Abtak Media Google News

પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા લાલપરી – રાંદરડા તળાવ ડેવલપમેન્ટ પ્રોજેક્ટને હવે પાંખો આવશે

આ નિર્ણય બદલ માન. મેયર, ડેપ્યુટી મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, મ્યુનિ. કમિશનર, શાસક પક્ષના નેતા અને દંડકએ માન. મુખ્યમંત્રીનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એસ્માર્ટ સિટી બનવા ભણી આગળ ધપી રહેલ રાજકોટ શહેર હવે મેટ્રો સિટી બનવાની દિશામાં પણ આગળ વધી રહયું હોવાની પ્રતીતિ કરાવતા રાજકોટ શહેરને બેનમૂન શહેર બનાવવા આજે વધુ એક અનન્ય ભેંટ આપી શહેરીજનોને ખુશ કરી દીધા છે.

એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણયમાં રાજ્ય સરકારએ અત્યાર સુધી પોતાના હસ્તક રહેલ લાલપરી તળાવ હવે રાજકોટ મહાનગરપાલિકાને સોંપી દેવાનું નક્કી કરેલ છે. રાજકોટના પનોતા પુત્ર એવા માન. મુખ્યમંત્રીએ રાજકોટ પ્રત્યેનું ઋણ અદા કરતા શહેરીજનોને રાજકોટની પૂર્વ દિશામાં એટલે કે પૂર્વ ઝોનમાં પણ પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલય પાસે સ્થિત લાલપરી તળાવ સાઈટને હરવાફરવા માટેના વધુ એક અદભૂત સ્થળ તરીકે વિકાસ કરવાના ઉમદા આશય સાથે આ તળાવ હવે રાજકોટ મહાનગરપાલિકાને સોંપી દેતા લાલપરી-રાંદરડા તળાવ ડેવલપમેન્ટ પ્રોજેક્ટને પાંખો આવશે. બીજું રાજ્ય સરકારશ્રીએ એસ.જે.એમ.એમ.એસ.વી.વાય. અંતર્ગત રાજકોટની આગવી ઓળખ પ્રસ્થાપિત કરવા માટે લાલપરી – રાંદરડા સાઈટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે રૂ.૨૦ કરોડની ગ્રાન્ટ મંજુર કરેલ હોય હવે આ પ્રોજેક્ટ ફાસ્ટ ટ્રેક પર આગળ દોડશે તે માન. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સુનિશ્ચિત કરી આપતા રાજકોટવાસીઓમાં હર્ષની લાગણી જન્મી છે. દરમ્યાન માન. મુખ્યમંત્રીના આ નિર્ણય બદલ માન. મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, મ્યુનિ. કમિશનર, શાસક પક્ષના નેતા અને દંડકએ માન. મુખ્યમંત્રીનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો છે.

રાજકોટ શહેરને રૈયા સ્માર્ટ સિટી એરીયામાં અટલ સરોવર સહિત કુલ ત્રણ સરોવર, રેસકોર-૨, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, એમ્સ, નવી જી.આઈ.ડી.સી., “સૌની” યોજના હેઠળ આજી-૧, ન્યારી-૧ અને ભાદર ડેમમાં નર્મદા નીર, મહાત્મા ગાંધી મ્યુઝિયમ તેમજ શહેરની પરિવહન વ્યવસ્થાને વધુ મજબુત કરતા અને શહેરની ખુબસૂરતીમાં પણ વધારો કરતા વિવિધ બ્રિજ, આધુનિક બસ પોર્ટ બાદ હવે લાલપરી તળાવ સોંપવાના નિર્ણયથી રાજકોટ શહેરને એક એવા પ્રવાસન સ્થળની ભેંટ મળી છે કે, રાજકોટ શહેરના પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે આવતા પ્રવાસીઓને લાલપરી-રાંદરડા તળાવ સાઈટ રૂપે હરવાફરવા માટેનું વધુ એક અદભૂત સ્થળ ઉપલબ્ધ બનશે.

રાજ્ય સરકારના આ ઉમદા નિર્ણયથી હવે લાલપરી – રાંદરડા સાઈટ પાસેના અનઅધિકૃત દબાણોની સમસ્યાનો પણ ઉકેલ લાવી શકાશે. લાલપરી – રાંદરડા સાઈટ અત્યાર સુધી રાજકોટ મહાનગરપાલિકા હસ્તક નહી હોવાને કારણે આ સ્થળનો વિકાસ થઇ શકતો ન્હોતો. કુદરતી સૌંદર્યથી ફાટફાટ થઇ રહેલ આ સ્થળના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ આગળ ધપાવી શકાયા ન્હોતા.

