કોઈપણ ધર્મ કે સંપ્રદાયની માનહાની અંગેનો વિવાદ વકરે એ આપણા ધર્મપરાયણ દેશને પાલવે તેમ નથી!

130
violating-the-controversy-over-defamation-of-any-religion-or-sect-does-not-keep-our-religious-country-alive
violating-the-controversy-over-defamation-of-any-religion-or-sect-does-not-keep-our-religious-country-alive

અન્ય સંપ્રદાયો-ધર્મોને સ્પર્શતો આ મામલો અન્ય કથાકારો માટે પણ દાખલા રૂપ બનવાની સંભાવના સંબંધમાં હરિભકતોમાં ચર્ચા: ધર્માચાર્યો અને ધર્માલયો પરામર્શ-મિટીંગ યોજવાના મિજાજમાં !

આપણો દેશ મૂળભૂત રીતે વેદિક સંસ્કૃતિ અને વેદિક સભ્યતાને વરેલો દેશ છે. હિન્દુ ધર્મ એનો પ્રાણ છે.

ભારતીય સંસ્કૃતિ ઘણાનું ઋણ લઈને વિકસિત થઈ છે. એ વાત આપણા ઋષિમુનિઓએ સંશોધી છે.

કોઈપણ ધર્મ કે સંપ્રદાયની માનહાની નહિ કરવાનું અને બધાને માન આપવાનું ધોરણ આપણા પરંપરાગત ઢાંચામાં સ્વીકારાયું છે.

‘સર્વધર્મ સદભાવ’ એ આપણા દેશનો સર્વમાન્ય મંત્ર છે. એવી ઈતિહાસ-પ્રસિધ્ધ દંતકથા છે. કે ઈક્ષ્વાકુળ વંશના રાજાઓનો અને પ્રાચીન ઋષિમૂનિઓનો બહુ મોટો ઉપકાર છે.

તેમણે સભ્યજીવન અને આદર્શ જીવનનું સતત આરક્ષણ કરીને જગતને બતાવ્યું છે કે કેટલીયે પેઢીઓનાં પ્રયત્નો વિના અને નિશ્ચિત વિચારધારાના પાલનના આગ્રહ વગર કોઈપણ જીવન સ્થિર થતું નથી. ઈક્ષ્વાકુળના રઘુવંશી રાજાઓ -શાસકોએ આવો આગ્રહ અને નિગ્રહ અપનાવ્યો હતો. અને તેને સાત પેઢીસુધી નખશીખ જાળવી રાખ્યો હતો. પૂંજીભૂત પાવિત્ર્યાવાળાને રોમેરોમ ઉદાર દયાર્દ્ર અને સંસ્કૃત ભાષા જેવી સામે હાથ જોડીને ઉભી એ કવિ કુલગુરૂ, કાલિદાસે ‘રઘુવંશ મહાકાવ્ય’ રચીનો જેમના શુચિ જીવનની ગૂણગાથા ગાઈએ મર્યાદા પુરૂષોત્તમ પ્રભુ રામચંદ્રજીએ આ વંશમાં જન્મ લીધો.

આપણા પ્રાચીન ધર્મગ્રંથોનાં કથન અનુસલાર ક્ષત્રીય સંસ્કૃતિનો રક્ષક છે. બ્રાહ્મણ સંસ્કૃતિનો પોષક છે. વૈશ્ય સંસ્કૃતિનો વિસ્તારક છે. જો રક્ષણ પાતળુ હોયતો સંસ્કૃતિનું પોષણ અને વિસ્તરણ સંવર્ધન યોગ્ય રીતે થવાનું સંભવે નહિ. આથી સમાજનું શૌર્ય ટકાવવાનું અનિવાર્ય બને તથા તેના રક્ષણ કર્તા તરીકે ક્ષત્રિયની કામગીરી વિશેષ રહે.

વળી સમાજની ઉન્નતિ એકદમ થતી નથી. તે માટે આદર્શ સત્તાધીશ, કર્મશીલ ઋષિ, સાધુચરિત, વિચારવંતો અને સામાન્ય પ્રજાનો સ્વયંસ્ફુરિત સહકાર જોઈએ.

આ જગતમાં આપણને ભગવાને મોકલ્યા છે. તે સમજી લેવું અને બીજાઓને તે સમજાવતા સમજાવતાં નૈતિક મૂલ્યો પર અવિચળ શ્રદ્ધા રાખીને તમામ દૂન્યવી વ્યવહારો કરવા એ આપણો સહુનો ધર્મ લેખાય જગતમાં કેમ રહેવું, કેવીરીતે જીવવું અને શાંતિથી ભગવાન પાસે કેમ જવું તે આપણી સંસ્કૃતિ શીખવે છે. ભગવાને આ સંસ્કૃતિના રક્ષણ માટે અને સંવર્ધન માટે દશ દશ અવતારો લીધા છે. તે આપણે ન ભૂલીએ.

