ: ઠંડીના માહોલમાં સવારથી મતદાન મથકો પર લોકોની કતારો: ભારે ઉતેજના

ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકો પૈકી ૧૯ જિલ્લાની ૮૯ બેઠકો માટે આજે પ્રથમ તબકકાના મતદાનમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. પ્રથમ તબકકાના મતદાનમાં ૧.૦૧ કરોડ મહિલા મતદારો અને ૧.૧૧ કરોડ પુરુષ મતદારો સહિત કુલ ૨.૧૨ કરોડ મતદારો ૮૯ ધારાસભ્યોને ચૂંટવા માટે પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. મોટાભાગના જિલ્લાઓમાં મતદાન શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહ્યું હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. પ્રથમ તબકકાના મતદાનમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી સહિતના માંધાતાઓના રાજકીય ભાવી ઈવીએમમાં સીલ થઈ જશે. બીજા તબકકાનું મતદાન ૧૪ ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે. ત્યારબાદ ૧૮મી ડિસેમ્બરે મતગણતરી યોજાશે.

ગુજરાતમાં પોતાના પસંદગી સરકાર બનાવવા માટે ગુજરાતવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શિયાળાની ઠંડીના માહોલમાં આજે સવારથી તમામ મતદાન મથકો ઉપર મતદારોની કતાર જોવા મળી હતી. સામાન્ય રીતે શિયાળાની સિઝનમાં જયારે ચૂંટણી યોજાતી હોય છે ત્યારે લોકો વહેલી સવારના બદલે બપોરના સમયે મતદાન કરવા માટે ઉમટી પડતા હોય છે પરંતુ આજે આશ્ર્ચર્યજનક રીતે સવારથી લોકો મતદાન માટે સ્વયંભૂ ઉમટી પડયા હતા. અનેક બુથ પર યુવાનો અને મહિલાઓની સંખ્યા વધુ જોવા મળી હતી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂ

પાણી જયાંથી ચૂંટણી લડી રહ્યા છે તે ૬૯-રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભા બેઠકના મોટાભાગના બુથ પર સવારથી મતદારો સ્વયંભૂ ઉમટી પડયા હતા.

પ્રથમ તબકકાના મતદાનમાં સૌરાષ્ટ્ર-કચ્છની ૫૪ સહિત રાજયના ૧૯ જિલ્લાની ૮૯ બેઠકો માટે હાલ મતદાન ચાલી રહ્યું છે.જેમાં ૧.૦૧ કરોડ મહિલા મતદારો અને ૧.૧૧ કરોડ પુરુષ મતદારો સહિત કુલ ૨,૧૨,૩૧,૬૧૨ મતદારો પોતાના ૮૯ ધારાસભ્યોને ચૂંટી કાઢવા માટે પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરશે. પ્રથમ તબકકાના મતદાનમાં ભાજપના ૮૯, કોંગ્રેસના ૮૭, બીએસપીના ૬૪, એનસીપીના ૩૦, શિવસેનાના ૨૫, આપના ૨૧, જેડીયુના ૧૪ અને ૪૪૮ અપક્ષ ઉમેદવાર સહિત કુલ ૯૭૭ ઉમેદવારો મેદાનમાં છે. દેશમાં પ્રથમવાર ગુજરાત વિધાનસભાની ૧૩મી ચૂંટણીમાં ઈવીએમ સાથે વીવીપેટનો ઉપયોગ થઈ રહ્યો છે. સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાની ૪૮ બેઠકો માટે ૪૮,૦૨૪નો ચૂંટણી સ્ટાફ તૈનાત કરી દેવામાં આવ્યા છે.

દિવ્યાંગોને મતદાન માટે કોઈ અગવડતા ન પડે તે માટે ૩૧૪૯ વ્હીલ ચેરની વ્યવસ્થા પણ ચૂંટણીપંચ દ્વારા કરવામાં આવી છે. ૮૯ બેઠકો પૈકી ૮ બેઠકો એવી છે કે જયાં ૧૬થી વધુ ઉમેદવારો મેદાનમાં છે. જયાં ૨ થી વધુ ઈવીએમ મશીન રાખવાની ફરજ પડી છે. ૮૯ બેઠકોમાં સૌથી વધુ મતદારો મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના મત વિસ્તાર રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભા બેઠક પર ૩.૧૪ લાખ છે. જયારે સૌથી ઓછા મતદારો પોરબંદર જિલ્લાની કુતિયાણા વિધાનસભા બેઠક પર ૧.૯૮ લાખ મતદારો છે. આ લખાય રહ્યું છે ત્યારે તમામ ૮૯ બેઠકો પર એકદમ શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

અમુક મતદાન મથકો પર ઈવીએમ અને વીવીપેટમાં ટેકનિકલ ખામી સર્જાતા થોડી અફડા-તફડી મચી જવા પામી હતી જોકે ખામી દૂર કરતા ફરી રાબેતા મુજબ કામગીરી શ‚ થઈ જવા પામી છે. સાંજે ૫:૦૦ વાગ્યા સુધી મતદાન ચાલુ રહેશે.

બીજા તબકકાના મતદાનમાં ૧૪મી ડિસેમ્બરના રોજ રાજયના ૧૪ જિલ્લાની ૯૩ બેઠકો માટે મતદાન યોજાશે ત્યારબાદ ૧૮મી ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. આજે સવારથી જે રીતે મતદાન માટે લોકો સ્વયંભૂ ઉમટી પડયા છે તે જોતા એવું લાગી રહ્યું છેકે કોઈ એક પક્ષ તરફી જંગી મતદાન થઈ રહ્યું છે. પ્રથમ બે કલાકમાં ૧૪ ટકા જેટલું મતદાન થયાના અહેવાલો મળી રહ્યા છે. મતદાન માટે લોકોનો ઉત્સાહ જોઈ ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ પોતાની જીત માટેના દાવા રજુ કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.