હવે રાજ્ય સરકારશ્રીના નિર્ણયને પગલે રાજકોટ મહાનગરપાલિકા લાલપરી – રાંદરડા સાઈટ ખાતે બોટિંગ, એમ્યુઝમેન્ટ પાર્ક, શાનદાર ગાર્ડન, ઘનિષ્ઠ વ્રુક્ષારોપણ, જળસંચય, બહારથી અહી આવતા વિવિધ પક્ષીઓનું નિરીક્ષણ જેવા અવનવા આકર્ષણો સહિતનું ભવ્ય પર્યટન સ્થળ વિકસાવી શકશે. આમ પણ રાજકોટ મહાનગરપાલિકાએ ક્લાઈમેટ ચેન્જ ક્ષેત્રે ઘણું સારૂ કાર્ય કર્યું છે ત્યારે લાલપરી – રાંદરડા સાઈટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ થકી પર્યાવરણની દિશામાં હવે એક શાનદાર પ્રોજેક્ટને આગળ ધપાવવા ઝડપભેર આગળ દોડી શકશે.

રાજકોટ શહેરની ભાગોળે પ્રદ્યુમન પાર્કની ટેકરીઓની ફરતે રાજાશાહી વખતનું આશરે ૧૦૦ વર્ષ પુરાણું રાંદરડા નયન રમ્ય તળાવ આવેલ છે. આ તળાવ ૧૬૭ પક્ષી પ્રજાતિનું ઘર છે, તેમજ અહી ૬૦ જેટલી પ્રજાતિનાં યાયાવર પક્ષીઓ અહી જોઈ શકાય છે. આ તળાવનું બાંધકામ ૧૮૮૯ થી ૧૮૯૧ દરમ્યાન થયેલ છે. આ તળાવનો એરિયા ૧.૨૦ ચો. કિમી. છે. જયારે લાલપરી તળાવનું બાંધકામ ૧૮૯૫ થી ૧૮૯૮ દરમ્યાન થયેલ છે. આ તળાવનો કેચમેન્ટ એરિયા ૮૧.૯૨ ચો. કિ.મી. છે. આ કામગીરીમાં લેઈકમાં ચેકડેમનું બાંધકામ કરી પુરા વર્ષ દરમ્યાન ચોમાસાનાં પાણીનો સંગ્રહ કરવો. લેઈક આસપાસ રીક્રીએશનલ સ્પેસ ઉભી કરવી, તળાવનાં કાંઠે દબાણ ન થાય તે માટે રીટેઈનીંગ વોલનું નિર્માણ કરવું, લેઈક ડેવલપ કરવાથી તેનો જોગર્સ પાર્ક તરીકે પણ ઉપયોગ થઇ શકશે.

પ્રદ્યુમન પાર્ક પાસે આવેલ રાંદરડા અને લાલપરી તળાવને ડેવલપ કરવા માટે SJMMSVY UDP-78 આગવી ઓળખ અંતર્ગત બજેટ જોગવાઈ રાખવામાં આવેલ. જે અંતર્ગત અંદાજે ૧૨૦ હેકટર (૧૨ લાખ ચો. મી.) એરિયામાં લેઈક ડેવલપમેન્ટ, લેન્ડ સ્કેપિંગ, લેઈકમાં બોટિંગ, ફાઉન્ટેશન શો, વગેરેનું પ્લાનીંગ કરવા માટે સ્ટેન્ડીંગ કમીટી ઠરાવ નં. ૩૮ તા. ૦૩/૦૬/૨૦૧૯ ના ઠરાવથી મે. HCP ડીઝાઈન અને પ્‍લાનીંગ એન્‍ડ મેનેજમેન્‍ટ પ્રા. લી.ની  કન્‍સલ્‍ટન્‍ટ તરીકે નિમણુંક કરવામાં આવેલ છે. જે કામ માટે સદરહુ એજન્સીને તા. ૧૧/૦૭/૨૦૧૯ થી વર્કઓર્ડર આપવામાં આવેલ છે. વિશેષમાં ઉપરોક્ત પ્રોજેક્ટ પૈકી રાંદરડા તળાવની માલિકી રાજકોટ મહાનગરપાલિકા હસ્તક છે. જયારે લાલપરી ડેમ / તળાવની માલિકી ગુજરાત સરકારના સિંચાઇ વિભાગ હસ્તક હોય સદરહુ ડેવલોપમેન્ટની કામગીરી જાહેર જનતાના હિતમાં કરી શકાય તે માટે લાલપરી ડેમ અને તળાવ તથા તેને સંલગ્ન તમામ જમીનનો કબજો રાજકોટ મહાનગરપાલિકા સોંપવા બાબતે ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા સરકારમાં રજૂઆત મોકલવામાં આવેલ તેને મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ અનુમોદન આપી લાલપરી ડેમ રાજકોટ મહાપાલિકાને સોંપવાની જાહેરાત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.