આપણી સંસ્કૃતિ જે જે વખતે સંકટમા આવી છે તે તે વખતે સંસ્કૃતિનું કાર્ય કરવાવાળાઓને પીઠબળ અને આશ્વાસન આપવા માટે ભગવાન જાતે જ આવ્યા છે. એ વાત પણ આપણે ન ભૂલવી જોઈએ.

‘સંસ્કૃતિ’ના યથાઉચિત શિક્ષણ દ્વારા જ આ બધું સમજાય અને જીવનમાં ઉતરે.

અત્યારે સ્વતંત્ર ભારતમાં સંસ્કૃત ભાષા લુપ્ત થતી ચાલી છે. એની સાથે ભારતન પ્રાણરેખા સમી હિન્દુ સંસ્કૃતિનું પોત પણ પાતળું પડયા વિના રહ્યું નથી.

મનુસ્મૃતિનું મૂળભૂત હાર્દ ટકી શકયું નથી.

દેશ અને સમાજ વિધટિત થતા રહ્યા છે. અને વિખેરાતા રહ્યા છે.

હિન્દુધર્મ અને હિન્દુત્વ પ્રાણવાન રહ્યા નથી. હિન્દુ સંસ્કૃતિ ટકી રહેવા માટે ફાંફા મારે છે. સંસ્કાર અને સભ્યતા પશ્ચિમી સંસ્કાર (કોન્વેન્ટ કલ્ચર)નાં ઘોડાપૂરમાં તણાઈ રહ્યા છે. દિગ્વિજયી હિન્દુત્વની કશી ગણના રહી નથી.

આખી દુનિયા બદલી છે.

આખો દેશ બદલ્યો છે.

બદલાવનો પ્રવાહ હજુ ગતિમાન છે.

આપણા દેશમાં હજારો નહિ, કરોડો ગરીબો છે.

આમ તો કોઈને ગરીબ રહેવું ગમતું નથી.

ગરીબાઈનું ઓઢણ ઓઢીને ઝુંપડાઓમાં રહ્યા કરવાનું કોઈ ઈચ્છતું નથી. કોઈ માબાપ પોતાના સંતાનો ગરીબીમાં સબડતા જોવાનું સાંખી શકતા નથી. કમનસીબે અત્યારે આપણે ત્યાં સૌથી મોટી અછત માણસાઈની છે, અને કારમો દુકાળ દેશભકિતનો છે.

કોઈપણ દેશની આનાથી મોટી કમનશીબી બીજી કઈ હોઈ શકે?

જો આપણો દેશ કમજોર, દુર્બળ અને પાંગળો ન હોય તો તે આપણા દેશમાં આટલી મોટી સંખ્યામાં દેશદ્રોહીઓને સાચવીને બેઠો ન હતો.!…

આપણા ધર્માચાર્યો, સ્વામિઓ, ધર્મગૂરૂઓ, પૂણ્યાત્માઓ, આપણા જ દેશમાં વિચરણ કરવાને બદલે વિદેશોમાં વિચરણો કરવા દોડતા રહ્યા છે. એ બેશક વિસ્મયજનક જણાય છે. છતા જો આપણી સંસ્કૃતિ, સભ્યતા અને સંસ્કારના મૂળભૂત તત્વ સત્વોની સમજણ આપવાનો એમનો ઈરાદો હોય તોતે અભિપ્રાયભેદનો મુદ્દોબની શકે છે!

આપણાદેશમાં આપણી સંસ્કૃતિ અને આપણી સભ્યતાનો ‘કચ્ચરઘાણ’ એનાં અસ્તિત્વ સામે પડકારરૂપ બન્યો છે, અને પાશ્ચિમાત્ય સભ્યતા (કોન્વેન્ટ કલ્ચર) આપણી ઉગતી પેઢીને વંઢાવી રહી છે. ત્યારે માત્ર વ્યકિતગત મોટાઈ, કૃત્રિમ પ્રભુતા અને ભૌતિકવાદી જાહોજલાલીને પોષતી અઢળક આમદાની માટે તથા સુખ-સુવિધાઓ માટે આપણા જ્ઞાનનું પરદેશીકરણ કરવું એ અભિપ્રાયભેદનો વિષય બની રહ્યો છે. અને આપણા ભગવાનત્વને વટાવવાની યુકિત-પ્રયુકિતઓનું પ્રતિબિંબ એમાં ઉપસ્યા વિના રહેતું નથી.

‘આપરા સાધુસંતો હાલતા ચાલતા તિર્થો છે અને તેઓ આપણા સમાજ તેમજ માનવજાતના કલ્યાણ માટે તેમના માનવજીવનને સમર્પિત કરે છે’ એટલે એમનું આપણા સમાજ ઉપર ઋણ છે. પરંતુ એમના નીકટના અનુયાયીઓ જયારે એમના ખુશામત ખોરો અને કારભારીઓનાં સ્વાંગમાં જે પ્રકારની ભૂમિકાઓ ભજવે છે. એને કારણે સાધુતા અને અંતત્વ લજજાય છે.

