Abtak Media Google News

પૂર્વ ચૂંટણી કમિશનર ટી.એન. શેષાનના મૃત્યુની અફવા

દેશમાં ચૂંટણી પંચનું અસ્તિત્વ સાબિત કરી ચૂંટણી ઓળખપત્ર અને કડક આદર્ આચાર સંહિતાની ભેટ આપનાર ટી.એન. શેષાન પત્નીના મૃત્યુબાદ વૃધ્ધાશ્રમમાં ગાળે છે એકલવાયુ જીવન

વિશ્ર્વની સૌથી મોટી લોકશાહીમાં ચૂંટણી પંચનું અલાયદુ અસ્તિત્વ હોવાની સાબિતિ આપનાર અને ફોટાવાળા ચૂંટણી કાર્ડની શરૂઆત કરનાર પૂર્વ ચૂંટણી કમિશ્નર ટી.એન. શેષાનના પત્ની જયાલક્ષ્મીનું ૩૧ માર્ચ ૨૦૧૮ના રોજ અવસાન થયા બાદ ટી.એન. શેષાનનું પણ અવસાન થયું હોવાની અફવા ફેલાઈ છે, જો કે દેશમાં ચૂંટણીલક્ષી અનેક સુધારા લાવનાર ટી.એન.શેષાનને સંતાન ન હોય છેલ્લા ઘણા સમયથી ચેન્નાઈમાં વૃધ્ધાશ્રમમાં એકલવાયું જીવન ગાળી રહ્યા છે.

૧૫ ડીસેમ્બર ૧૯૩૨ના રોજ તામિલનાડુમાં જન્મેલા અને ૧૯૫૫નાં તામિલનાડુ કેડરનાં આઈ.એ.એસ. ઓફીસર ટી.એન.શેષાને પોતાના કાર્યકાળ દરમિયાન અનેક સારા હોદાઓ પર પદાપર્ણ કર્યું છે અને ૧૯૯૦થી ૧૯૯૬ સુધી વિશ્ર્વની સૌથી મોટી લોકશાહી એવા ભારત દેશનાં ચૂંટણી કમિશ્નરનાં પદ પર બિરાજી સૌ પ્રથમ વખત મતદાન કરતા નાગરીકો માટે ફોટો ઓળખપત્ર જરૂરી હોવાનું જણાવી દેશભરમાં ચૂંટણી કાર્ડ આપવાની શરૂઆત કરાવી હતી સાથોસાત તેઓએ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી દરમિયાન થતા લખલૂટ ખર્ચાઓ અને દાદાગીરીને અંકુશમાં લેવા કડક આદર્શ આચાર સંહિતા અમલમાં લાવી ચૂંટણીબુથથી ચોકકસ અંતર સુધીમાં રાજકીય ગતિવિધિ પર રોક લગાવી, મતદાન મથકની અંદર બહાર આવા ગમન પર નિયંત્રણો લાદતા તે સમયે ભારે રાજકીય ઉહાપોહ મચી જવા પામ્યો હતો. અને રાજકીય પક્ષોને ટી.એન. શેષાનનાં સુધારા પસંદ પડયા ન હતા. પરંતુ દેશનાં નાગરીકોએ ચૂંટણી પંચના આ સુધારાવાદી વલણને સહર્ષ સ્વિકારતા રાજકીય પક્ષોને પંચના સુધારા પચાવવા પડયા હતા.

દરમિયાન ચૂંટણી પંચનાં કમિશ્નર તરીકે નિવૃતિ મેળવ્યા બાદ ટી.એન. શેષાને રાષ્ટ્રપતિ પદ માટેની પ્રતિષ્ઠાભરી ચૂંટણી લડવાની સાથે સાથે ગાંધીનગર લોકસભા બેઠક પરથી પણ ઝંપલાવ્યું હતુ.

જીવનના સંધ્યાનાં તબ્બકામાં સંતાન ન હોવાને કારણે પૂર્વ ચૂંટણી કમિશ્નર ટી.એન. શેષાન અને તેમના પત્ની જયાલક્ષ્મી છેલ્લા ઘણા સમયથી એકલવાયું જીવન વ્યતિત કરી રહ્યા હતા જેમા ૩૧ માર્ચ ૨૦૧૮ના રોજ ચેન્નાઈનાં વૃધ્ધાશ્રમમાં તેમના પત્ની જયાલક્ષ્મીનું નિધન થયા બાદ પૂર્વ ચૂંટણી કમિશ્નર ટી.એન. શેષાનનું પણ અવસાન થયાની અફવાનું બજાર ગરમાયું હતુ.

નોંધનીય છે કે સૌથી મોટી લોકશાહીમાં સુધારાવાદી વલણ અપનાવનાર પૂર્વ ચૂંટણી કમિશ્નરને હાલનાં પીંઢારા રાજકારણીઓ વિસરી ગયા છે. સાથોસાથ પ્રજા અને મિડિયા પણ પ્રમાણિક અધિકારીઓને ભૂલી ફિલ્મના નટ-નટીઓને થતી જેલ સજા પાછળ હરખઘેલા બન્યા છે. જે દેશની કમનસીબી છે

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.