સૌરાષ્ટ્રની ૪૮ બેઠકો માટે ભારે ઉત્સાહપૂર્ણ માહોલમાં મતદાન

પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, મંત્રી જયેશભાઈ રાદડિયા, ચિમનભાઈ સાપરીયા સહિત ૪૦૮ ઉમેદવારોના રાજકીય ભાવી ઈવીએમમાં સીલ

ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકો પૈકી પ્રથમ તબકકાની ચૂંટણીમાં ૧૯ જિલ્લાની ૮૯ બેઠકો માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે. સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાની ૪૮ બેઠકો માટે ચાલી રહેલા મતદાનમાં સૌરાષ્ટ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમામ બેઠકો પર એકંદરે શાંતિ જોવા મળી રહી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા, ચિમનભાઈ સાપરીયા, અર્જુનભાઈ મોઢવાડીયા સહિતના ૪૦૮ ઉમેદવારોના રાજકીય ભાવી મતદારોએ ઈવીએમ સીલ કરી દીધા છે.

પ્રથમ તબકકાના મતદાનનો આરંભ સવારે ૮:૦૦ કલાકથી થયો હતો. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છના ૧૨ જિલ્લાઓની ૫૪ સહિત રાજયના ૧૯ જિલ્લાની ૮૯ બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. જેમાં પોતાના પ્રતિનિધિને ચુંટવા માટે ૨.૧૨ લાખ મતદારો ભારે ઉત્સાહ સાથે પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. સૌરાષ્ટ્રવાસીઓમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારે ૮:૦૦ કલાકે મતદાન શ‚ થાય તે પૂર્વે લોકો બુથ પર પહોંચી ગયા છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જયાંથી ચૂંટણી લડી રહ્યા છે તે વિધાનસભા ૬૯ રાજકોટ પશ્ર્ચિમ બેઠક પર મતદારોની ભારે કતારો જોવા મળી રહી છે.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી ભાવનગરમાંથી વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે. આજે સવારે મતદાન પૂર્વે તેઓએ મંદિરોમાં પૂજા-અર્ચના કરી હતી ત્યારબાદ મતદાન કર્યું હતું. રાજય સરકારના કેબિનેટ મંત્રી ચિમનભાઈ સાપરીયાએ જામજોધપુરમાં જયારે યુવા મંત્રી જયેશભાઈ રાદડિયાએ જામકંડોરણામાં મતદાન કર્યું હતું. પ્રથમ તબકકાના મતદાનમાં કુલ ૯૭૭ ઉમેદવારોના રાજકીય ભાવી ૨.૧૨ કરોડ મતદારો નકકી કરશે. સૌરાષ્ટ્રની ૧૧ જિલ્લાની ૪૮ બેઠકો માટે કુલ ૪૦૮ ઉમેદવારો મેદાનમાં છે અને ૯,૧૩૯ બુથ ઉભા કરવામાં આવ્યા છે. ૪૮૦૨૪નો ચૂંટણીસ્ટાફ ખડેપગે છે.લોકશાહીના મહાપર્વમાં લોકોએ આજે ભારે ઉત્સાહભેર ભાગ લીધો હતો.

પ્રથમ તબકકાના મતદાન બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, વિધાનસભાના પૂર્વ નેતા શકિતસિંહ ગોહિલ, મંત્રી ચિમનભાઈ સાપરીયા, જયેશભાઈ રાદડિયા, બાબુભાઈ બોખીરીયા, કોંગ્રેસના યુવાનેતા પરેશ ધાનાણી, પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલ સહિતના માંધાતાઓના રાજકીય ભાવી ઈવીએમમાં સીલ થઈ જશે.

Loading...