Abtak Media Google News

મહેમાન વેસ્ટ ઈન્ડિઝ સાથેની ત્રણ મેચોની સિરીઝમાં ભારતે ૧-૦થી વિજયી સરસાઈ મેળવી

ભારતીય ક્રિકેટ ટીમના વર્તમાન ‘વિરાટ’ ખેલાડી ગણાતા કેપ્ટન ‘કોહલી’ની અદ્ભૂત રમતેભારતે પ્રથમ ટી.૨૦ મેચમાં વેસ્ટઈન્ડીઝને ‘ચિત્તભંગ’ કરી દીધું છે. ભારતના પ્રવાસે આવેલી વેસ્ટઈન્ડીઝની ટીમના ૨૦૮ના ચેલેન્જીંગ સ્કોરને ભારતીય ટીમે આઠ દડા બાકી હતા ત્યારે વિજયી મેળવ્યો હતો. જે સાથે ભારતીય ટીમે ટી.૨૦માં સૌથી વધુ રનચેઝ કરીને વિજય મેળવવાનો પોતાના નવો રેકોર્ડ બનાવ્યો છે. કેપ્ટન કોહલીએ ૫૦ બોલમાં છ સિકસ અને છ ચોકાની મદદથી અણનમ ૯૪ બનાવીને વેસ્ટ ઈન્ડીઝના તમામ બોલરોના ચિત્તભંગ કરી નાખ્યા છે. આ અદભૂત વિજયથી ત્રણ ટી.૨૦ મેચોની સિરીઝમાં ભારતે વેસ્ટઈન્ડીઝની ટીમ પર માનસીક દબાણ ઉભુ કરીને ૧-૦થી વિજયી સરસાઈ મેળવી છે.

હૈદરાબાદમાં ગઈકાલે રમાયેલી પહેલી ટી-૨૦ મેચમાં ભારતીય ટીમે વેસ્ટઈન્ડીઝને ૬ વિકેટે હરાવ્યું છે. ત્રણ મેચોની ટી-૨૦ સીરીઝમાં ૧-૦થી સરસાઈ મેળવી લીધી છે. કેએલ રાહુલ અને વિરાટ કોહલીની શાનદાર બેટિંગનાં દમ પર ભારતે વેસ્ટઇન્ડીઝનાં ૨૦૮ રનના વિશાળ લક્ષ્યને પાર પાડ્યો હતો. ટી-૨૦માં આ ભારત દ્વારા પાર પાડવામાં આવ્યો સૌથી મોટો લક્ષ્ય છે. આ પહેલા ભારતે શ્રીલંકાની સામે ૨૦૦૯માં ૨૦૭ રનનો લક્ષ્યાંક પાર પાડ્યો હતો. પ્રથમ દાવમાં વેસ્ટઈન્ડીઝની ટીમે ૨૦ ઑવરમાં ૫ વિકેટ ગુમાવીને ૨૦૭ રન બનાવ્યા અને ભારતને જીતવા માટે ૨૦૮ રનનો ટાર્ગેટ આપ્યો, જવાબમાં ભારતીય ટીમે ૧૮.૪ ઑવરમાં ૪ વિકેટ પર ૨૦૯ રન બનાવી લીધા હતા. વિરાટ કોહલીએ ૫૦ બોલમાં ૯૪ રન અને લોકેશ રાહુલે ૬૨ રન ફટકાર્યા. વેસ્ટઈન્ડીઝની વિરુદ્ધ ભારતની આ સતત સાતમી જીત છે. સીરીઝની બીજી મેચ ૮ ડિસેમ્બરનાં તિરૂવનંતપુરમાં રમાશે.

7537D2F3 6

ઓપનીંગમાં આવેલા રોહિત શર્મા ૮ રન મારીને આઉટ થતા ભારતીય ટીમ પર દબાણ આવ્યું હતું જે બાદ રાહુલે અને કોહલીએ બીજી વિકેટ માટે ૧૦૦ રનની ભાગેદારી કરી. લોકેશ રાહુલ ૬૨ રન બનાવીને ખૈરી પિયરેની બોલિંગમાં પોલાર્ડનાં હાથે કેચ આઉટ થયો. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચોની ઝ-૨૦ શ્રેણીની પહેલી મેચ આજે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાના કપ્તાન વિરાટ કોહલીએ ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. મહેમાન વેસ્ટ ઈન્ડિઝને પહેલા બેટિંગમાં ઉતાર્યું છે. વર્લ્ડ ક્રિકેટના કિંગ વિરાટ કોહલીની આતશી ૯૪ રનની અણનમ ઈનિંગથી વેસ્ટ ઈન્ડિઝ સામેના પહેલા ટી-૨૦ મેચમાં ભારતનો ૬ વિકેટે આક્રમક વિજય થયો હતો. સુકાની વિરાટ કોહલી ૫૦ દડામાં છ છગ્ગા અને છ ચોગ્ગાથી શાનદાર ૯૪ રને અણનમ રહ્યો હતો. ભારતે તેના ટી-૨૦ ઈતિહાસનો સૌથી મોટો વિજય લક્ષ્યાંક ૨૦૮ રનનો ૮ દડા બાકી રાખીને પાર પાડી લીધો હતો. કોહલી સિવાય કે.એલ.રાહુલે પણ ૪૦ દડામાં ૫ ચોગ્ગા અને ૪ ચોગ્ગાથી ૬૨ રનની ઝડપી ઈનીંગ રમી હતી.

