Abtak Media Google News

કાલાવડની ખંઢેરા જિલ્લા પંચાયત બેઠક તથા બેરાજા બેઠકના ચૂંટણી પ્રચાર દરમિયાન અપાયેલા પ્રલોભનો

કાલાવડના ખંઢેરા જિલ્લા પંચાયત બેઠક તથા બેરાજા બેઠકના ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગી ધારાસભ્યએ રૂપિયા ઉડાડયાનો વીડિયો વાયરલ થયો છે. જામનગરમાં અત્યારે હાલ જિલ્લા પંચાયતની ચૂંટણી ચાલી રહી છે. એવામાં કોંગ્રેસ નેતાઓનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં કોંગ્રેસના સ્થાનિક ધારાસભ્યોની હાજરીમાં નોટોનો વરસાદ કરી ક્યાંકને ક્યાંક મતદારોને પ્રલોભન આપવાનો સીધો મેસેજ આપવામાં આવી રહ્યો છે. કાલાવાડના ખંઢેરા જિલ્લા પંચાયત બેઠક તેમજ બેરાજા પંચાયતની બેઠકના ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ નેતાઓ ભાન ભુલ્યા છે. આ ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસ નેતાઓ દ્વારા પૈસાનો વરસાદ કરવામાં આવી રહ્યો છે અને કોંગ્રેસ નેતા પણ પૈસા ઉડાડતા જોવા મળ્યા હતા. કોંગ્રેસના નેતા લલિત વસોયા તેમજ કોંગ્રેસ ધારાસભ્ય પ્રવીણ મુસડીયા, ખંઢેરા જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર દિપક વસોયા ચૂંટણી પ્રચાર દરમિયાન પૈસા ઉડાડતા જોવા મળ્યા હતા. તેથી કહી શકાય કે, ક્યાંકને ક્યાં આ નેતાઓએ આચાર સંહિતાનો ભંગ કર્યો છે.

ત્યારે આ મામલે લલિત વસોયાએ જણાવ્યું હતું કે, કાલાવાડ તાલુકો મારું વતન છે. ત્યાં બેરાજા બેઠક પર અમે પ્રચાર કરવા ગયા હતા. આ બેરાજા ગામના મારા સમર્થકો અને મારા મિત્રોના હું વર્ષોથી સંપર્કમાં છું અને આવેશમાં આવી પૈસા ઉડાડ્યા હતા. જે પૈસા ઉડાવ્યા હતા તે ગૌશાળાની બેન્ડ પાર્ટી માટે હતા અને ગૌશાળામાં પૈસાનો ફાળો જાય એટલા માટે પૈસા ઉડાડતા હતા. એક દ્રષ્ટિએ જોઇએ તો આ અમારી ભૂલ છે અને હું મારી ભૂલ સ્વીકારું છું. લલિત વસોયાએ વધુમાં જણાવ્યું કે, હું મારી ભૂલ સ્વીકારું છું… પરંતુ પૈસા ગૌશાળામાં જતા હતા એટલા માટે લોકો અને જે મારા મિત્રો હતા તેમણે પૈસા ઉડાડ્યા હતા. આ વાતનો સ્વીકાર કરું છું અને આચાર સંહિતાના ભંગ બદલ તેમાં ફરિયાદ થાય તો તે ફરિયાદની સજા ભોગવવા અમારી તૈયારી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.