Abtak Media Google News

માની-લોન્ડરિંગ અને છેતરપિંડીના આરોપોને કારણે વિવાદોમાં સપડાયેલા ૬૧ વર્ષના ઉદ્યોગપતિ વિજય માલ્યાના બ્રિટનથી પ્રત્યાર્પણના કેસની સુનાવણી લંડનની વેસ્ટ મિન્સ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટમાં સોમવારે ફરી શરૂ કરવામાં આવી હતી.

સુનાવણી દરમ્યાન વિજય માલ્યાના વકીલોએ ભારતના ન્યાયતંત્રની તટસ્થતા સામે પ્રશ્નો ઊભા કર્યા હતા. ભારતીય બેન્કોની ૯૦૦૦ કરોડ રૂપિયાની લોન્સ પાછી ચૂકવવામાં નિષ્ફળતા સહિત વિવિધ બાબતો માટે વિજય માલ્યા ભારતમાં વોન્ટેડ છે.

વિજય માલ્યાની વકીલ ક્લેર મોન્ટેગોમરીએ CBIની તપાસ અને સુપ્રીમ કોર્ટના નિર્ણયો બાબતે અભિપ્રાય માટે અદાલતમાં દક્ષિણ એશિયાઈ બાબતોના નિષ્ણાત ડો. માર્ટિન લાઉને રજૂ કયાર હતા. માર્ટિન લાઉએ સિંગાપોર અને હોન્ગકોન્ગના ત્રણ ઍકેડેમિશ્યન્સના સ્ટડીને આધારે ભારતની સુપ્રીમ કોર્ટના નિવૃત્તિની નજીક પહોંચેલા ત્રણ ન્યાયાધીશોની તટસ્થતા સામે સવાલ કર્યો હતો. લંડનની સ્કૂલ ઑફ ઓરિયેન્ટલ ઍન્ડ એશિયન સ્ટડીઝના ડિપાર્ટમેન્ટ ઑફ પોલિટિક્સના પ્રોફેસર લોરેન્સ સેઝે કોર્ટમાં સાક્ષીરૂપે ભારતની પોલિટિકલ સિસ્ટમ વિશે અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. ત્યાર પછી બેન્કિંગ-એક્સપર્ટ રેક્સ પોલની પણ કોર્ટમાં પૂછપરછ કરવામાં આવશે.

વિજય માલ્યાના પ્રત્યાર્પણ કેસના અનુસંધાનમાં તેમના વકીલોને જવાબ આપવા માટે સમય ફાળવવામાં આવ્યો છે. પ્રત્યાર્પણ કેસની સુનાવણી ગુરુવારેપૂરી થવાની શક્યતા છે. વિજય માલ્યાના વકીલો કોર્ટમાં એવું સાબિત કરવા પ્રયત્નશીલ છે કે ભાગેડુ ગુનેગાર ગણાવવામાં આવેલા વિજય માલ્યાને બંધ પડેલી કિંગફિશર ઍરલાઇનના કેસમાં નાણાંની ગેરકાયદે હેરફેર અને છેતરપિંડીના આરોપોનો સામનો કરવા માટે ભારત મોકલવાની બળજબરી કરવાની માગણીનું કોઈ વજૂદ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.