આલીશાન આશ્રમો ઉભા કરવા એમાં એશ આરામીના રંગરાગ ચઢાવવા, ભાષાના વૈભવની સંમોહિતની રેલાવવી અને માર્મિક ટીકા ટિપ્પણીઓ તથા વેશભૂષા, ટીલાટપકા નિજી પૂજયતાના હાવભાવ પ્રદર્શિત કરવા, એ બધુ હવે જાણે કે સામાન્ય બની ગયું છે.

મંદિરો, ધર્માલયો વચ્ચે સ્પર્ધા સંપ્રદાયો વચ્ચે સ્પર્ધા, ધર્માત્માઓ વચ્ચે સ્પર્ધા, કથાના કલાકારો વચ્ચે સ્પર્ધા, ધર્મગ્રંથોની સમીક્ષામાં આડેધડ સ્પર્ધા, ભગવાનનાં મૂળ સ્વરૂપોને આકર્ષક બનાવવાની અને શણગાર પરિધાનોમાં સ્પર્ધા જાણે ચરમસીએ પહોચી છે.

મંદિરો ધર્માલયોની આવક વધારવામાં દાન મેળવવામાં પણ સ્પર્ધાનો યુગ ઉપસ્યા વિના રહેતો નથી.

આવા વાતાવરણમાં ધર્મ કે સંપ્રદાયની માનહાનીનું માર્મિક છમકલું પણ મધપૂડાને છંછેડવા જેવું બની શકે છે કે ઝેરના પારખાં કરવા જેવું બની રહે છે.

કોઈપણ ધર્મની ‘માનહાની’ ની છૂટ કે સ્વતંત્રતા ગમે તેવા ચમ્મરબંધીને પણ નથી અપાઈ… વિશ્લેષણના આધારે પણ કોઈ સંપ્રદાયની કે એની કોઈ અંગભૂત ગતિવિધિની નિંદાત્મક ‘અવમાનના’ને ઈષ્ટ ગણવામા આવી નથી.

કોઈપણ વખતે તો આવી ‘માનહાની’ના કારણે તોફાનો ફાટી નીકળ્યા છે. અશાંતિ સર્જાઈ છે. હિંસા ભડકી ઉઠી છે.

આપણો દેશ એની નસેનસમાં ધર્મપારાયણ છે. ધર્મના નામે આ દેશમાં ક્રાંતિ-ઉત્ક્રાંતિ અને જબરા પરિવર્તનની નવીનવી દિદશાઓ ખૂલી શકે છે. અને ધર્મનાં નામે કલ્પનામાં ન આવે એટલી ઝડપે સઘળું ખેદાનમેદાન થઈ શકે અને સોના સમી નગરી જમીન દોસ્ત થઈ ને કે ભસ્મીભૂત થઈને ખંડેરમાં ફેરવાઈ જઈ શકે છે.

અહી પોતાની સચ્ચાઈ સાબિત કરવા ભગવાનના સોગંદ ખવાય છે. ધરમની બાધાઓ લેવાય છે. કંઠીઓ પહેરાય છે. ‘સાષ્ટાંગદંડવત્ પ્રણામ’ દ્વારા ભગવાનની પ્રતિમાઓ સમીપ મસ્તકો ઝુકાવાય છે. અને એમનાં ચરણામૃત પીવાય છે. ચરણરજ માથે ચડાવાય છે. મોરપિચ્છને અને ચાંદલાને શુકનના પ્રતીકો ગણાવાય છે. રામાયણ, ભગવદગીતા, મહાભારત જેવા ધર્મગ્રંથોને વંદના કરીને એના સાનિધ્યમાં અનુદાન ધરવામાં આવે છે.

આમ, ભગવાન, ધર્મ અને સંપ્રદાયની માનહાની એ પરમાત્માના પરમેશ્વરીના અપરાધ બરાબર છે. અને એમની પ્રભુતાને કોઈ અવગણે કે અપમાનીત કરે એનો વિરોધ હરિભકતો અને સંપ્રદાયના મહારથીઓ કરે એમાં કાષઈ અતિષયોકિત નથી.

હા, એમાં ગેરસમજૂતી , અભિપ્રાયભેદ કે અર્થભેદ હોઈ શકે અને એને અંગે સ્પષ્ટતા દ્વારા કે સંભવિત ભૂલના નિખાલસ સ્વીકાર તેમજ દિલગીરીની અભિવ્યકિત દ્વારા સમાધાન થઈ શકે. એમાં અહંકાર કે નાનપની લાગણી આડે ન આવે એ અગત્યનું ગણાશે.

વળી, આ સમાધાન તો ભગવાન અર્થે થયું ગણાય. સંપ્રદાયની માનહાની અંગેનો વિવાદ વકરે એ આપણા દેશને અને સમાજને પાલવે તેમ નથી!

Loading...