સુકાની વિરાટ કોહલીએ અદ્ભૂત સ્ટ્રોકફૂલ બેટીંગ કરીને વેસ્ટ ઈન્ડિઝના તમામ બોલરોને મેદાનની ચારેબાજુ ઝુડી નાખ્યા હતા. એક સમયે ભારતને ૪૭ દડામાં જીત માટે ૯૦ રનની જરૂર હતી. ત્યારે કોહલીએ કાઉન્ટર એટેક કરીને કેરેબીયન બોલરો સામે ચોગ્ગા, છગ્ગાનો વરસાદ વરસાવી ભારતને જીત અપાવી હતી. રોહિત શર્મા (૮) નિષ્ફળ રહ્યાં બાદ કોહલી અને રાહુલ વચ્ચે ૬૨ દડામાં ૧૦૦ રનની ભાગીદારી થઈ હતી. આ પછી ત્રીજી વિકેટમાં કોહલી અને પંત વચ્ચે માત્ર ૧૯ દડામાં ૪૮ રન ઉમેરાયા હતા. પંત ૯ દડામાં ૧૮ રન કરી આઉટ થયો હતો. તેણે બે છગ્ગા લગાવ્યા હતા. શ્રેયસ પણ ચાર રન બનાવી આઉટ થતા નિષ્ફળ રહ્યો હતો. શિવમ દુબે કોહલી સાથે અણનમ રહ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝનો બોલર વિલિયમ્સ ધોવાયો હતો. તેણે ૩.૪ ઓવરમાં ૬૦ રન આપ્યા હતા.’ ટોસ જીતીને મોટાભાગે લક્ષ્યનો પીછો કરવાનું પસંદ કરતી ભારતીય ટીમે આજે પણ પહેલા ફિલ્ડિંગ પસંદ કરી હતી. જો કે, ભારતીય સુકાની વિરાટ કોહલીનો આ નિર્ણય ખરો સાબિત થયો ન હતો. ભારતની નબળી બોલિંગ-ફિલ્ડિંગનો ભરપૂર લાભ ઉઠાવીને પ્રવાસી વેસ્ટ ઇન્ડિઝની ટીમે આક્રમક બેટિંગ કરીને નિર્ધારિત ૨૦ ઓવરમાં ૫ વિકેટે ૨૦૭ રન ખડકી દીધા હતા. વિન્ડિઝે આખરી પાંચ ઓવરમાં આક્રમક બેટિંગ કરીને ૬૩ રનનો ઉમેરો કર્યો હતો.’

પ્રારંભે ૧૩ રનમાં એક વિકેટ ગુમાવ્યા બાદ કેરેબિયન બેટ્સમેનોએ આતાશી બેટિંગ કરી હતી. લેવિસે ૧૭ દડામાં ૩ ચોક્કા અને ૪ છગ્ગાથી ૪૦ રન બનાવ્યા હતાં. તેણે કિંગ સાથે બીજી વિકેટમાં માત્ર ૨૬ દડામાં ૫૧ રનની ભાગીદારી કરી હતી. જ્યારે હેટમાયરે અર્ધસદી ફટકારીને ૪૧ દડામાં બે ચોક્કા અને ૪ છગ્ગાથી ૫૬ રન ઝૂડી નાખ્યા હતા. હેમ્પાયરે અને સુકાની પોલાર્ડ (૩૭) વચ્ચે ચોથી વિકેટમાં ૪૨ દડામાં ૭૧ રનની ઝડપી ભાગીદારી થઈ હતી. પોલાર્ડ ૧૯ દડામાં ચાર ગગનચૂંબી છગ્ગા અને ૧ ચોક્કાથી ૩૭ રને ચહલના દડામાં બોલ્ડ થયો હતો.’ આ પછી આખરી તબક્કે હોલ્ડર અને રામદીને ભારતની દિશાહીન બોલિંગ અને અસ્તવ્યસ્ત ફિલ્ડિંગનો ભરપૂર લાભ લઇને ૧૫ દડામાં ૩૪ રનની અતૂટ ભાગીદારી કરી હતી. હોલ્ડર ૯ દડામાં ૨ છગ્ગા અને ૧ ચોક્કાથી ૨૪ રને તથા રામદીન ૭ દડામાં ૧૧ રને અણનમ રહ્યા હતા. આથી વેસ્ટ ઇન્ડિઝે ૨૦ ઓવરના અંતે ૧૦.૩૫ની સરેરાશથી પાંચ વિકેટે ૨૦૭ રનનો જંગી જુમલો નોંધાવ્યો હતો.’ દિપક ચહરે ૪ ઓવરમાં ૧ વિકેટ લઇને ૫૬ રન આપ્યા હતા જે સૌથી મોંઘો ભારતીય બોલર સાબિત થયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.