Abtak Media Google News

વોર્ડ નં.૧૦માં નિર્માણાધીન કોમ્યુનિટી હોલમાં ઈલેકટ્રીક કામ માટે સ્ટેન્ડિંગે લીધેલા

રી-ટેન્ડરીંગના નિર્ણયથી મહાપાલિકાને રૂ.૧.૦૭ કરોડનો ચોખ્ખો ફાયદો: રૂ.૪.૩૦ કરોડનું કામ હવે ૩.૨૩ કરોડમાં થશે

રાજકોટ મહાનગરપાલિકાની એક-એક શાખામાં ભ્રષ્ટાચારે અજગરી ભરડો લીધો હોવાનું વધુ એકવાર પુરવાર થયું છે. માત્ર ૪ કરોડના કામમાં ૧ કરોડ રૂપિયાનો ગફલો પકડાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. વોર્ડ નં.૧૦માં આકાર લઈ રહેલા કોમ્યુનિટી હોલમાં અલગ-અલગ ઈલેકટ્રીક કામ માટે રૂ.૪.૩૦ કરોડનો ખર્ચ મંજુર કરવાના બદલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે રી-ટેન્ડરીંગ કરવા માટે લીધેલો નિર્ણય ૧૦૦ ટકા સચોટ પુરવાર થયો છે.

ચેરમેનના આ નિર્ણયથી મહાપાલિકાની તિજોરીને ૧.૦૭ કરોડનો ચોખ્ખો ફાયદો થયો છે. કામણગારા કર્મચારીઓની લીલા તેજ દિમાગી ચેરમેન પાસે ભસ્મીભુત થઈ જવા પામી છે. આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરના વોર્ડ નં.૧૦માં એસ.એન.કે. સ્કુલ પાસે મહાપાલિકા દ્વારા અત્યાધુનિક સુવિધાથી સજજ કોમ્યુનિટી હોલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેમાં એચવીએસી સિસ્ટમ, એચપી પેનલીંગ, ડીજી સેટ સહિતના ઈલેકટ્રીક કામ માટે ટેન્ડર પ્રસિઘ્ધ કરવામાં આવ્યું હતું જેનું એસ્ટીમેન્ટ રૂ.૩,૪૪,૫૩,૮૬૧ હતું આ ટેન્ડરમાં ૪ કંપનીઓએ બીડ રજુ કરી હતી. જેમાં બે કંપનીઓ કવોલીફાઈ થઈ હતી. એલ-વન રાજકોટની મેસર્સ દોશી ઈલેકટ્રીક એન્જીનીયરીંગ કંપની હતી જેને આ કામ ૨૭.૧૮ ટકા ઓનથી કરવાની ઓફર આપી હતી. વાટાઘાટને અંતે ૨૫ ટકા ઓન સાથે રૂ.૪,૩૦,૬૭,૩૪૪માં કામ આપવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજુ કરવામાં આવી હતી. આ કામ માટે માલાણી કંટ્રકશનને ૪૩ ટકા ઓનની ઓફર આપી હતી. દરમિયાન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડને ઉંચા ભાવ લાગતા તેઓએ દરખાસ્ત મંજુર કરવાને બદલે કમિશનર તરફ પરત મોકલી હતી અને રી-ટેન્ડરીંગ કરવાની સુચના આપી હતી.

દરમિયાન શોર્ટ ટર્મ નોટિસનું ટેન્ડર પ્રસિઘ્ધ કરવામાં આવ્યું હતું જે ગઈકાલે મુદત પૂર્ણ થતા ખોલવામાં આવ્યું છે. અગાઉ કોમ્યુનિટી હોલમાં અલગ-અલગ ઈલેકટ્રીક કામ માટે રૂ.૪.૩૦ કરોડનો ખર્ચ મંજુર કરવા માટેની દરખાસ્ત મોકલવામાં આવી હતી. રી-ટેન્ડરીંગ કરવામાં આવતા આ કામ અમદાવાદની પ્રણામ ટેકનોલોજીસ્ટ નામની એજન્સીએ ૬ ટકા ઓછા ભાવ સાથે રૂ.૩,૨૩,૮૬,૬૨૯માં કરી આપવાની ઓફર આપી છે. રી-ટેન્ડરીંગના નિર્ણયથી મહાપાલિકાને રૂ.૧.૦૬ કરોડનો ચોખ્ખો ફાયદો થયો છે અને કામમાં ૩૧ ટકાનો ભાવફેર પણ મળ્યો છે. ૪ કરોડના કામમાં પણ જો ૧ કરોડનો ગફલો થતો હોય તો કેવો વાઈબ્રન્ટ વહિવટ ચાલતો હશે તે અંગે પણ ચર્ચાઓ ચાલી રહી છે.

કળાબાજ કર્મચારી કોણ ? જવાબદારો સામે પગલા લેવાશે

વોર્ડ નં.૧૦માં કોમ્યુનિટી હોલમાં ઈલેકટ્રીકના ચાર કરોડના કામમાં એક કરોડ રૂપિયાનો ગફલો પકડાયો છે. સામાન્ય રીતે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત જયારે કમિશનર દ્વારા મંજુરી અર્થે મોકલવામાં આવે છે ત્યારે કમિશનરના ટેકનિકલ પીએ બારીકાઈથી તમામ વસ્તુનો અભ્યાસ કરતા હોય છે પરંતુ જે રીતે એક કરોડનો ગફલો પકડાયો છે તેવા કામણગારી કર્મચારી કોણ હશે તેની પણ ચર્ચાઓએ વેગ પકડયો છે. જવાબદારો સામે મ્યુનિ.કમિશનર પગલા લેશે કે પછી રી-ટેન્ડરવાળી દરખાસ્ત ફરી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મોકલી પોતાની જવાબદારી પુરી કરી દેશે તે હવે સમય જ બતાવશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.